થોડા સમય પહેલાં વિશ્વની સૌથી પ્રચલિત ઇલેક્ટ્રિક કારઉત્પાદક અમેરિકાની ટેસ્લા કંપનીના સ્થાપક એલન મસ્કે ભારતમાં રસ દાખવવાની વાત કર્યા બાદ ગુજરાત સરકાર આ કંપનીને રાજ્યમાં લાવવા માટે સક્રિય થઇ છે. આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ટેસ્લાના સંપર્કમાં છીએ અને અમારા પ્રયત્નો છે કે ટેસ્લા ગુજરાતમાં આવે. કંપની ઓફિશિયલ સાથે અમે કમ્યુનિકેશન શરૂ કર્યું છે. જોકે અધિકારીએ વધુ વિગતો જાહેર કરી ન હતી અને કહ્યું હતું કે સમગ્ર મામલો હજુ પ્રારંભિક તબક્કે છે.
વાઈબ્રન્ટ ગુજરાતમાં ટેસ્લા આવી શકે છે
અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટેસ્લા સાથે થોડા સમય પહેલાં જ કમ્યુનિકેશન શરૂ કરવામાં આવ્યું છે અને અમે અમારા તરફથી ગુજરાતમાં રોકાણના સંદર્ભમાં કેટલી તકો છે એ મુદ્દે આગામી દિવસોમાં ચર્ચા કરીશું. આ ઉપરાંત અમારા પ્રયત્નો પણ રહેશે કે ટેસ્લા આગામી જાન્યુઆરી 2021માં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લે. જોકે હજુ વાતચીત શરૂ થઇ છે એટલે આ બાબતે વધુ કઈ કહી શકાય નહીં.
મહારાષ્ટ્ર સરકારે પણ આમંત્રણ આપ્યું છે
ટેસ્લાની જાહેરાત બાદ સૌ પહેલા મહારાષ્ટ્ર સરકારે ટેસ્લાને ભારતમાં તેના પ્લાન્ટ બનાવવા માટે જમીન આપવાની તૈયારી બતાવી છે અને એના માટે સારા લોકેશનમાં જમીનની શોધ શરૂ કરી છે. ઉદ્યોગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર પુણે, નાસિક અને નાગપુરમાં પ્રાઇમ લોકેશનમાં જમીન આપવાની સંભાવના છે. મહારાષ્ટ્રના પર્યાવરણમંત્રી આદિત્ય ઠાકરે અને ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈએ કંપનીના ટોપ મેનેજમેન્ટ સાથે વિડિયો-કોન્ફરન્સથી વાતચીત કરી હતી.
ટેસ્લાએ ભારતીય ચાહકોને કહ્યું- આવતા વર્ષે ચોક્કસ આવીશું
ટેસ્લા ક્લબ ઇન્ડિયાના નામે ટ્વિટર પર ટેસ્લાના ભારતીય ચાહકોનું એક ફેન હેન્ડલ છે. 2 ઓક્ટોબરે આ હેન્ડલ પર એક પોસ્ટ મૂકી એલન મસ્કને પૂછ્યું હતું કે 'અમે ટેસ્લાના ભારત પ્રવેશ અંગે આશાવાદી છીએ અને આ અંગે કોઈ પ્રોગ્રેસિવ વાત હોય તો અમને સાંભળવી ગમશે.' આ પોસ્ટના જવાબમાં એલન મસ્કે કહ્યું હતું કે 'આવતા વર્ષે ચોક્કસ'.
ભારતીય કંપની સાથે જોડાણની પણ શક્યતા
ઓટો સેક્ટરના જાણકારોના મતે, ટેસ્લા ભારતીય બજારમાં સીધો પ્રવેશ ન પણ કરે અને આવી સ્થિતિમાં તે ઇલેક્ટ્રિક વેહિકલ બનાવતી કોઈ ભારતીય ઓટો કંપની સાથે જોડાણ પણ કરી શકે છે. જો આવું થાય છે તો આ રેસમાં મહિન્દ્રા સૌથી આગળ હોઈ શકે છે તેમ નિષ્ણાતો માને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.