દેશના અર્થતંત્રના વિકાસમાં સૌથી વધુ હિસ્સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો રહ્યો છે. પરંતુ કોરોના મહામારી બાદ આ સેક્ટરને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહામારીના બે વર્ષમાં સેક્ટરનો ગ્રોથ મંદ રહ્યો હતો ત્યારબાદ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો ત્યાં યુક્રેન-રશિયા યુધ્ધની અસર મોટા પાયે જોવા મળી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વપરાતા કાચા માલ એવા સ્ટીલ, સિમેન્ટ, લોખંડની કિંમતોમાં આક્રમક તેજી આવી જેના કારણે કંપનીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કિંમતો આક્રમક તેજીને અટકાવવા અને ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરવા માટે સરકાર કાચામાલની કિંમતો પર પ્રાઇઝ મોનેટરી કમિટિની રચના કરે તે જરૂરી છે તેવો નિર્દેશ ગુજરાતની અગ્રણી હેરિટેજ ઇન્ફ્રાસ્પેસના એમડી-ફાઉન્ડર ગગન ગોસ્વામીનું કહેવું છે. વધુમાં તેઓએ નિર્દેશ કર્યો કે રિયલ એસ્ટેટ સેક્ટર પર મોટી અસર જોવા મળી રહી છે.
એક તરફ સરકારનું સ્વપ્ન એફોર્ડેબલ હાઉસિંગનું છે ત્યારે કાચામાલની તેજીના કારણે હાઉસિંગ સેગમેન્ટની કિંમતોમાં વધારો શરૂ થઇ ચૂક્યો છે. સ્ટીલ, સિમેન્ટ કંપનીઓની તેજીની કાર્ટેલ પર ધ્યાન આપવામાં નહિં આવે તો આગામી સમયમાં હાઉસિંગ સેગમેન્ટની કિંમતોમાં વધુ 5-10 ટકા સુધી કિંમતો વધે તેમ છે. એટલું જ નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા તમામ પ્રોજેક્ટની કિંમતોમાં વધારો થશે.
રેડીમિક્સ કોન્ક્રિટ મેન્યુફેક્ચરર્સ ઇન્ડસ્ટ્રીઝને છેલ્લા કેટલાક સમયથી મોટી નુકસાની છે. ડિઝલ, સિમેન્ટ તથા એગ્રીગેટ્સની કિંમતમાં સરેરાશ 25-75 ટકા સુધીના ભાવ વધારાના કારણે ઉદ્યોગને પેરીટી બેસતી નથી. ઉદ્યોગને સતત નુકસાનીના કારણે ગુજરાતમાં સરેરાશ 30-35 ટકા આરએમસી પ્લાન્ટ બંધ થઇ ચૂક્યા છે. જો સરકાર રાહત નહિં આપે અથવા તો ડિઝલ , સિમેન્ટ અને એગ્રીગેટ્સના ભાવ નહિં ઘટે તો આગામી એકાદ-બે મહિનામાં વધુ 20-25 ટકા પ્લાન્ટ બંધ થઇ જશે.
ગુજરાતની 15000 કરોડની ઇન્ડસ્ટ્રીઝને અસર
ગુજરાતમાં કુલ વાર્ષિક 15000 કરોડની ઇન્ડસ્ટ્રીઝ સાથે 50000થી વધુ લોકોને આરએમસી ઉદ્યોગ પ્રત્યક્ષ-પરોક્ષ રૂપે રોજગારી પૂરી પાડી રહ્યો છે. કોરોનામાં 6 માસ પ્લાન્ટ બંધ રહ્યાં બાદ હવે ફરી પેરીટી ન બેસતા પ્લાન્ટ બંધ કરવા પડી રહ્યાં છે. આરએમસી ઉદ્યોગને સિમેન્ટ કંપનીઓ 10-15 દિવસની ક્રેડિટ પર માલ આપતા હતા પરંતુ અત્યારે મુશ્કેલીમાં સિમેન્ટ કંપનીઓ પણ માલ આપવાનું બંધ કરી દીધું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાતી મશીનરીમાં જર્મન મશીનરીની મોટા પાયે માગ છે. ઉચ્ચ ટેક્નોલોજી ધરાવતી મશીનરીના કારણે ગુણવત્તામાં સુધારો જોવા મળે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતની પહેલી કંપની આઇપીઓ લાવશે
ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓનો ગ્રોથ ઝડપી રહ્યો છે. હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ આગામી એકાદ વર્ષમાં મેઇન બોર્ડમાં આઇપીઓ લાવવાની યોજના ઘડી રહી છે. કંપનીનું ટર્નઓવર વાર્ષિક ધોરણે 150 કરોડથી વધુનું છે. કંપની પ્રત્યક્ષ-પરોક્ષ રૂપે 1200થી વધુ કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે તેમજ કાનપુર, દિલ્હી, પટના, આગ્રામાં મેટ્રો સ્ટેશનના કામ કરવા સાથે અત્યારે પાર્લામેન્ટના કામનો પણ ઓર્ડર મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.