વિશ્વભરના બેંકોમાં ચાલી રહેલા સંકટને જોતા ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોટું નિવેદન આપ્યું હતું. દાસે ભારતીય બેન્કિંગ સેક્ટરને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તેઓ પોતાની બેલેન્સશીટના સંતુલન પર ધ્યાન આપે, જેથી એસેટ-લાયબિલિટીનું સંતુલન ના બગડે.
એક જાહેર સમારોહમાં RBI ગવર્નરે જણાવ્યું હતું કે, બેલેન્સશીટના સંતુલનના કારણે જ અમેરિકાના બેન્કિંગ સેક્ટરમાં સંકટ આવ્યું છે. આપને જણાવી દઈએ કે, અમેરિકામાં બેન્કિંગ સેક્ટર ક્રાઇસિસ અટકવાનું નામ નથી લઈ રહ્યું. સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેંક પછી હવે ફર્સ્ટ રિપબ્લિક બેંક પર પણ તાળા લાગવાના એંધાણ છે. જોકે, ફર્સ્ટ રિપબ્લિક બેંકને ડૂબતી બચાવવા માટે અમેરિકાની 11 બેંકો આગળ આવી છે.
પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી ઇકોકોનોમી માટે મોટું જોખમ
RBI ગવર્નર શક્તિકાંત દાસા પ્રાઇવેટ ડિજિટલ કરન્સીના કટ્ટર ટીકાકાર રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાના બેન્કિંગ સેક્ટરમાં આવેલું સંકટ દર્શાવે છે કે, પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી અર્થતંત્ર માટે કેટલું મોટું જોખમ પેદા કરી શકે છે.
મોંઘવારીનો સૌથી ખરાબ સમયગાળો જતો રહ્યો
RBI ગવર્નરે જણાવ્યું હતું કે, ઘરેલુ ફાઇનેન્શિયલ સેક્ટર સ્થિર છે અને મોંઘવારીનો સૌથી ખરાબ સમય વીતી ચૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે બીવાની જરૂર નથી કારણ કે, બહારથી લીધેલુ દેવું મેનેજેબલ છે અને આ કારણે ડોલરમાં આવેલી મજબૂતીથી આપણને કોઈ ખતરો નથી.
ડોલરમાં આવેલી મજબૂતીથી પ્રભાવિત દેશોની મદદ કરો
RBI ગવર્નર દાસનું ધ્યાન ભારતની G20 અધ્યક્ષતા પર કેન્દ્રિય રહ્યું. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વની આ 20 મોટી અર્થવ્યવસ્થાએ સાથે મળી એ દેશોની મદદ કરવી જોઈએ, જેમના પર US ડોલરમાં આવેલી મજબૂતીની ખરાબ અસર પડી છે. તેમણે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ ફાઇનેન્સિંગ માટે પણ આપણે સાથે આવી, સૌથી વધુ પ્રભાવિત દેશોની યુદ્ધસ્તરે મદદ કરવી જોઈએ.
અમેરિકાની બેન્કિંગ ક્રાઇસિસનું ભારતીય બેંકો પર કોઈ અસર નથી
અમેરિકાની બે મોટી બેંકોની નાદારીથી ભારતીય બેંકો પર તેની અસર નહીં થાય. અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ કંપની જેફરીઝ અને ફાઇનેન્શિયલ સર્વિસિસ ફર્મ મેક્વેરીએ આવો વિશ્વાસ્ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, સ્થાનિક ડિપોઝિટ પર નિર્ભરતા, સરકારી બોન્ડમાં રોકાણ અને પૂરતી રોકડના કારણે ભારતીય બેંક મજબૂત સ્થિતિમાં છે.
કેટલાક મહિનાઓથી ભારતીય બેંક વિદેશી બેંકોની સરખામણીમાં સારું પ્રદર્શન કરી રહી છે. જેફરીઝ મુજબ, મોટાભાગની ભારતીય બેંકોએ 22-28% જ સિક્યોરિટીઝમાં રોકાણ કર્યું છે. બેંકોના સિક્યોરિટિઝ રોકાણમાં 80% ભાગીદારી સરકારી બોન્ડની છે. મોટાભાગની બેંક 72-78% મેચ્યોરિટી સુધી રાખે છે. તેનો અર્થ એ છે કે, ભાવમાં ઘટાડાની અસર તેના આ રોકાણ પર નહીં થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.