ગોલ્ડ પોલિસી:ગિફ્ટ સિટીમાં આજથી ભારતના પહેલા બુલિયન એક્સચેન્જની પ્રાયોગિક ધોરણે શરૂઆત થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગિફ્ટ સિટી ગાંધીનગર (ફાઇલ ફોટો). - Divya Bhaskar
ગિફ્ટ સિટી ગાંધીનગર (ફાઇલ ફોટો).
  • ગોલ્ડ એક્સ્ચેન્જ માટેની પોલિસી IIM અમદાવાદમાં તૈયાર થઈ છે

ભારતની બુલિયન અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી જેનો ઘણા સમયથી રાહ જોઈ રહી છે તે ગોલ્ડ એક્સ્ચેન્જની આજથી પ્રાયોગિક ધોરણે શરૂઆત થવા જઈ રહી છે. દેશનું પહેલું બુલિયન એક્સ્ચેન્જ ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગીફ્ટ-સિટી) ખાતે બનશે. આજે 18 ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસ ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ને પાઈલોટ બેઝ પર શરૂ કરાવશે.

ગોલ્ડ એક્સ્ચેન્જની આગેવાની BSE કરશે
ભારતના પહેલા ગોલ્ડ એક્સ્ચેન્જની આગેવાની બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ કરશે. જ્યારે મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ (MCX), નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE), CDSL અને NSDL તેમ સ્ટેક હોલ્ડર્સ હશે. નાણામંત્રી નિર્મલા સિતારમણે ફેબ્રુઆરીમાં બજેટમાં સેબીને ભારતના પહેલા ગોલ્ડ એક્સ્ચેન્જની રેગ્યુલેટરી બોડી બનાવવાની જાહેરાત કરી હતી.

IIM અમદાવાદમાં તૈયાર થઈ છે ગોલ્ડ પોલિસી
ભારત સરકાર દેશનું પહેલું ગોલ્ડ એક્સ્ચેન્જ બનાવી રહી છે અને તેના માટેની પોલિસી IIM અમદાવાદમાં તૈયાર થઈ છે. પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સરકારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને આપી હતી. IGPCએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને સોંપી દીધો હતો.

દેશભરમાં સોનાના એક સમાન ભાવ હશે
સોનાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી બનાવી છે. આનો અર્થ એ થાય છે કે દેશમાં અત્યારે સોનાના ભાવ નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ધતિ નથી અને એટલે જ દરેક શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે અને તેમાં પણ બે શહેરો કે રાજયોના ભાવ વચ્ચે મોટો તફાવત રહે છે. ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે અને તેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે.

અન્ય સમાચારો પણ છે...