રશિયા-યુક્રેન યુદ્ધ પછી રશિયાથી ભારતમાં આયાત અનેક ગણી વધી ગઈ છે. જેમાં ક્રૂડતેલની આયાતનો મોટો હિસ્સો છે. રશિયન તેલની આયાતમાં તીવ્ર ઉછાળાને કારણે ભારતમાં રશિયન આયાતમાં 3.7 ગણો વધારો થયો છે. એપ્રિલ અને મે મહિનામાં આયાતમાં આ વૃદ્ધિ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન રશિયાની આયાત વધીને 5 અબજ ડોલર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન રશિયાથી આયાતનું મૂલ્ય સમગ્ર નાણાકીય વર્ષ 2021-22ના લગભગ અડધા જેટલું છે. ફેબ્રુઆરી પછી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી આયાત સાડા ત્રણ ગણાથી વધીને 8.6 અબજ ડોલર થઈ ગઈ છે. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આયાત 2.5 અબજ ડોલર હતી.
ખાતર-ખાદ્યતેલની આયાતમાં પણ જંગી વધારો
કોર્મસ મંત્રાલય પાસે ઉપલબ્ધ અલગ-અલગ અહેવાલ અનુસાર પેટ્રોલિયમ સિવાય આયાતમાં અન્ય કેટલીક પ્રોડક્ટ કેટેગરીમાં પણ ઝડપથી વધારો થયો છે. ખાતર અને ખાદ્યતેલની આયાતમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. આ જ સમયે કુકિંગ કોલ અને સ્ટીમ કોલની આયાતમાં વધારો થયો છે. આ સિવાય કેટલાક એવા ક્ષેત્રો છે જેમ કે ખૂબ જ કિંમતી અને કિંમતી પથ્થરો તેમજ મોટા પાયે હીરા કે જેની આયાત ઘટી છે. આગામી સમયગાળામાં પણ આયાતમાં વધુ વધારો થાય તેવા સંકેતો છે.
વેપાર ખાધમાં જંગી વધારો
આયાત વધવાને કારણે નિકાસ થોડી સંકોચાઈ છે. જેના પરિણામે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ બે મહિનામાં વેપાર ખાધમાં ઝડપી વધારો થઇ 4.8 અબજ ડોલર નોંધાઇ છે. જ્યારે ગયા વર્ષે આ સમાન સમયગાળામાં 900 મિલિયન ડોલર હતી.
આં.રા. દબાણ છતાં રશિયામાંથી આયાત વધી
અહેવાલમાં દર્શાવાયું છે કે માર્ચ મહિનાથી સરકારે આંતરરાષ્ટ્રીય દબાણ છતાં રશિયા પાસેથી ઘણી આયાત કરી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી ભારતને રશિયન કંપનીઓ સાથે વધુ સારા કરાર કરવામાં મદદ મળી છે.
ખનિજ ઇંધણની આયાત છ ગણી વધી
એપ્રિલ અને મે 2022 વચ્ચે ખનિજ ઇંધણની આયાત છ ગણી વધીને 4.2 અબજ ડોલર થયાનો અંદાજ છે. આ સેગમેન્ટમાં ક્રૂડ પેટ્રોલિયમ શિપમેન્ટનું મૂલ્ય સરેરાશ 3.2 અબજ ડોલર હતું. જ્યારે એપ્રિલ અને મે 2021 દરમિયાન કોઈ આયાત થઈ નથી. આ માહિતી સત્તાવાર આંકડાઓ પરથી મળી છે. ફેબ્રુઆરીમાં ઘટાડાને બાદ કરતાં ત્યારથી રશિયામાંથી ખનિજ તેલની આયાત વધી છે. આ આયાતનું મૂલ્ય 5.3 અબજ ડોલર અંદાજવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.