ભાસ્કર ખાસ:કોરોના મહામારીમાં ખાનગી-સરકારી બંને પ્રકારની વીમા કંપનીઓએ દર્દીઓને ભારે ઠેસ પહોંચાડી

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાગના મેડિક્લેમ ફગાવી દેવામાં આવ્યા, રકમમાં પણ ઘટાડો

કટકનો બિપ્લવ સ્વાઈન છેલ્લા નવ વર્ષથી સ્ટાર હેલ્થની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી માટે રૂ. 27,000નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવતા હતાં. મેમાં કોરોનાથી તેમનું અવસાન થયું. પરિવારે રૂ. 24,000નો દાવો કર્યો હતો. પરંતુ કંપની માત્ર રૂ. 12 હજાર આપવા તૈયાર થઈ છે. એ જ રીતે, દિલ્હીના અબ્બાસ ખાન (નામ બદલ્યું છે) યુનાઇટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની પાસેથી રૂ. 5 લાખનુ કોરોના કવચ લીધુ હતું.

તેમનું સારવારનું બિલ રૂ. 9 લાખ આવ્યુ હતું. પરંતુ જ્યારે તેમણે દાવો કર્યો ત્યારે કંપનીએ તેમને ફક્ત રૂ. 1.60 લાખ જ ચૂકવ્યા. અબ્બાસ હવે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉદાહરણો દર્શાવે છે કે દેશમાં કોવિડની બીજી લહેર પીક પર હતી ત્યારે વીમા કંપનીઓએ એપ્રિલ અને મે મહિનામાં તેમના ગ્રાહકો સાથે કેવું વર્તન કર્યું છે. આને કારણે માત્ર દિલ્હીમાં જ 100થી 200 કેસો કોર્ટમાં નોંધાયા છે. ગ્રાહકોના હકો માટે કામ કરતી સંસ્થા કન્ઝ્યુમર વોઈસના વીમા બાબતોના નિષ્ણાત સુભાષ તિવારીએ જણાવ્યુ હતુ કે, વીમા કંપનીઓ શક્ય તેટલા ક્લેમની અરજી ફગાવવા પ્રયાસ કરે છે. જેઓ આગળ લડવાની હિંમત બતાવે છે તેમને કંપનીઓ ક્લેમ મંજૂર કરી આપે છે. પરંતુ આવી હિંમત દાખવનારાનો આંકડો ફક્ત 10 ટકા જ છે.

બિપ્લવ સ્વાઇનની બહેન બિરાજ સ્વાઈને કહ્યુ હતુ કે, ‘કેશલેસ નીતિ હોવા છતાં, સ્ટાર હેલ્થની નેટવર્ક હોસ્પિટલે પહેલા મારા ભાઈ પાસેથી રોકડ લીધી અને પછી તેને એડમીટ કર્યો હતો. ફરિયાદ કરી હોવા છતાં, કંપનીએ હોસ્પિટલમાં કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે કંપની ક્લેમમાં અડધી રકમ કપાત કરી રહી છે અને કઇ વસ્તુમાં કપાત થઈ રહી છે તેનો જવાબ પણ આપી રહી નથી.

સ્ટાર હેલ્થ અને એલાયડ ઈન્સ્યોરન્સ કંપનીના એમડી ડો. એસ.પ્રકાશે ભાસ્કરના પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે અમે નેટવર્ક હોસ્પિટલોને ગ્રાહકો પાસેથી ડિપોઝિટ વસૂલતાં અટકાવી છીએ. જો કોઈ ગ્રાહક માન્ય કેટેગરી કરતાં વધુ મોંઘા રૂમમાં રહેવા માંગે છે, તો હોસ્પિટલ નિશ્ચિતરૂપે વધારાની રકમ રોકડમાં લઈ શકે છે. કપાત અંગે માહિતી ન આપવાના આરોપના જવાબમાં ડો. પ્રકાશે જણાવ્યુ હતુ કે, અમે બિલ કોપીમાં કેટલીક ચીજોનો ઉલ્લેખ કરીએ છીએ, જે ઈન્સ્યોરન્સમાં સામેલ છે કે નહીં તે જાણવા જરૂરી છે.

વીમા કંપનીઓ વિરુદ્ધ ફરિયાદ કેવી રીતે કરવી
કન્ઝ્યુમર વોઈસના સીઓઓ અસીમ સન્યાલે જણાવ્યા અનુસાર, પહેલા આપણે વીમા કંપની સાથે વાત કરવી જોઈએ. જો તમે કંપનીના પ્રતિસાદથી સંતુષ્ટ નથી, તો તમે ઈરડાના ફરિયાદ પોર્ટલમાં ફરિયાદ કરી શકો છો. અહીં ફરિયાદ કરીને, કંપનીઓ જાતે જ સમાધાન માટે આગળ આવશે અથવા તો આ મામલો આપમેળે વીમા લોકપાલ પાસે જશે. જો તમે વીમા લોકપાલના નિર્ણયથી પણ અસંતુષ્ટ હોવ તો તમે ગ્રાહક મંચ પાસે જઈ શકો છો. જો તમે પણ વીમા, મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા બેંકોની નકારાત્મક વલણનો ભોગ બન્યા હોવ, તો તમે અમને Business.bhaskar@dbcorp.in પર માહિતી મોકલી શકો છો.

અન્ય સમાચારો પણ છે...