• Gujarati News
  • Business
  • India To Release 50 Lakh Barrels Of Oil From Its Emergency Reserves, Fuel Prices Could Fall By Rs 3 Per Liter

પેટ્રોલ-ડીઝલ સસ્તા કરવાની યોજના:ભારત તેના ઈમર્જન્સી રિઝર્વમાંથી 50 લાખ બેરલ ઓઈલ રિલીઝ કરશે, ઈંધણના ભાવ લીટર દીઠ રૂપિયા 3 સુધી ઘટી શકે છે

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • ભારત પાસે ઈસ્ટ અને વેસ્ટ કોસ્ટના ત્રણ સ્થળો પર આશરે 3.8 કરોડ બેરલ ક્રુડ ઓઈલનો સ્ટોક છે

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની વધી રહેલી કિંમતોનો સામનો કરવા માટે ભારત તેના વ્યૂહાત્મક ઓઈલ રિઝર્વમાંથી 50 લાખ બેરલ રિલીઝ કરશે.આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. ક્રુડ ઓઈલના ઈમર્જન્સી સ્ટોકને રિલીઝ કરવાની યોજના અમેરિકાએ ભારત, જાપાન, સહિત કેટલાક મોટા અર્થતંત્ર ધરાવતા દેશો સાથે મળી તૈયાર કરી છે. આ પગલાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોના મંત્રાલય તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લિક્વિડ હાઈડ્રોકાર્બન્સની કિંમત વ્યાજબી અને બજાર પરિબળોના આધારે નક્કી કરવામાં આવવા જોઈએ. ઓઈલ ઉત્પાદક દેશો જાણી-જોઈને તેમના પુરવઠા કે ઉત્પાદનને માગની તુલનામાં ઓછા પ્રમાણમાં રાખે છે. આ અંગે ભારતે અનેક વખત ચિંતા વ્યક્ત કરી છે. ઓઈલ ઉત્પાદ દેશો તરફથી ઓછા પુરવઠાને લીધે આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.

કેડિયા કોમોડિટીના ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે જો ક્રુડ ઓઈલની ઘટતી કિંમતોનો ફાયદો પેટ્રોલિયમ કંપની સામાન્ય નાગરિકોને આપશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર રૂપિયા 2થી 3 જેટલો ઘટાડો થઈ શકે છે. જો આગામી દિવસોમાં ડોલરની તુલનામાં રૂપિયો નબળો પડશે તો કિંમતોમાં ઘટાડો થવો મુશ્કેલ બનશે. ક્રુડ ઓઈલ અત્યારે પ્રતિ બેરલ 80 ડોલર આસપાસ છે.

ક્રૂડની કિંમત 70 ડોલર સુધી લાવવાનો પ્રયત્ન
એનર્જી બાબતના નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ કહ્યું કે બજારમાં ક્રુડનો સપ્લાઈ વધારવા માટે વ્યૂહાત્મક ઓઈલ રિઝર્વમાંથી ક્રુડનો જથ્થો રિલીઝ કરવામાં આવી શકે છે. અમેરિકા, ભારત, દક્ષિણ કોરિયા અને જાપાનનો પ્રયત્ન છે કે કિંમત 70 ડોલર પ્રતિ બેરલ આવી જાય. ચીન પણ વ્યૂહાત્મક રિઝર્વમાંથી ઓઈલ રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો ક્રૂડની કિંમત 70 ડોલર આવી જાય છે તો સ્પષ્ટ રીતે ભારતીય ગ્રાહકોને પણ પેટ્રોલ-ડીઝલ તથા LPGની ઓછી કિંમતને પગલે આ ફાયદો મળશે.

MRPL અને HPCLને વેચવામાં આવશે ઓઈલ
ભારત પાસે ઈસ્ટ અને વેસ્ટ કોસ્ટના ત્રણ સ્થળો પર આશરે 3.8 કરોડ બેરલ ક્રુડ ઓઈલનો સ્ટોક છે. આ પૈકી 50 લાખ બેરલ 7થી 10 દિવસમાં રિલીઝ કરવામાં આવશે. સ્ટોરને મેંગ્લોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL)અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (HPCL)ને વેચાણ કરાશે. આ બન્ને રિફાઈનરી પાઈપલાઈન મારફતે વ્યૂહાત્મક રિઝર્વ સાથે જોડી છે. અધિકારીનું કહેવું છે કે બાદમાં અન્ય વધારે સ્ટોક પણ રિલીઝ કરવામાં આવી શકે છે.

OPEC+એ બાઈડનની વાત સ્વીકારી નહીં
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટીંગ કન્ટ્રીઝ પ્લસ (OPEC+)ને ક્રુડનો સપ્લાઈ વધારવા માટે કહ્યું હતું. તેમણે તાજેતરમાં કોરોના મહામારીની અસર ઓછી થયા બાદ વધેલી માગને ટાંકી હતી. OPEC+એ બાઈડનની વાતને નજર અંદાજ કરી છે. ત્યારબાદ બાઈડન વહિવટી તંત્રએ અન્ય દેશો સાથે મળી વ્યૂહાત્મક ઓઈલ રિઝર્વમાંથી ઓઈલ રિલીઝ કરવાની યોજના તૈયાર કરી છે. આ રીતે દેશો સાથે મળી ઓઈલ રિલીઝ કરવાનો આ નિર્ણય ઈતિહાસમાં પ્રથમ વખત હશે.

OPEC અને OPEC+ દેશ
OPEC દેશ ઉપરાંત જે દેશ ઓઈલની નિકાસ કરે છે તેમને OPEC+ દેશ કહેવામાં આવે છે. OPEC+માં રશિયા, ઓમાન, મેક્સિકો, મલેશિયા સહિત 10 દેશનો સમાવેશ થાય છે. જ્યારે OPECમાં ઈરાન, ઈરાક, UAE અને સાઉદી સહિત 13 દેશ છે.