ગ્રોથ:2032 સુધીમાં ભારત છઠ્ઠું સૌથી મોટું ઇન્શ્યોરન્સ માર્કેટ બનશે, પ્રીમિયમ પણ 14 ટકાના દરે વધશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં પહેલી વખત લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 100 અબજ ડોલરને આંબશે

દેશમાં નિયમનકારી સુધારા તેમજ આર્થિક ગતિવિધિમાં વિસ્તરણને પગલે આગામી 10 વર્ષમાં ભારત વિશ્વમાં છઠ્ઠું સૌથી વિશાળ ઇન્શ્યોરન્સ માર્કેટ બની રહેશે. સ્વિસ રી ઇન્સ્ટિટ્યૂટ અનુસાર આગામી દાયકામાં કુલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વાર્ષિક સ્તરે 14 ટકાના દરે વધશે જે ભારતને વર્ષ 2032 સુધીમાં છઠ્ઠુ સૌથી વિશાળ ઇન્શ્યોરન્સ માર્કેટ બનાવશે.

વર્ષ 2022માં ભારતની લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી પણ 6.6 ટકાના દરે વૃદ્વિ પામશે જ્યારે વર્ષ 2023 સુધીમાં 7.1 ટકાની આસપાસ રહેશે. વર્ષ 2022માં પહેલી વાર લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 100 અબજ ડોલરને આંબશે. નોન લાઇફ ઇન્શ્યોરન્સ વર્ષ 2021માં 5.8%ના દરે વૃદ્વિ પામ્યું હતું અને તેમાં 2020માં થોડોક ઘટાડો જોવા મળ્યો હતો.

ઉચ્ચ ફુગાવાને કારણે વર્ષ 2022માં ગ્રોથ થોડાક અંશે ઘટીને 4.5 ટકાની આસપાસ રહેશે. જો કે, ઇન્શ્યોરન્સ સેક્ટર વર્ષ 2023 થી 2032 વચ્ચે 8 ટકાના CAGR દરે વિસ્તરણ પામશે તેવી સંભાવના છે. સેક્ટોરલ ગ્રોથમાં ખાસ કરીને ભારતના નોન-લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં બદલાવ મહત્વનું પરિબળ રહ્યું છે.

કોરોના મહામારી દરમિયાન જોવા મળેલી અનિશ્વિતતાઓને પગલે ખાસ કરીને આરોગ્ય વીમા અંગે લોકોમાં વધુ જાગૃતિ આવવાને કારણે પણ વધુને વધુ લોકો આરોગ્ય વીમો લેવા તરફ વળ્યા હતા જેને કારણે પણ પ્રીમિયમ કલેક્શનમાં વધારો જોવા મળ્યો હતો.

વૈશ્વિક અર્થતંત્ર ફુગાવાની મંદીની આરે છે, જેમાં પોલિસી નિર્માતાઓ વધુને વધુ ઇન્ફ્લેશન ગ્રોથ ટ્રેડ ઓફનો સામનો કરી રહ્યાં છે. ભારત વર્ષ 2022માં સૌથી ઝડપી ગતિએ વિકસતા અર્થતંત્રની ઉપલબ્ધિ મેળવશે તેવો આશાવાદ સ્વિસ રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ફુગાવો તેમજ સખત નીતિગત પગલાંને કારણે લાંબા ગાળા માટે સોવરેન બોન્ડ યીલ્ડ ઉપર જઇ રહી છે. લાંબા ગાળે ખાસ કરીને માર્કેટની આ સ્થિતિને કારણે વીમાદાતાઓને ઉચ્ચ રોકાણ વળતરને કારણે ફાયદો થશે અને તેને લીધી દાવાના ઉચ્ચ ખર્ચ પરના દબાણને ઓછુ કરવામાં પણ મદદ મળી રહેશે. વર્ષ 2022 સુધીમાં વૈશ્વિક પ્રીમિયમ 7 ટ્રિલિયન ડોલરને આંબે તેવી સ્વિસ રીએ અંદાજ વ્યક્ત કર્યો છે.

હેલ્થ કવરના અભાવને કારણે 60% લોકો સારવાર ટાળી રહ્યા છે
દેશમાં હેલ્થ કવરના અભાવને કારણે 60 ટકા લોકો બીમારી માટેની સારવાર લેવાનું ટાળી રહ્યાં છે જ્યારે 67 ટકા લોકો જે આરોગ્ય વીમો ધરાવે છે તેમની પાસે તેને લઇને પર્યાપ્ત જાણકારી નથી. પ્રિસ્ટીન કેર ડેટા લેબ્સ દ્વારા આ સરવે જાહેર કરવામાં આવ્યો હતો.

ઇન્શ્યોરન્સમાં હેલ્થમાં આયુર્વેદને સામેલ કરવા માંગ
સ્ટાર્ટઅપ ફર્મ દ્વારા કરાયેલા સરવે અનુસાર મોટા ભાગના લોકો આરોગ્ય વીમા કવર હેઠળ આયુર્વેદ, યુનાની, સિદ્વ, હોમિયોપેથી તેમજ નેચરોપેથી જેવા વૈકલ્પિક ટ્રીટમેન્ટને સામેલ કરવા માંગે છે. કોવિડ-19ને કારણે મેડિકલ ફુગાવાને ધ્યાનમાં રાખતા લોકો અત્યારે સર્જરી કરાવવાનું પણ ટાળી રહ્યાં છે. કેટલીક સર્જરીઓ જોખમી નથી પરંતુ તેમાં વિલંબથી જીવનની ગુણવત્તાને અસર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...