વિક્રમ સંવત 2077 દરમિયાન બેન્ક એફડી, સરકારી બચત યોજનાઓ, સોના- ચાંદી, રિઆલ્ટી સહિતના રોકાણ સ્રોતને પાછળ રાખી ફરી એકવાર જોખમી થતાં સૌથી વધુ વળતર આપવામાં શેરબજારો શિરમોર સાબિત થયા છે. સતત ઘટી રહેલાં એફડી અને સરકારી બચત યોજનાઓના વ્યાજના દરો, રિઆલ્ટીમાં મંદીનો માહોલ, તેમજ માઇનિંગ કોસ્ટ કરતાં સહેજ ઊંચી પડતર આસપાસ રમી રહેલાં સોના- ચાંદીમાં સિંગલ ડિજિટ રિટર્ન પણ માંડ છૂટી રહ્યું છે તે સંજોગોમાં ઇક્વિટી અને ઇક્વિટી લિન્ક્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ જોખમી હોવા છતાં ફરી એકવાર જંગી રિટર્ન આપવામાં શિરમોર સાબિત થયાં છે.
માર્ચ-2020થી ખાસ્સા સમય માટે લોકડાઉન વચ્ચે ઇકોનોમિ ડાઉન, તમામ વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઠપ થઇ ગઇ હતી ત્યારે વર્ક ફ્રોમ હોમ કલ્ચરની સાથે સાથે ઓનલાઇન ઇક્વિટી ટ્રેડિંગ અને મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્વેસ્ટમેન્ટ જ રોકાણકારોની વ્હારે આવ્યા છે. જેના કારણે છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સે 37 ટકા, નિફ્ટીએ 39 ટકા વૃદ્ધિ નોંધાવવા સાથે બીએસઇ માર્કેટકેપ રૂ. 103.75 લાખ કરોડ વધી રૂ. 263.07 લાખ કરોડે આંબી રહ્યું છે. 11 સેક્ટોરલ્સમાં સેન્સેક્સ કરતાં પણ વધુ વૃદ્ધિ નોંધાઇ છે. વિ.સ. 2077 દરમિયાન રિઆલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 128 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. ત્યારપછીના ક્રમે મેટલ ઇન્ડેક્સમાં 116 ટકાનો સુધારો રહ્યો હતો. 50 ટકાથી વધુ વૃદ્ધિ ધરાવનારા ઇન્ડાઇસિસમાં પાવર, કેપિટલ ગુડ્સ, પીએસયુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઇટી- ટેકનોલોજી ઇન્ડેક્સ રહ્યાં હતા.
જ્યારે 25થી 50 ટકા વચ્ચે વૃદ્ધિ નોંધાવનારા સેક્ટોરલ્સ પૈકી ટેલિકોમ, ઓઇલ, ફાઇનાન્સ, બેન્કેક્સ, ઓટો, એનર્જી અને હેલ્થકેર રહ્યાં હતા. જ્યારે 21 ટકાના સૌથી નીચી વૃદ્ધિ સાથે એફએમસીજી ઇન્ડેક્સ રહ્યા હતા.
ઇક્વિટી સાથે પ્રાઈમરી માર્કેટે પણ રંગ રાખ્યો!!
વિક્રમ સંવત 2077 દરમિયાન 45 આઇપીઓ રૂ. 74982 કરોડ એકત્ર કરવા સાથે લિસ્ટેડ થયા હતા. તે સંદર્ભમાં આઇપીઓ ઇન્ડેક્સે 90 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. મોટાભાગના આઇપીઓમાં બમ્પર લિસ્ટિંગના કારણે રોકાણકારો માટે મૂડીરોકાણનો વધુ એક સ્રોત પણ એક્ટિવ થયો હોવાનું નિષ્ણાતો જણાવે છે.
