ભારતીય વ્યક્તિઓ અને ફર્મો દ્વારા સ્વિસ બેન્કોમાં જમા કરાયેલાં નાણાં 2021ના અંતે 47.3% વધીને 3.83 અબજ સ્વિસ ફ્રેન્ક (30,500 કરોડ રૂ.થી વધુ) પર પહોંચી ગયા છે. તે ગત 14 વર્ષમાં સૌથી વધુ છે. 2020ના અંતે સ્વિસ બેન્કોમાં ભારતીય ગ્રાહકોના કુલ 2.55 બિલિયન સ્વિસ ફ્રેન્ક (20,700 કરોડ રૂ.) જમા હતા. તેના પછી સતત બીજા વર્ષે તેમાં વધારો જોવા મળ્યો છે.
આ માહિતી સ્વિટ્ઝર્લેન્ડની કેન્દ્રીય બેન્ક દ્વારા ગુરુવારે જારી વાર્ષિક આંકડાઓમાં સામે આવી હતી. ભારતીયોના સ્વિસ બેન્કોમાં જમા નાણાંમાં વધારો સિક્યોરિટીઝ, બોન્ડ અને આવા જ અન્ય ઈન્સ્ટ્રુુમેન્ટમાં વધારો થવાથી થયો છે. સાથે જ કસ્ટમર ડિપોઝિટ પણ વધી છે.
આ ઉપરાંત ભારતીય ગ્રાહકોના સેવિંગ્સ કે ડિપોઝિટ ખાતામાં જમા રકમ બે વર્ષના ઘટાડાના ટ્રેન્ડથી વિપરીત લગભગ 4800 કરોડ રૂપિયા વધી છે અને તે સાત વર્ષના સૌથી સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઇ છે. સ્વિટ્ઝર્લેન્ડની કેન્દ્રીય બેન્ક દ્વારા ગુરુવારે જારી વાર્ષિક આંકડામાં આ માહિતી સામે આવી હતી.
સ્વિસ નેશનલ બેન્ક (એસએનબી) અનુસાર 2021ના અંતે ભારતીય ગ્રાહકો મામલે સ્વિસ બેન્કોનું કુલ દેવું 383.19 કરોડ સ્વિસ ફ્રેન્ક છે. તેમાં 60.2 કરોડ સ્વિસ ફ્રેન્ક કસ્ટમર ડિપોઝીટ તરીકે છે. તે ડિસેમ્બર 2020ના અંતે આ આંકડો 50.4 સ્વિસ ફ્રેન્ક હતો. જ્યારે 122.5 કરોડ સ્વિસ ફ્રેન્ક અન્ય બેન્કોના માધ્યમથી રખાયા છે.
2020ના અંતે આ આંકડો 38.3 કરોડ સ્વિસ ફ્રેન્ક હતો. ટ્રસ્ટના માધ્યમથી 30 લાખ સ્વિસ ફ્રેન્ક રખાયા છે. 2020ના અંતે આ આંકડો 20 લાખ સ્વિસ ફ્રેન્ક હતો. આ રીતે સર્વાધિક 200.2 કરોડ સ્વિસ ફ્રેન્ક બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય રોકાણ વિકલ્પો તરીકે સ્વિસ બેન્કોમાં રખાયા છે. 2020ના અંતે તેનો આંકડો 166.5 કરોડ સ્વિસ ફ્રેન્ક હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.