દેશના ઇકોનોમિક ગ્રોથનું એન્જિન ગુજરાત રહ્યું છે અને રહેશે તેની પાછળનું મુખ્ય કારણ ગુજરાતીઓ વેપારને વેગ આપવામાં માને છે નહિં કે પોતાની કમાણી વધે તેમાં.. ગુજરાતનો ગ્રોથ એટલે તેના કરતાં પણ જૂની કંપનીઓનો ગ્રોથ જે આજે પણ અવિરત જળવાઇ રહ્યો છે. એટલું જ નહિં ચોથી પેઢી પર એક જ બિઝનેસ મોડલ પર સફળ સંચાલન કરી રહેલી કંપનીઓની સંખ્યા પણ નાની સૂની નથી.
ગુજરાતી સફળ બિઝનેસમેનનું રહસ્ય એ છે કે તેઓ સમય સાથે બદલાવ લાવી રહ્યાં છે. 20મી સદીમાં બિઝનેસ કરવા માટે કર્મચારીએ એક મહત્વની મૂડી છે અને આ મૂડીરોકાણમાંથી મહત્તમ ફાયદો મેળવવા માટે એચઆર ડિપાર્ટમેન્ટની ઉત્પતિ થઇ હતી. 1000થી વધુ કોર્પોરેટ કંપનીઓ તેમજ લધુ તથા મધ્યમ કદના એમએસએમઇ બિઝનેસમેનનો એક સર્વે સ્ટ્રેટેફિક્સ કન્સલ્ટિંગ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. જેઓ એચઆર કન્સલ્ટિંગ ક્ષેત્રે 18 વર્ષથી વધુ બહોળો અનુભવ ધરાવે છે.
આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય એચઆર ડિપાર્ટમેન્ટની ભૂમિકા વિશે બિઝનેસમેનોની વિચારસરણી જાણવાની તથા તે ડિપાર્ટમેન્ટના કામની સ્પષ્ટતા વિશેની જાણકારી કરવાનો હતો જેમાં મહત્વનું તારણ આવ્યું કે ગુજરાતની સફળ કોર્પોરેટ-મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કંપનીઓમાં 75 ટકા હિસ્સો HR ડિપાર્ટમેન્ટનો રહેલો છે. એટલું જ નહીં તેનાથી વિપરીત સફળ ભૂમિકા છતાં હજુ 93 ટકા બિઝનેસમેનને એચઆર ડિપાર્ટમેન્ટ વિશે હજુ ગેરસમજ છે જે સફળતાના શિખરો સર કરવામાં દૂર થવી અતિઆવશ્યક બની છે.
ગુજરાતનું અર્થતંત્ર અંદાજે 21 લાખ કરોડનું છે જેમાં 50 ટકાથી વધુ હિસ્સો ખમીરવંતા ગુજરાતી ઉદ્યોગકારો વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યા છે અને તેઓની સફળતામાં ચાર ચાંદ લાગ્યા હોય તો તેમાં એચઆરની ભૂમિકા અગ્રસ્થાને રહી છે. એચઆર ડિપાર્ટમેન્ટ વિશે અજ્ઞાનતા સહજ વાત છે કારણકે એચઆર ડિપાર્ટમેન્ટ એ છેલ્લા 20-25 વર્ષથી જ શરૂ થયેલો કન્સેપ્ટ છે જ્યારે 70 થી 75 ટકા મેન્યુફેક્ચરિંગ તથા કોર્પોરેટ સેક્ટરના બિઝનેસમેનોએ પોતાનો અભ્યાસ આ સમયગાળા પહેલા પૂર્ણ કરેલ છે. અચૂક પણે એવું માની શકાય કે એચઆર ડિપાર્ટમેન્ટની ભૂમિકા વિશે અજ્ઞાનતા કંપનીઓને ભારે પડી શકે છે તેવો નિર્દેશ ચિરાગ પટેલે વ્યક્ત કર્યો હતો.
