માર્કેટ સેન્ટીમેન્ટ નવા શિખરે:શેરબજાર FIIની ફ્રન્ટલાઈન શેરોમાં જંગી ખરીદી અને વેક્સીનના અહેવાલને પગલે તેજીમય, માર્ચ મહિનાના નીચલા સ્તરેથી 71 ટકા વધ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) તરફથી મોટાપાયે ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતને પગલે ભારતીય શેરબજારે આજે નવી વિક્રમજનક સપાટી નોંધાવી હતી. BSE સેન્સેક્સ 445.87 પોઇન્ટ વધી 44,500ની સપાટી અને નિફ્ટીએ 128 પોઇન્ટના ઉછાળા સાથે 13,000ની સપાટી કૂદાવી દીધી હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 44,601.63 અને નિફ્ટી 13,079.10ની સપાટી નોંધાવી હતી.

ખાસ કરીને મેટલ, ઓટો અને બેન્કિંગ સેક્ટરે આજે તેજીની આગેવાની કરી હતી. બેન્ક ઈન્ડેક્સ 713 પોઇન્ટ અથવા 2.46 ટકા, મેટલ અને ઓટો ઈન્ડેક્સ અનુક્રમે 2-2 ટકા વધ્યા હતા. આ સાથે BSE ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ પ્રથમ વખત 174.84 લાખ કરોડને પાર થઈ ગયુ હતું.

સેન્સેક્સ પેકની 30 પૈકી 22 કંપનીના શેરમાં તેજી
સેન્સેક્સ પેકની 30 પૈકી 22 કંપનીના શેરોમાં તેજી જ્યારે 8 કંપનીના શેરોમાં મંદી જોવા મળી હતી. સૌથી વધારે સુધારો નોંધાવનાર શેરોમાં એક્સિસ બેન્ક, M&M, HDFC બેન્ક, ITC, SBI, ICICI બેન્ક, મારુતિ, કોટક બેન્ક, સનફાર્માનો સમાવેશ થતો હતો.જ્યારે સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં HDFC, ટાઈટન, નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલ, ONGC, ઇન્ફોસિસનો સમાવેશ થતો હતો. BSE ખાતે કુલ 3000 કંપનીના શેરમાં કામકાજ થયુ હતું, જે પૈકી 1,637 સ્ક્રીપમાં તેજી અને 1,172 સ્ક્રીપમાં મંદી જોવા મળી હતી. જોકે 191 સ્ક્રીપના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.

માર્ચ મહિનાની ન્યૂનત્તમ સપાટીથી બજારમાં 71 ટકાનો સુધારો નોંધાયો
કોરોનાને પગલે માર્ચ મહિનામાં ભારતીય શેરબજારોમાં ભારે મંદી આવી હતી. 23 માર્ચના રોજ સેન્સેક્સ ગગડીને 25,981.24 પર બંધ રહ્યો હતો ત્યારે તે દિવસે 7,610.25 પર બંધ રહ્યો હતો. આ ન્યૂનત્તમ સ્તરની તુલનામાં અત્યાર સુધીમાં આશરે 71 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 44,523.02 અને 13,055.15 પર બંધ રહ્યા છે.

અનેક પોઝિટિવ સમાચારની શેરબજારના સેન્ટીમેન્ટ પર સારી અસર થઈ
બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વેક્સીનને લગતી કામગીરી અંતિમ તબક્કામાં હોવાના અહેવાલ, વૈશ્વિક અર્થતંત્રમાં મજબૂત રિકવરી તેમ જ એશિયાના બજારોમાં જાપાનના નિક્કી તથા હોંગકોંગના હેંગસેંગમાં તેજીના અહેવાલની સ્થાનિક બજારો પર સારી અસર જોવા મળી છે.
આ ઉપરાંત ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારો તરફથી ધૂમ ખરીદી થઈ રહી છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં FII દ્વારા આશરે 51 હજાર કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે,જે છેલ્લા બે દાયકામાં સૌથી વધારે છે. બીજીબાજુ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતા કોર્પોરેટ જગતે સારા પરિણામો રજૂ કર્યા છે. મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક તથા સીમેન્ટ સેક્ટરની કંપનીઓની એસેટ ક્વોલિટીમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.

અમેરિકાના શેરબજારોમાં તેજી
સોમવારે અમેરિકાના બજારોમાં ડાઉ જોન્સ ઈન્ડેક્સ 1.12 ટકા એટલે કે 327.79 પોઇન્ટની તેજી સાથે 29,591.30 પર અને S&P 500 ઇન્ડેક્સ પણ 20 પોઇન્ટ સુધરી 3,577.59 પર બંધ રહ્યા હતા.