• Home
 • Business
 • Gujarat's spinbond non woven textile companies hit hard by Rs 1,500 crore

કોરોના ઈફેક્ટ / ગુજરાતના સ્પનબોન્ડ નોનવુવન ટેક્સટાઇલ કંપનીઓને રૂ.1500 કરોડનો જંગી ફટકો

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

 • પીપીઇ કિટ અને માસ્કમાં મદદરૂપ ઉદ્યોગની લાચારી, નિકાસ પ્રતિબંધના કારણે મહિને રૂ. 1500 કરોડનું નુકસાન
 • માસ્ક-પીપીઇ કિટમાં ગુજરાતની મોનોપોલી છતાં ઉદ્યોગકારોને હાલાકી

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 08:10 AM IST

અમદાવાદ. કોવિડ-19ની ક્રાઇસિસના કારણે અનેક ઉદ્યોગો ક્રાઇસિસમાં સપડાયા છે. પરંતુ મેડીકલ અને પેરા મેડીકલ સંલગ્ન ઇન્ડસ્ટ્રી ધમધમી રહી છે. પરંતુ તેમાંય એક અપવાદ એ જોવા મળ્યો છે કે, સર્જિકલ માસ્ક, પીપીઇ કીટ, એન-95 માસ્ક વગેરેના ઉત્પાદનમાં વપરાતાં નોન વુવન ટેક્સટાઇલની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ લાદી દેતાં આ ઉદ્યોગ અકારણ મંદીની નાગચૂડમાં આવી ગયો છે. કારણકે આ પ્રકારના મટિરિયલના ઉત્પાદન માટે ઉદ્યોગની કુલ 41350 મેટ્રીક ટનની ઉત્પાદન ક્ષમતાનો માત્ર 12.5 ટકા હિસ્સો જ વપરાય છે. તે જોતાં ભારત સ્પનબોન્ડ નોનવુવન કાપડ અને સર્જિકલ માસ્કની જરૂરિયાત સંદર્ભમાં આત્મનિર્ભરતા ધરાવે છે. તેથી તેની ઉપર નિકાસ પ્રતિબંધનું પગલું વ્યવહારીક નથી તેવું એનડબલ્યૂએફએઆઇના વાઇસ પ્રેસિડેન્ટ અંશુમાલિ જૈને જણાવ્યુ હતું. છેલ્લા 3 માસથી નિકાસ પ્રતિબંધના કારણે ઉદ્યોગને આશરે રૂ. 1500 કરોડનું નુકસાન ગયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

માર્ચમાં પ્રતિબંધ લદાયો તે પહેલા 90 ટકા ક્ષમતા વપરાશથી ઉદ્યોગ કામ કરી રહ્યો હતો. અને સમગ્ર વિશ્વમાં નિકાસો થતી હતી. પરંતુ પ્રતિબંધના કારણે ભારત વૈશ્વિક બજારમાં મોટો હિસ્સો ગુમાવવા સાથે વ્યાપાર તક ગુમાવી રહ્યો છે. આ ઉદ્યોગ 6.5 લાખ લોકોને સીધી તેમજ 20 લાખ લોકોને આડકતરી રોજગારી પૂરી પાડી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને નોનવુવન ફેડરેશન ઓફ ઇન્ડિયા (એનડબલ્યૂએફએઆઇ)એ માગણી કરી છે કે, સરકારે દેશના 1000થી વધુ યુનિટ્સની મુશ્કેલીને ધ્યાનમાં રાખી પીપીઇ કિટ્સ તથા માસ્ક માટેની જરૂરિયાત સિવાયના ઉત્પાદન માટે નિકાસ છૂટ આપવી જોઇએ.

જ્યારે બાકીનું ઉત્પાદન ચીનની ચીજોથી દૂર રહેવા મથતાં મોટા ભાગના દેશો જેમાં યુરોપ, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, હોંગકોંગ સહિત આશિયાન દેશોમાં નિકાસ થાય છે. પરંતુ સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દેવાના કારણે ગુજરાતની આશરે 45થી વધુ સ્પનબોન્ડ નોનવુવન ટેક્સટાઇલ કંપનીઓને મહિને રૂ. 450 કરોડનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક સ્તરે નબળી માગ તથા નોનવૂવન કાપડ અને માસ્કની નિકાસ પરના પ્રતિબંધને કારણે સમગ્ર ઉદ્યોગના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ પગલાંથી આ ઉદ્યોગને લાંબાગાળાની રાહત મળી રહેવા ઉપરાંત લાખો લોકોની નોકરીઓ બચી જશે તેવું ફેડરેશનના મહાસચિવ નિકેશ શાહે જણાવ્યું હતું. રાજ્ય સરકાર આ સેક્ટરને પ્રોત્સાહન આપે તો જ સેક્ટર મંદીના ભરડામાંથી ઉગરી શકે છે.

ચીનનો વિરોધ કરતાં દેશોમાં પણ નિકાસ અટકી
એનડબલ્યુએફઆઈના અધ્યક્ષ સુરેશ પટેલે જણાવ્યું કે, કોરોનાના કારણે ચીનના ઉત્પાદનો ખરીદવાથી દૂર રહેવા ઇચ્છતા મોટાભાગના દેશોમાં નિકાસ પ્રતિબંધના કારણે સ્પનબોન્ડ નોનવુવન ટેક્સટાઇલની નિકાસ અટકી ગઇ છે. યુરોપ, આશિયાનના મોટાભાગના દેશો ભારતીય ઉત્પાદનો તરફ વળ્યા હતા. પરંતુ ત્રણ માસથી પ્રતિબંધના કારણે નિકાસો થઇ શકતી નથી.

નવા સ્ટાર્ટઅપ્સને બચાવવા નિકાસ છૂટ જરૂરી
કે.પી. ટેક.ના સીએમડી પીંકલ સેખલીયાએ જણાવ્યું કે, ભારતમાં એન-95 માસ્કના ઉત્પાદન ક્ષેત્રે સંખ્યાબંધ સ્ટાર્ટઅપ્સે રોકાણ કર્યું છે. દેશમાં માસ્કની ડિમાન્ડ સામે સપ્લાય વધુ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે તેની નિકાસ છૂટ આપવી જોઇએ. જેથી ચીન સામેની સ્પર્ધામાં આપણે જીત મેળવી શકીએ. ચીન કોઇપણ સર્ટિફિકેટ વગર દૂનિયાભરમાં વેચે છે. આપણે અમેરીકાના નિયોસ સર્ટિફિકેટના આધારે આખી દુનિયામાં નિકાસ કરી શકીએ.

સ્પનબોન્ડ ઇન્ડ.ને રાહત જરૂરી

 • 36000 કરોડનું ટર્નઓવર ગુજરાતમાં સ્પનબોન્ડ નોનવુવન ટેક્સટાઇલનું
 • 350 થી વધુ ઉત્પાદનમાં કાચામાલ તરીકે સ્પનબોન્ડ નોનવુવન કાપડ
 • 120 થી વધુ કંપનીઓ સર્જિકલ માસ્ક ઉત્પાદન કરે છે ગુજરાતમાં
 • 90 આસપાસ એન-95 માસ્કનું ઉત્પાદન કરે છે કંપનીઓ રાજ્યમાં
 • 200 કરોડથી વધુનું મૂડીરોકાણ આવ્યું કોવિડના કારણે આ ફિલ્ડમાં

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી