કોરોના મહામારી બાદ ઓટો સેક્ટરમાં ક્રાંતિ સર્જાઇ છે. ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ મળ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઈલેક્ટ્રિક વાહનોમાં આગના બનાવો બનતા તેનો ઝડપી ગ્રોથને બ્રેક વાગી છે. એપ્રિલમાં ઈવીના વેચાણો નોંધનીય રીતે ઘટ્યા છે. માર્ચમાં 77,244 ઈવીનું વેચાણ થયું હતું જે એપ્રિલમાં ઘટીને 72,536 હજાર થયું હતું. છેલ્લા એક વર્ષમાં બીજી વખત ઈલેક્ટ્રિક વાહનોના માસિક ધોરણે વેચાણો ઘટ્યા છે.
પેટ્રોલના ઊંચા ભાવને કારણે દેશમાં EVs (મુખ્યત્વે ટુવ્હિલર્સ)નું વેચાણ માસિક ધોરણે 25થી 35 ટકાના દરે વધી રહ્યું છે. વેબસાઈટ વ્હીકલ ડેશબોર્ડ અનુસાર મે 2021માં દેશમાં 3311 ઈવી વેચાયા હતા. જે ડિસેમ્બર 2021 સુધીમાં 50 હજારની સપાટી ક્રોસ કરી ગયું હતું. બાદમાં જાન્યુઆરીમાં વેચાણમાં થોડો ઘટાડો નોંધાયો હતો.
ફેબ્રુઆરીથી વેચાણ ફરી વધવા લાગ્યા હતા. અને માર્ચમાં તે વધીને રેકોર્ડ 77,244 પર પહોંચ્યા હતા. માર્ચના અંતથી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગના બનાવો સામે આવ્યા હતા. જેમાં છ લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. જેના લીધે ઈલેક્ટ્રિક વાહનોની પ્રાથમિકતા ઘટી છે. ઓલા પ્યોર ઇવી અને ઓકિનાવા જેવી ઘણી કંપનીઓને તેમના ઈલેક્ટ્રિક વાહનો પાછા મંગાવવા પડ્યા હતા. સરકારે નવા EV સ્કૂટર લોન્ચ કરવા પર પ્રતિબંધ પણ મૂક્યો છે. પરિણામે ખરીદદારોના સેન્ટિમેન્ટને અસર થઈ હતી અને માર્ચની સરખામણીએ એપ્રિલમાં વેચાણ 4.5 હજારથી વધુ ઘટીને 77,244 થઈ ગયું હતું.
ઇવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ કંપની ઇવી એનર્જીના સીઇઓ સંયોગ તિવારીએ જણાવ્યું છે કે આગની ઘટનાઓ પછી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવામાં ગ્રાહકોની રુચિ ઘટી છે, જે વેચાણમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે. ઉપરાંત શક્ય છે કે ગ્રાહકો સરકારની બેટરી સ્વેપિંગ પોલિસીની પણ રાહ જોઈ રહ્યા હોય, જે સ્પષ્ટ કરશે કે બેટરી પર કોને સબસિડી મળશે.
આગની સમસ્યા અસ્થાયી, ઝડપથી ઉકેલ આવશે
ઈલેક્ટ્રિક વાહનોના વેચાણો માર્ચની સરખામણીએ એપ્રિલમાં ઘટ્યા છે. ભૂતકાળમાં આગની ઘટનાઓ બાદ કેટલાક ગ્રાહકોએ ઇવી ટુ-વ્હીલર ખરીદવાનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. આ ઉપરાંત સપ્લાય ચેઇનની કેટલીક સમસ્યા પણ છે. જોકે, તે કાયમી નથી. ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. અને માંગ ફરી વધશે. > વિંકેશ ગુલાટી, પ્રેસિડેન્ટ,ફાડા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.