2078માં નિફ્ટી 20500-28000 સુધી પહોંચે તેવી સંભાવના
ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના સીએમડી દિનેશ ઠક્કરે જણાવ્યું હતું કે, નિફ્ટીમાં બ્રોડ સ્ટ્રક્ચર પોઝીટીવ છે. જ્યાં સુધી તે 16070ના સ્તર નીચે બંધ આવે નહિ ત્યાં સુધી મોમેન્ટમ પોઝીટીવ જળવાઈ શકે છે. માસિક આરએસઆઈએ ઓગસ્ટ 2021ની શરૂઆતી સ્વિંગ હાઈને પસાર કરી છે. કોવિડનું રિસ્ક સંપૂર્ણપણે સિસ્ટમમાંથી દૂર થયું નથી. આગામી 12 મહિનાઓને ધ્યાનમાં રાખતાં અમને કન્ઝમ્પ્શન, હેલ્થકેર, ગ્રામીણ અને કૃષિ ક્ષેત્ર પર આધારિત બિઝનેસિસ, ડિજિટલ અને ટેલિકોમ તથા પસંદગીના ફાઈનાન્સિયલ્સ સારા જણાય છે. સંવત 2078માં નિફ્ટી 20500-28000ના ઝોન તરફ ગતિ કરે તેવી અપેક્ષા અમે રાખીએ છીએ. જે દરમિયાન ઘણી ખરીદીની તકો આવતી રહેશે.
2078માં પણ 12-15 ટકા વૃદ્ધિનો આશાવાદ
વિ.સ. 2078માં બેન્કિંગ- ફાઇનાન્સ, આઇટી- ટેકનોલોજી, ઓઇલ- એનર્જી, ઓટો- ઇલે. વ્હિકલ સેક્ટર્સની જોડીઓ રંગ જમાવશે તેવો આશાવાદ વિવિધ સેકટર્સના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે સેન્સેક્સ- નિફ્ટીમાં વર્ષ દરમિયાન કરેક્શનની સ્થિતિ વચ્ચે પણ 12-15 ટકા આસપાસ વૃદ્ધિની શક્યતા જોવાઇ રહી છે.
રિઆલ્ટી અને મેટલ્સમાં મજબૂત રિટર્ન
ઇન્ડેક્સ | 14-11-20 | 4-11-21 | સુધારો | ટકા |
સેન્સેક્સ | 43638 | 59772 | 16134 | 37 |
Mcap* | 159.32 | 263.07 | 103.75 | 65.25 |
નિફ્ટી | 12770 | 17829 | 5059 | 39.5 |
આઇપીઓ | 6840 | 12927 | 6087 | 90 |
લાર્જકેપ | 4885 | 6858 | 1973 | 40 |
મિડકેપ | 15975 | 25803 | 9828 | 61 |
સ્મોલકેપ | 15770 | 28512 | 12742 | 81 |
રિઆલ્ટી | 1924 | 4352 | 2428 | 128 |
મેટલ | 9462 | 20462 | 11000 | 116 |
પાવર | 1878 | 3426 | 1548 | 81 |
કેપિ. ગુડ્સ | 15945 | 27828 | 11833 | 75 |
પીએસયુ | 5102 | 8832 | 3730 | 73 |
કન્ઝ્યુ ડ્યુરે. | 25658 | 44011 | 18353 | 72 |
આઇટી | 21743 | 34242 | 12499 | 58 |
ટેકનોલોજી | 10042 | 15292 | 5250 | 52 |
ટેલિકોમ | 1157 | 1747 | 590 | 49 |
ઓઇલ | 13148 | 18275 | 5127 | 39 |
ફાઇનાન્સ | 6397 | 8829 | 2432 | 38 |
બેન્કેક્સ | 32846 | 44937 | 12091 | 37 |
ઓટો | 18855 | 25542 | 6687 | 36 |
એનર્જી | 5961 | 7657 | 1696 | 28 |
હેલ્થકેર | 19939 | 25178 | 5239 | 26 |
એફએમસીજી | 11568 | 14050 | 2482 | 21 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.