ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યંુ છે કે, હાલની વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને પડકારોને જોતા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7થી 8.5% વચ્ચે રહી શકે છે.
નાગેશ્વરને બુધવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, અમે ફિચ રેટિંગ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે, જેનાથી ચાલુ નાણાકીય વર્ષના વિકાસ દરનું અનુમાન 8.5% રખાયું છે. મારા મતે અર્થતંત્રમાં વિકાસના પરિણામોનો દાયરો ઘણો વ્યાપક છે અને તેનું અંતર પણ ઘણું વધારે હોઈ શકે છે. વળી, આ દર આપણે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે હાંસલ કરીશું. જેમ કે, યુરોપમાં બે દેશ વચ્ચે યુદ્ધના કારણે અનિશ્ચિતતાઓ છે, જેની અસર ફ્યૂઅલ, ખાતર, ખાદ્ય વગેરેના ભાવ પર પણ પડી રહી છે.
નોંધનીય છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે હાલમાં જ નાણાકીય વર્ષ 202-23 માટે ભારતીય અર્થતંત્રના વિકાસ દરનું અનુમાન ઘટાડીને 8.2% કરી દીધું હતું. જોકે, આ અનુમાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કરતા વધારે છે. આરબીઆઈએ ઘરેલુ અર્થતંત્રમાં 7.2%ના વિકાસનું અનુમાન દર્શાવ્યું છે. બીજી તરફ, આર્થિક સમીક્ષા પ્રમાણે પહેલી એપ્રિલ 2022થી શરૂ થયેલા નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 8થી 8.5%ના દરે વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.