ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ગુજરાતમાં બીજેપીને પ્રચંડ બહુમત મળતા શેરમાર્કેટમાં સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ હોવા છતાં ક્રૂડઓઇલ ઝડપી ઘટી 77 ડોલર થતા અને સ્થાનિક રોકાણકારોની આક્રમક ખરીદીના સપોર્ટથી સેન્સેક્સમાં ચાર દિવસીય ઘટાડો અટક્યો છે. સેન્સેક્સ 160 પોઇન્ટ વધીને 62570.68 બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 48.85 પોઈન્ટ વધીને 18609.35 બંધ રહ્યો છે.
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં નજીવી રિકવરી થઇ 82.44 બંધ રહ્યો હતો જ્યારે રોકાણકારોની મૂડી વધી 289.71 લાખ કરોડ પહોંચી છે. માર્કેટ નિષ્ણાતો બજારનો ટ્રેન્ડ મજબૂત દર્શાવી રહ્યાં છે. સપ્તાહમાં રજૂ થનારા અમેરિકામાં બેરોજગારી ડેટા અને ફુગાવો કેવો રહે છે તેના પર બજારની નજર રહેલી છે. ફુગાવાના આધારે ફેડ વ્યાજદરમાં ફેરફાર કરશે.
વિક્રમી ઉંચી સપાટીને સ્પર્શ્યા પછી સ્થાનિક બજારમાં નોંધપાત્ર અસ્થિરતાનો અનુભવ થયો છે. કારણ કે આર્થિક મંદીના ડર અને ફેડ રેટમાં વધારાની ચિંતાને કારણે વૈશ્વિક બજારો ગબડ્યા હતા. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામ રૂપિયામાં મજબૂત રિકવરી જોવા મળે અને ક્રૂડઓઇલ ઘટી 73 ડોલર સુધી પહોંચે તો બજારને ઝડપી વેગ મળે તેમ છે.
સેન્સેક્સ પેકમાં એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, એલએન્ડટી, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, એસબીઆઇ, બજાજ ફિનસર્વ વધીને બંધ રહ્યાં હતા. જ્યારે યુએસએફડીએ દ્વારા સનફાર્માના હાલોલ સુવિધાને આયાત ચેતવણી હેઠળ સૂચિબદ્ધ કર્યા પછી શેર્સમાં સૌથી વધુ 3.57 ટકાનો ઘટાડો થયો હતો આ ઉપરાંત પાવરગ્રીડ, TCS, નેસ્લે, વિપ્રો, કોટક બેંક પણ ઘટ્યાં હતા.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સ્થાનિક રોકાણકારોની ખરીદી
માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે સેન્ટીમેન્ટ સલામતી ભર્યું રહ્યું છે. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3619 પૈકી 1853 સ્ક્રીપ્સમાં સુધારો અને 1634 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ પેકમાં 13 સ્ક્રિપ્સ વધી હતી. FII દ્વારા 1131.67 કરોડની આક્રમક વેચવાલી સામે DII દ્વારા 772.29 કરોડની નેટ વેચવાલી નોંધાઇ હતી.
ધર્મજ ક્રોપ ગાર્ડના IPOનું મજબૂત લિસ્ટિંગ
અમદાવાદ સ્થિત એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડના આઈપીઓએ મજબૂત લિસ્ટિંગ કરાવ્યું છે. કંપનીએ રૂ. 237ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 12.24 ટકા પ્રિમિયમે 266 પર બીએસઈ ખાતે લિસ્ટિંગ કરાવ્યું હતું. NSE પર રૂ. 266.05ના ભાવે લિસ્ટ થયા હતા. અત્યારસુધીમાં બીએસઈ ખાતે ધર્મજ ક્રોપના શેર 278.90ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ અંતે 266.40 બંધ રહ્યો હતો. રૂ. 216-237ની પ્રાઇસ બેન્ડ રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.