• Gujarati News
  • Business
  • Gujaratis Invest Rs 2.14 Lakh Crore In Realty In 3 Years After RERA Implementation: Gujarat RERA Chairman Amarjit Singh

એક્સક્લુઝિવ:રેરાના અમલ બાદ ગુજરાતીઓએ 3 વર્ષમાં 2.14 લાખ કરોડનું રોકાણ કર્યું રિયાલ્ટીમાં: ગુજરાતના રેરા ચેરમેન અમરજિત સિંહ

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક

ગુજરાતીમાં કહેવાય છે કે, ઘરનું ઘર, ફળિયામાં નળ અને છોકરાં લાઇનસર હોય તેને શું વાતનું દુ:ખ! બીજી એક ઉક્તિ એ પણ છે કે, વર વગરની હજો પણ ઘર વગરની ના હજો. કારણકે ગુજરાતી મહિલાઓ પણ આર્થિક મોરચે સદીઓથી પુરુષ સમોવડી રહી છે. પગભર થયેલા પ્રત્યેક ગુજરાતીનું સ્વપ્ન હોય છે કે, પહેલી ખરીદી ઘરની કરવી. એટલેજ કોરોના મહામારીની મંદીનો ઓછાયો ગુજરાતના રિઅલ એસ્ટેટ સેક્ટર જાણે પડ્યો જ નથી. રેરાના આવ્યા પછી આ સેક્ટરમાં ગ્રાહકો અને ડેવલપર્સ એમ બન્નેને સરળતા થઇ છે. એટલું જ નહિં દેશમાં રેરા હેઠળ પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનમાં ગુજરાત બીજો ક્રમ ધરાવે છે તેમજ ડેવલપર્સના સક્સેસ રેશિયોમાં 98 ટકા સાથે ટોચનું સ્થાન ધરાવે છે. રીયલ એસ્ટેટમાં સંપૂર્ણપારદર્શિતા, ઝડપી ઉકેલ અને ગ્રાહકોના હિતોનું રક્ષણ એ રેરાનો મુખ્ય ઉદ્દેશ છે.

ગુજરાતના રેરા ચેરમેન અમરજિત સિંહે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ મુલાકાત દરમિયાન જણાવ્યું કે, રેરાના અમલીકરણ બાદ ગુજરાતમાં આશરે રૂ. 2.14 લાખ કરોડના રિયાલ્ટી પ્રોજેક્ટ્સની નોંધણી થવા સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.

અમદાવાદમાં 70 માળના સ્કાઇલાઇન બિલ્ડિંગ બનાવવા માટે ડેવલપર્સ દ્વારા હિલચાલ શરૂ

સવાલ: કોરોના મહામારી બાદ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરની શું સ્થિતિ છે, માર્કેટ ક્યારે સર્વાઇવ થશે ?
અમરજિતસિંહ:
માર્ચ માસમાં ગુજરાતમાં કોરોના મહામારીના કારણે ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામકાજો મે માસ સુધી અટકી ગયા હતા. જોકે, કોવિડ પૂર્વેના છ માસથી સેક્ટર માટે કપરો સમય ચાલતો હતો તેમ કહેવું ખોટું નથી. પરંતુ દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત ઝડપી રિવાઇવ થઇ રહ્યું છે. કોરોનાએ લોકોના જીવન ધોરણમાં બદલાવ લાવ્યો છે જેના કારણે ઘર ખરીદવામાં ગ્રાહકોની દોટ જોવા મળી છે. એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનની સંખ્યા સતત વધી રહી છે. આગામી બે-ત્રણ માસમાં જ કોવિડ પૂર્વેના રજિસ્ટ્રેશનની સ્થિતિમાં આવી જશે.

સવાલ: ગુજરાતમાં રેરા હેઠળ કેટલા પ્રોજેક્ટ આવ્યા, રોકાણની સ્થિતિ શું છે ?
અમરજિતસિંહ:
ગુજરાતમાં રેરા (ગુજરાત રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) હેઠળ કુલ 7427 પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થઇ ચૂક્યા છે જેમાં સરેરાશ 2.14 લાખ કરોડના રોકાણ પર કામ થયું છે. આગામી સમયમાં પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનની સંખ્યામાં ઝડપી વધારો થશે. ગુજરાત 30 અબજ ડોલરના રોકાણ સાથે મોખરાનું સ્થાન ધરાવે છે. રેરા પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનમાં દેશમાં બીજા ક્રમે છે. 1235 એજન્ટ્સ રજિસ્ટર્ડ છે. રિઅલ એસ્ટેટ માર્કેટ દેશમાં 2020 સુધીમાં 180 અબજ ડોલરને ક્રોસ કરી જશે જેમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા જેટલો રહેશે. આ સેક્ટરમાં ગુજરાતમાં અઢળક રોકાણની તકો રહેલી છે.

