• Gujarati News
  • Business
  • Gujarat Is Becoming An Ecosystem For Self reliant India, Companies Were In Touch With Government Even In Lockdown: Vijay Rupani

ઇન્ડસ્ટ્રી પોલિસી 2020:આત્મનિર્ભર ભારત માટે ગુજરાતમાં ઇકો સિસ્ટમ બની રહી છે, લોકડાઉનમાં પણ કંપનીઓ સરકારના સંપર્કમાં હતી: વિજય રૂપાણી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારે થોડા દિવસો પહેલા ઇન્ડસ્ટ્રી પોલિસી 2020 જાહેર કરી હતી. હવે જયારે આવતા વર્ષે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત યોજવાનું છે ત્યારે સરકારે આ પોલિસીની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવા માટે દેશના અગ્રણી ઔદ્યોગિક એસોસીએશનો અને ઉદ્યોગપતિઓ સાથે એક વેબિનારનું આયોજન કર્યું હતું અને નવી ઔદ્યોગિક પોલિસીની જાણકારી આપી હતી. આ ઓનલાઈન કાર્યક્રમમાં FICCI, એસોચેમ, ફોરેઇન ઇન્વેસ્ટમેન્ટ ફેસેલિટેશન કાઉન્સિલ (FIFC) સહિતના અન્ય સંસ્થાઓના અગ્રણીઓ અને 2000 જેટલા સ્મોલ અને લાર્જ સ્કેલના ઉદ્યોગપતિઓ જોડાયા હતા.

આત્મનિર્ભર ભારત માટે ઇકો સિસ્ટમ
આ તકે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, ગુજરાત પહેલાથી જ એક ઔદ્યોગિક રાજ્ય છે અને અહી બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ પણ છે. અગાઉ પણ દેશ અને દુનિયાની મોટી કંપનીઓએ અહી રોકાણ કર્યું છે. હવે અમે નવી પોલિસી લઇને આવ્યા છીએ જેનો હેતુ આત્મનિર્ભર ભારત માટે ગુજરાતમાં શ્રેષ્ઠ ઇકો સિસ્ટમ બનાવવાનો છે. તેમણે ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું અને આત્મનિર્ભર ભારતને મજબુત કરવા કહ્યું હતું.

લોકડાઉનમાં પણ અનેક કંપનીઓ સરકારના સંપર્કમાં હતી
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જે કંપનીઓ ચીનથી બહાર નીકળવા માંગે છે તેમના માટે ભારત એક શ્રેષ્ઠ સ્થળ છે. કોરોના વાયરસના કારણે ગુજરાત અને દેશમાં લોકડાઉન હતું. આમ છતાં દેશ અને વિદેશની અનેક કંપનીઓ ગુજરાત સરકારના સંપર્કમાં હતી. આગામી દિવસોમાં ઘણી કંપનીઓ સાથે રોકાણ સંદર્ભે બેઠકો પણ થશે.

નવી પોલીસીથી MSMEને ફાયદો થશે
નવી નીતિ વિશે બોલતા, FIFCના સ્થાપક હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ ઔદ્યોગિક નીતિ ગુજરાતને વૈશ્વિક નકશામાં લાવવામાં મદદ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ટેક્નોલજી એક્વિઝિશન ક્લોઝને આ નીતિમાં શામેલ કરવામાં આવી છે, જેથી સ્થાનિક લઘુ અને માધ્યમ ઉદ્યોગો વિદેશી કંપનીઓની ટેકનોલોજી વિના મૂલ્યે પ્રાપ્ત કરી શકે છે. આનાથી MSMEને ઘણો ફાયદો થશે.

યોગ્ય અમલીકરણ થાય તે જરૂરી
ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ અને વિવિધ સંસ્થાઓની કમિટીના સભ્ય પદ્મીન બુચે જણાવ્યું કે, કોઈ પણ પોલિસીનું યોગ્ય અમલીકરણ થાય ત્યારે જ તે સફળ નીવડે છે. સરકારે ઇમ્પ્લિમેન્ટેશન મિકેનિઝમ પણ જાહેર કરવું જોઈએ જેથી છેવાડાના લોકો અથવા MSME સુધી પહોચી શકે. ઓવરઓલ આ પોલીસી પ્રોગ્રેસીવ જણાઈ રહી છે.

સંગઠનોની સહાયથી પોલિસી લાગુ થાય તો ફાયદો થશે
ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન ગુજરાતના પ્રમુખ, પ્રકાશ વરમોરાએ જણાવ્યું હતું કે "નવી નીતિની જાહેરાત આકર્ષક છે. સરકાર અને સંગઠનોના સંયુક્ત પ્રયાસોથી જો નીતિ લાગુ કરવામાં આવે તો તે ગુજરાત માટે ખૂબ ફાયદાકારક છે. વર્તમાન સમયમાં જે સંજોગો ઉભા થયા છે તેમાં ભારત અને ગુજરાતના ઉદ્યોગો માટે ઘણી તકો રહેલી છે. જરૂર છે તેને ઓળખી અને અમલ કરવાની.

અન્ય સમાચારો પણ છે...