ગીફ્ટ સિટી / ગુજરાત સરકાર IL&FSની હિસ્સેદારીનું વેલ્યુએશન કરાવશે

Gujarat government may evaluate the stake of IL&FS in Gift-City
X
Gujarat government may evaluate the stake of IL&FS in Gift-City

  • IL&FSના બોર્ડ પાસેથી સ્ટેક વેચવાની મંજુરી બાદ વેલ્યુઅર નિમણુક કરાશે
  • ગીફ્ટ સિટીમાં IL&FSનું અત્યાર સુધીમાં રૂ. 800 કરોડથી વધુનું રોકાણ

divyabhaskar.com

May 15, 2019, 05:35 PM IST

વિમુક્ત દવે, અમદાવાદ: આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ લીમીટેડ ( IL&FS)નો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગીફ્ટ-સિટી)માં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય બની છે. થોડા સમય પૂર્વે રાજ્ય સરકારના અધિકારીઓ અને  IL&FSના બોર્ડ મેમ્બર્સ વચ્ચે આ બાબતે એક બેઠક પણ મળી હતી અને તેમાં સરકારે હિસ્સેદારી ખરીદવા અંગેની દરખાસ્ત મૂકી હતી. ટોચના આધિકારિક સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ IL&FSના બોર્ડ પાસેથી સ્ટેક વેચવા બાબતે સૈદ્ધાંતિક મંજુરી મળ્યા બાદ સરકાર વેલ્યુએશનની પ્રક્રિયા હાથ ધરાશે.

એક મહિના પૂર્વે ગુજરાત સરકાર અને IL&FS વચ્ચે બેઠક મળી હતી

ગુજરાત સરકારના ટોચના અધિકારી કે જે ગીફ્ટ સિટી પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલા છે તેમણે નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના અધિકારીઓ અને IL&FSના બોર્ડ મેમ્બર્સ વચ્ચે એક મહિના પૂર્વે એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે IL&FSનો ગીફ્ટ સિટીમાં રહેલી 50% હિસ્સેદારી ખરીદવા માટે ચર્ચા કરી હતી.  IL&FSનું બોર્ડ ટૂંક સમયમાં આ અંગે બોર્ડ મિટીંગમાં નિર્ણય લઈને રાજ્ય સરકારને જણાવશે. બોર્ડ પાસેથી સ્ટેક વેચવાની મંજુરી મળ્યા બાદ હિસ્સેદારીનું મૂલ્યાંકન કરવા માટે રાજ્ય સરકાર વેલ્યુઅર નિમણુક કરાશે. મોટાભાગે ચુંટણીના પરિણામ બાદ આ પ્રક્રિયા હાથ ધરાશે.

2. અગાઉ મુખ્યમંત્રીએ IL&FSનો હિસ્સો ખરીદવાની વાત કરી હતી

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જયારે  IL&FSનું આર્થીક સંકટ સામે આવ્યું ત્યારે ગીફ્ટ સિટી પ્રોજેક્ટ સામે પણ સવાલો ઉભા થયા હતા. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે,  IL&FSના સંકટની ગીફ્ટ સિટી પ્રોજેક્ટને કોઈ અસર નહીં થાય અને રાજ્ય સરકાર તેનો 50% હિસ્સો ખરીદી લેશે અને આ માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજુરી પણ આવી દીધી છે.

3. ગીફ્ટ સિટી પ્રોજેક્ટ IL&FS અને ગુજરાત સરકારનું સંયુક્ત સાહસ

ગીફ્ટ સિટી પ્રોજેક્ટ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરુ થયો હતો. આના માટે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપનીએ IL&FS સાથે મળીને એક સ્પેશીયલ પર્પઝ વ્હિકલ કંપની 'ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી કંપની લીમીટેડ' બનાવી હતી જેમાં બંનેનો 50-50% હિસ્સો હતો. આ કંપનીમાં અંદાજે રૂ. 64 કરોડનું રોકાણ થયું હતું. આ સિવાય IL&FS દ્વારા ગીફ્ટમાં 2 ટાવરના નિર્માણમાં અંદાજે રૂ. 800 કરોડનું રોકાણ કરેલું છે.

4. IL&FSના સંકટની ગીફ્ટ સિટી પ્રોજેક્ટને કોઈ અસર નહીં થાય

જ્યારથી IL&FSનું આર્થીક સંકટ સામે આવ્યું છે ત્યારથી ગીફ્ટ સિટી અને તેમાં ચાલતા અન્ય પ્રોજેક્ટને ખરાબ અસર થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ અંગે ગીફટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગીફ્ટ પ્રોજેક્ટ પર IL&FSના સંકટની કોઈ અસર નહીં આવે અને પ્રોજેક્ટ પોતાની ઝડપે યોગ્ય રીતે ચાલુ છે. આ સિવાય હાલ IL&FSનું કોઈ રોકાણ ના હોવાથી અન્ય પ્રોજેક્ટને પણ તેની અસર થશે નહીં.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી