કેન્દ્ર સરકારના એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝના રીપોર્ટમાં ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં દેશમાં પ્રથમ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. સર્વે રીપોર્ટ મુજબ ગુજરાતમાં ફિક્સ્ડ કેપિટલ 2012-13માં 14.96 ટકા હતી જે વધીને 2019-20માં 20.59 ટકા થઇ છે. આ સમયગાળા દરમિયાન ફિક્સ્ડ કેપિટલમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કર્ણાટક જેવા ટોચના ઔદ્યોગિક રાજ્યોનો હિસ્સો ઘટ્યો છે જ્યારે ગુજરાતના હિસ્સામાં વધારો થયો છે.
રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે દેશના અન્ય કોઇપણ રાજ્ય કરતા ગુજરાતમાં મશીનરી, સાધનો, મકાનો અને અન્ય ફેક્ટરી એસેટ્સ વધારે છે. ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ કહ્યું કે ઔદ્યોગિક નીતિઓ અને માત્ર રોકાણો હાંસલ કરવાને બદલે ગ્રાઉન્ડ વર્કને કારણે આગામી બ વર્ષના રીપોર્ટ પણ સારા આવશે.
ગુજરાત 74847391 લાખ રૂપિયા ફિક્સ્ડ કેપિટલ ઉપરાંત ઇન્વેસ્ટેડ કેપિટલ અને પ્રોડક્ટીવ કેપિટલ સાથે આ કેટેગરીમાં પણ દેશમાં સૌથી આગળ છે. પ્રોડક્ટીવ કેપિટલમાં કાચોમાલ, અર્ધ તૈયાર માલ અને રોકડ નાણાનો સમાવેશ થાય છે. પ્રોડક્ટીવ કેપિટલમાં ગુજરાતનો હિસ્સો સાત વર્ષમાં 15.1 ટકાથી વધીને 19 ટકા થયો છે. આ કેટેગરીમાં ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. ગુજરાતે કુલ ઉત્પાદનમાં 18.1 ટકાની હિસ્સેદારી સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મહારાષ્ટ્રનો હિસ્સો 17 ટકાથી ઘટીને 13.8 ટકા થયો છે.
ફેક્ટરીઓની સંખ્યાની દ્રષ્ટીએ તામિલનાડુએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ગુજરાત બીજા સ્થાને છે. ભારતના કુલ કારખાનાઓ પૈકી 28,479 એટલે કે 11.6 ટકા સાથે ગુજરાત બીજા સ્થાને છે જ્યારે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.