વર્ષ 2022 દરમિયાન ભારતીય અર્થતંત્ર કોવિડને કારણે સર્જાયેલી મંદીમાંથી બહાર આવ્યું છે અને આગામી ક્વાર્ટર દરમિયાન તેમાં વધુ સુધારાના અણસાર જોવા મળી રહ્યાં છે. જો કે, આ દરમિયાન ભૌગોલિક રાજકીય તણાવ, ડોલરની મજબૂતિ તેમજ ઉચ્ચ ફુગાવાથી કેટલાક જોખમો યથાવત્ રહેશે. ગ્રોથ ટ્રેન્ડમાં સકારાત્મક વલણ તેમજ ફંડામેન્ટલ્સમાં સુધારાને કારણે દેશને વૈશ્વિક પડકારોમાંથી કેટલાક અંશે રાહત મળી રહેશે જેની આગામી કેટલાક મહિના દરમિયાન દેશની નિકાસ પર અસર થવાની સંભાવના છે.
નવા વર્ષ દરમિયાન સરકાર અને RBI સામે ફુગાવાને અંકુશમાં રાખવાનો, US ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને નિયંત્રિત કરવું અને વૈશ્વિક સ્તરે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહે તે માટે ખાનગી રોકાણ અને ગ્રોથને પ્રોત્સાહિત કરવા જેવા પડકારો રહેશે. ભારતે એપ્રિલ-સપ્ટેમ્બર 2022-23 દરમિયાન પહેલા છ મહિનામાં 9.7 ટકાનો વૃદ્વિદર નોંધાવ્યો હતો. જ્યારે ઇન્ડોનેશિયાએ 5.6%, UKએ 3.4%, મેક્સિકોએ 3.3%, યુરો ઝોનમાં 3.2%, ફ્રાન્સે 2.5%, ચીને 2.2%, USએ 1.8% અને જાપાને 1.7% વૃદ્વિદર નોંધાવ્યો હતો.
નીતિ આયોગના પૂર્વ વાઇસ ચેરમેન અને અર્થશાસ્ત્રી અરવિંદ પાનગરિયાએ જણાવ્યું હતું કે “વૈશ્વિક પડકારો વચ્ચે હજુ પણ ભારતમાં પ્રતિકૂળ પરિસ્થિતિ જોવા મળશે તેમ છતાં ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ગ્રોથ રેટ 7 ટકાને આંબે તેવી અપેક્ષા છે. વર્ષ 2022 દરમિયાન અર્થતંત્રમાં સતત ઊંચો ફુગાવો મોટો પડકાર સાબિત થયો હતો. જ્યારે ફુગાવો પણ RBIના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ઉપર રહ્યો હતો. RBIએ ફુગાવાને અંકુશમાં રાખવાને લઇને નિષ્ફળતાનો રિપોર્ટ પણ સરકારને સોંપવો પડ્યો હતો.
વર્ષ 2022 દરમિયાન બીજી તરફ ડોલર સામે રૂપિયાનું પણ સતત અવમૂલ્યન પણ નીતિ નિર્માતાઓ માટે મોટો પડકાર સાબિત થયો હતો. જેને કારણે આયાત મોંઘી થઇ હતી જેને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. આગામી મહિના દરમિયાન પણ રૂપિયો દબાણ હેઠળ જોવા મળશે તેવી આશંકા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. મુખ્ય વેસ્ટર્ન માર્કેટમાં મંદી તેમજ રશિયા-યુક્રેન યુદ્વને કારણે ભૌગોલિક રાજકીય તણાવને કારણે વર્ષ 2023માં પણ નિકાસની દૃષ્ટિએ ચિત્ર ધૂંધળું રહેશે તેવી શક્યતા છે.
વૈશ્વિક સ્લોડાઉનથી પણ ભારતને જોખમ
વૈશ્વિક સ્લોડાઉન, આર્થિક અનિશ્વિતતાઓ અને પડકારોથી પણ ભારતને કેટલાક અંશે જોખમ રહેલું છે. તેમાં ખાસ કરીને ઉચ્ચ વ્યાજદરો તેમજ ફુગાવાને કારણે વધુ સખત નાણાકીય નીતિગત પગલાંઓને કારણે પણ ભારતને અસર થશે. તદુપરાંત મોંઘવારીને અંકુશમાં રાખવા માટે RBIએ રેપોરેટમાં સતત વધારો કર્યો હતો જેને કારણે પણ લોન વધુ મોંઘી થઇ હતી. જો કે કોવિડની લહેર બાદ ભારતના પ્રોપર્ટી માર્કેટને સહારો મળ્યો હતો જેને કારણે ઉચ્ચ વ્યાજદરોનું જોખમ પણ ઘટ્યું હતું. જો કે વૈશ્વિક પડકારોને કારણે મુશ્કેલી જોવા મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.