સવાલ: ડેવલોપર્સ- બિલ્ડર્સ રેરા આવવાથી ઇન્સપેક્ટર રાજ તરીકે ધ્યાનમાં લેતા હતા ?
અમરજિતસિંહ:
રિઅલ એસ્ટેટ સેક્ટરમાં જ નહિં દરેક જગ્યાએ જ્યારે કોઇ નવા નિયમો અમલી થાય ત્યારે આંશિક રૂપે નિયમોનો સૌ પ્રથમ તો વિરોધ જ કરવામાં આવે છે. ગુજરાતમાં રેરા અમલી બનવાનું હતું ત્યારે બિલ્ડર્સ તથા ડેવલપર્સ ઇન્સ્પેક્ટર રાજ તરીકે ધ્યાનમાં લેતા હતા પરંતુ રેરા હેઠળની કામગીરી સુંદર, ઝડપી અને પારદર્શિત હોવાથી બિલ્ડર્સ-ડેવલપર્સનો નજરીયો બદલાઇ ગયો છે. ગ્રાહકોના હિતોના રક્ષણની સાથે-સાથે બિલ્ડર્સ તેમજ ડેવલોપર્સના પ્રોજેક્ટને ઝડપી મંજૂરી અને તેમને લગતી બાબતોનો ઉકેલ લાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

સવાલ: હાલની પરિસ્થિતીમાં ડેવલપર્સની મદદ માટે સરકારે ક્યું પગલું ભરવું જોઇએ ?
અમરજિતસિંહ:
કોરોના મહામારીમાં રિયલ એસ્ટેટ સેક્ટરને સૌથી મોટી મુશ્કેલી હોય તો તે લિક્વિડિટીની છે. તેઓને પ્રોજેક્ટ સમયસર પૂરા કરવા માટે પૈસાની જરૂરીયાત રહે છે. રેરાના નિયમો અનુસાર ગ્રાહકોના પૈસા ડેવલપર્સ બાંધકામ મુજબ ઉપયોગ કરી શકે છે એક સાથે નહિં આવા સમયે સરકારે એવો ઉપાય ઘડવો જોઇએ કે જેનાથી ડેવલપર્સને લિક્વિડિટીની સમસ્યા દૂર થાય. પ્રોજેક્ટ ઝલ્દી પૂરા કરી શકે અને ગ્રાહકોને સમયસર ઘર મળી રહે.

સવાલ: હાઉસિંગ સેગમેન્ટમાં કેવી ડિમાન્ડ આવશે, લોનના વ્યાજ ઘટતા લાભ મળશે ?
અમરજિતસિંહ:
ગુજરાતમાં હાઉસિંગ સેગમેન્ટમાં મોટા પાયે ડિમાન્ડ હાલમાં પણ છે જ. એટલું જ નહિં નવા પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન માટે પણ ડેવલપર્સ બૂક કરાવી રહ્યાં છે. કોવિડ પૂર્વે દર માસમાં સરેરાશ 150-180 પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થતા હતા જે અત્યારે આ સ્થિતીમાં આવવા લાગ્યા છે. જુલાઇમાં 150, ઓગસ્ટમાં 119 પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થઇ ચૂક્યા છે. આગામી બે માસ પછી દર મહિને રજિસ્ટર્ડની સંખ્યા 200 પ્રોજેક્ટ સુધી પહોંચે તો નવાઇ નહિં.

સવાલ: સ્કાયલાઇને મંજૂરી પરંતુ રજિસ્ટ્રેશન ક્યારે આવશે ?
અમરજિતસિંહ:
ગુજરાત સરકારે સ્કાયલાઇન (70 માળ) સુધી બાંધકામને મંજૂરી આપી છે. ગુજરાતમાં ટોચના ડેવલપર્સ-બિલ્ડર્સ દ્વારા પુછપરછ શરૂ થઇ ચૂકી છે. સૌ પ્રથમ અમદાવાદ, સુરત તથા બરોડામાં સ્કાઇલાઇન બિલ્ડિંગ બને તેવી સંભાવના છે. જોકે, ડેવલપર્સ હજુ સ્કાઇલાઇન પ્રોજેક્ટ માટે અભ્યાસ કરવા સાથે ડિમાન્ડને પણ ધ્યાનમાં લીધા બાદ પ્રોજેક્ટ રજિસ્ટર્ડ કરાવશે અને લોન્ચ કરશે.

હાઇલાઇટ્સ

  • 7427 પ્રોજેક્ટ રેરા હેઠળ રજિસ્ટર્ડ, દર મહિને 150-175 પ્રોજેક્ટ રજિસ્ટર્ડ રેશિઓ
  • 2008 એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી
  • 2.62 લાખ યુનિટ્સ નોંધાયા
  • 150-180 કોવિડ પૂર્વે દર માસમાં પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થતા હતા
  • 150 પ્રોજેક્ટ કોવિડ બાદ રજિસ્ટર્ડ થવા લાગ્યા, ટુંકમાં કોવિડ પછી સ્થિતિ પૂર્વવત્ત
  • 180 અબજ ડોલરને આંબી જશે દેશનું રિઅલ એસ્ટેટ સેક્ટર
  • 48 ટકા હિસ્સા સાથે પ્રોજેક્ટ મંજૂરીમાં રેસિડેન્સીયલ ટોચ પર

બે વર્ષમાં રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સ

વિગત2018-192019-20
રેસીડેન્શિયલ1499825
કોર્મશિયલ430278
મિક્સ933588
પ્લોટિંગ8460
કુલ29461751

​​​​​​​છેલ્લા ત્રણ માસમાં રજિસ્ટર્ડ પ્રોજેક્ટની સ્થિતિ

માસપ્રોજેક્ટ
જુલાઇ150-155
ઓગસ્ટ119-125
સપ્ટેમ્બર25*

​​​​​​​ક્યા ક્ષેત્રમાં કેટલી ડિમાન્ડ

વિગતવાસ્તવિક્તા
રેસીડેન્શિયલ48%
મિક્સ32%
કોર્મશિયલ19%
પ્લોટ1%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...