વૃદ્ધિદર:જીએસટી કલેક્શન વધ્યું, પરંતુ જીડીપીમાં હિસ્સો ઘટી ગયો

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારણઃ દાવો કરાયો હતો, તેવો ગ્રોથ ના થઈ શક્યો

કોરોના મહામારી પછી બજારમાં ભારે માગ અને ચીજવસ્તુઓની કિંમતમાં વધારાથી દેશના જીએસટી કલેક્શનના નવા રેકોર્ડ બની રહ્યા છે. ફેબ્રુઆરી સુધી એટલે કે 11 મહિનામાં ગ્રોસ જીએસટી કલેક્શન રૂ. 16.50 લાખ કરોડ હતું. આ વર્ષે પણ સરકારને રૂ. 13.85 લાખ કરોડના જીએસટી કલેક્શનનું અનુમાન છે. ત્યાર પછી પણ આ સતત પાંચમું વર્ષ હશે, જ્યારે જીડીપીમાં જીએસટીનું યોગદાન આવકવેરાથી ઓછું હશે. તેનું કારણ એ છે કે, આ વર્ષે સરકારે રૂ. 16.50 લાખ કરોડના આવકવેરા કલેક્શનનું અનુમાન રાખ્યું છે.

10 માર્ચ સુધી રૂ. 13.73 લાખ કરોડ આવી ચૂક્યા છે. આ રીતે આવકવેરાનું જીડીપીમાં યોગદાન 6.02% રહી શકે છે. તેની સામે જીડીપીમાં જીએસટીનો હિસ્સો 5.07% સુધી જ રહેશે. જીએસટી પહેલા એટલે કે 2016-17માં જીડીપીમાં તેનું યોગદાન 5.65% હતું, જ્યારે આવકવેરાનું 5.57% હતું. 2021-22માં આવકવેરાનું જીડીપીમાં યોગદાન વધીને 6.10% થયું હતું. તેની તુલનામાં જીએસટીનું યોગદાન વધવાના બદલે ઘટીને 5.60% થઈ ગયું હતું.

આર્થિક નિષ્ણાતોના મતે, પાંચ વર્ષમાં જીએસટી કલેક્શનમાં વધારો અનુમાનથી ઓછો રહ્યો. જીએસટી નિષ્ણાત અશોક બત્રા કહે છે કે, ‘સરકારે જીએસટીમાં વાર્ષિક 14% ગ્રોથનું અનુમાન રાખ્યું હતું. તેના આધારે રાજ્યોને 14% વળતર પણ અપાયું. જીએસટી માટે રચાયેલી સમિતિના પ્રમુખ વિજય કેલકરે પણ દાવો કર્યો હતો કે, જીએસટી લાગુ થયા પછી જીડીપીીાં 2.2% વધારો થશે, પરંતુ તે લક્ષ્ય હાંસલ ના થઈ શક્યું.’

સીધી વાત

વિવેક જોહરી, ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ, નવી દિલ્હી

  • જીએસટી કલેક્શન અનુમાનથી વધુ રહ્યું. શું ટેક્સ વધારવામાં મોંઘવારીનું યોગદાન વધુ રહ્યું?

બીજા કારણો પણ રહ્યા. કોરોના પછી પહેલું સામાન્ય વર્ષ રહ્યું. લોકો બહાર નીકળતા પ્રવાસન વધ્યું. જીએસટી રિટર્ન પણ વધ્યા.

  • આગામી નાણાકીય વર્ષમાં ટેક્સ ગ્રોથનું અનુમાન 12% છે. વધુ નહીં. કારણ કે, ખપત ઘટવાનું અનુમાન છે?

બિલકુલ શક્ય છે. નોમિનલ ગ્રોથ 10.5% રહેશે. અનુમાન જીડીપીથી લિંક્ડ છે. એટલે લક્ષ્ય સરળતાથી હાંસલ કરીશું.

  • તમે કહો છો કે, વીજબિલ અને પ્રોપર્ટી ટેક્સ રેકોર્ડથી ટેક્સ કલેક્શન વધારવામાં મદદ મળશે.

શક્યતાઓ તપાસી રહ્યા છીએ. એ લોકોની ઓળખ કરીશું, જે ટેક્સ નથી ભરતા.

  • ઓડિટ કેટલું મદદરૂપ થશે?

ઓડિટથી ગયા વર્ષે રૂ. 22 હજાર કરોડની ટેક્સ ચોરી પકડી હતી. હવે જિલ્લા-તાલુકા સ્તરે પણ ઓડિટ શરૂ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...