તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પેટ્રોલના ભાવ અત્યારે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે અને જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. જે રીતે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તેના કારણે હવે પંપ માલિકો પણ ચિંતામાં મુકાયા છે. જોકે તેમની ચિંતાનું કારણ કઈક જુદું છે. ગુજરાતમાં હાલમાં પંપ પર ભાવ દર્શાવવા માટે જે ડિજિટલ યુનિટ સિસ્ટમ છે તેમાં રૂ. 99.99 સુધીના આંકડામાં જ ભાવ દેખાડી શકાય છે. હાલના સંજોગોએ ભાવ ટૂંક સમયમાં રૂ. 100 પ્રતિ લિટર થઈ જશે તેવું બધા માની રહ્યા છે અને જો આમ થશે તો વર્તમાન સિસ્ટમના કારણે પંપ મશીન ત્રણ આંકડાનો ભાવ બતાવી શકશે નહીં.
શું છે અત્યારની ડિજિટલ ડિસ્પ્લે સિસ્ટમ?
અત્યારે મોટાભાગના પંપમાં 4 ડિજિટ આંકડામાં જ ભાવ દેખાય છે એટલે કે પોઈન્ટ પહેલા બે અને પોઈન્ટ પછી બે આંકડા દેખાય છે. આ રીતે જો ભાવ રૂ. 100 થાય તો પણ ભાવ માત્ર રૂ. 99.99 જ દેખાશે કેમ કે પોઈન્ટ પહેલા ત્રણ આંકડા બતાવી શકાય તેવી સિસ્ટમ જ નથી. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે આગળના આંકડા ત્રણ ડિજિટમાં બતાવવા માટે ટેક્નિકલ ફેરફાર કરવા જરૂરી છે.
પેટ્રોલિયમ કંપનીઓને રજૂઆત કરવામાં આવી
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને ઇંડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ સહિતની પેટ્રોલિયમ કંપનીઓને લેખિત રજૂઆત કરી અને વર્તમાન 4 ડિજિટ યુનિટ સિસ્ટમને બદલી અને 5 ડિજિટ કરવા કહ્યું છે. પેટ્રોલિયમ ડીલર્સનું માનવું છે કે, જો સિસ્ટમમાં ફેરફાર કરવામાં ન આવે તો જ્યારે ભાવ ત્રણ આંકડા પર પહોંચે ત્યારે વેચાણમાં મુશ્કેલી ઊભી થશે.
ગુજરાતમાં 1000થી વધુ પંપમાં મુશ્કેલી થઈ શકે છે
એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, ગુજરાતમાં સરકારી અને ખાનગી પેટ્રોલિયમ કંપનીઓના મળીને 5000થી વધુ પંપ આવેલા છે. હાલની સ્થિતીએ સરકારી પંપમાં આશરે 1000 જેવા પંપ એવા છે જેમાં ભાવ ડિસ્પ્લેને લઈને આ પ્રશ્ન ઊભો થઈ શકે છે. અમે લેખિત રજૂઆત કરી છે અને આશા છે કે ટૂંક સમયમાં પેટ્રોલિયમ કંપનીઓ ટેક્નિકલ અપગ્રેડેશન કરી દેશે.
પ્રાઇવેટ કંપનીઓના પંપ બે વર્ષ પહેલા જ અપગ્રેડ થઈ ગયા
રિલાયન્સ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ સુનિલ ગોળવાળાએ જણાવ્યું કે, પેટ્રોલના ભાવ ત્રણ ડિજિટમાં થાય તો અમારા પંપમાં ડિસ્પ્લેનો કોઈ વાંધો આવશે નહીં. રિલાયન્સ જેવી પ્રાઇવેટ પેટ્રોલિયમ કંપનીઓના પંપ બે વર્ષ પહેલા જ અપગ્રેડ કરવામાં આવ્યા હતા એટલે અમારા માટે આ પ્રશ્ન ઊભો થશે નહીં.
રોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
15 જૂન 2017થી દેશમાં પેટ્રોલ, ડીઝલની કિંમત રોજિંદા આધારે બદલાવવાની શરૂ થઈ ગઈ છે. આ પહેલાં એમાં દર ત્રિમાસિકે ફેરફાર થતો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. રોજનો રેટ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.(IOCL)ના કસ્ટમર RSPની સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર, BPCL ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર અને HPCL કસ્ટમર HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડની કિંમત સાથે જોડાયેલી
ઉલ્લેખનીય છે કે ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડની કિંમત સાથે જોડાયેલી છે. એનો મતલબ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત ઘટી રહી છે, તો રિટેલ કિંમત ઘટવી જોઈએ. જોકે ઈન્ટરનેશનલ ક્રૂડ ઓઈલની કિંમતોમાં 13 ટકા ઘટાડો છતાં ભારતમાં મોંઘા ભાવે પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.