એચઆર ડિપાર્ટમેન્ટની મહત્ત્વની ભૂમિકાઓ
શું HR ડિપાર્ટમેન્ટની વિચારસરણી અને ફોકસ કર્મચારીઓ પ્રત્યે વધુ- કંપની તરફ ઓછી હોય છે ? , ડિપાર્ટમેન્ટની સ્થાપનાનો હેતુ સાકાર નથી થઇ રહ્યો ?, કંપનીના ગ્રોથ કે અધોગતિ માટે એચઆર ડિપાર્ટમેન્ટ કેટલો જવાબદાર છે ? શું તમારી કંપનીના ડિપાર્ટમેન્ટને કંપનીના પ્રોફિટ તથા ટર્નઓવરની આંકડાકિય માહિતી આપવામાં આવે છે ?
કંપનીના પ્રોફિટ-ટર્ન ઓવરની માહિતી છે?
58 ટકા કંપનીઓના મત મુજબ તેમની કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટને કંપનીના પ્રોફિટ કે ટર્નઓવરની માહિતી મળતી જ નથી. 37 ટકા બિઝનેસમેન એવું અનુમાન કરે છે કે ડિપાર્ટમેન્ટની સ્થાપ્ના કરવાનો હેતુ સાકાર થઇ રહ્યો છે. સ્ટ્રેટેફિક્સ કન્સલ્ટિંગ દ્વારા કરાયેલ સર્વે મુજબ 81 ટકા બિઝનેસ મેનનું માનવું છે કે કંપનીની પ્રગતીમાં નફા-નુકસાનની સ્થિતીમાં સારા કપરા સમયમાં HR અમુક અંશો જવાબદાર છે.
શું એચઆર ડિપાર્ટમેન્ટનું વલણ કર્મચારીઓ તરફી વધુ અને કંપનીઓ તરફ ઓછું હોય છે?
71 ટકા બિઝનેસમેનના મત મુજબ એચઆર ડિપાર્ટમેન્ટ કર્મચારીઓના હિતની વાતો કરે છે અને તે બાબતમાં કંપની તરફનો ઝુકાવ ઓછો રહે છે જ્યારે, એચઆરની મહત્વની ભૂમિકા તો કર્મચારીઓ અને કંપની વચ્ચે સંતુલન જાળવવાની છે., 67 ટકા બિઝનેસમેનના મતે કર્મચારીઓની ભરતી કરવી એ એચઆરની પ્રાથમીક ભૂમિકા રહેલી છે.
માત્ર કંપની જ નહીં કર્મચારીઓ પણ કંપનીની પસંદગી કરતા થયા
છેલ્લા કેટલાક વર્ષોમાં કર્મચારીઓની કંપની પ્રત્યેની જરૂરીયાતોમાં ઘણા બદલાવ આવ્યા છે. નોકરીના બદલામાં પગાર ઉપરાંત મળતી સુવિધાઓ, કામ કરવામાં ઉત્સાહ વધે તેવું કાર્યસ્થળ તથા કંપનીમાં મળતા મનપસંદ રોલ એ કર્મચારીઓ પ્રત્યે મહત્વનું આકર્ષણ બનેલું છે. - ચિરાગ પટેલ, કો-ફાઉન્ડર, સ્ટ્રેટેફિક્સ કન્સલ્ટિંગ.
કંપનીઓ HRને ફ્રી હેન્ડ આપે તો ગ્રોથ વધુ વધી શકે
કંપનીઓ હજુ એચઆરને ધારણા મુજબની છુટછાટ આપતા નથી જેની અસર ઓવરઓલ કંપનીના પર્ફોમન્સ પર જોવા મળી રહી છે. જો કંપની એચઆર ડિપાર્ટમેન્ટને ફ્રી હેન્ડ આપવામાં આવે તો કંપનીનો ગ્રોથ વેગવંતો બની શકે. એચઆર ડિપાર્ટમેન્ટ કંપની અને કર્મચારીને સાંકળતી કડી છે જે મહત્વનો રોલ ભજવે છે. - ભાવેશ ઉપાધ્યાય, એચઆર એક્સપર્ટ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.