કેન્દ્ર સરકાર ભારતને $5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે અત્યારથી અનેકવિધ પગલાં લઇ રહી છે. સરકાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વર્ષ 2026-27 સુધીમાં લક્ષ્યાંકને પૂરા કરવાના અંદાજ કરતાં પણ ઝડપી ગતિએ તેને હાંસલ કરવા માટે સતત પ્રયાસરત છે. અગાઉ IMFએ તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રનું કદ 2021-22ના $3.2 ટ્રિલિયનથી વધીને વર્ષ 2022-23માં $3.5 ટ્રિલિયન અને વર્ષ 2026-27માં $5 ટ્રિલિયનને આંબશે.
રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર વર્ષ 2026-27 પહેલા જ $5 ટ્રિલિયનની ઇકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્વિતતા જોવા મળી રહી છે. જો કે વૈશ્વિક ઇકોનોમિક આઉટલૂકમાં અનિશ્વિતતા ઘટવાને કારણે ભારત વહેલા $5 ટ્રિલિયનની ઇકોનોમીએ પહોંચી શકશે.
રૂ.13.7 લાખ કરોડના મૂડીખર્ચનો લક્ષ્યાંક
આ વખતના બજેટમાં વર્ષ 2023-24 માટે કેન્દ્રનો મૂડી ખર્ચનો લક્ષ્યાંક રૂ.13.7 લાખ કરોડ (જીડીપીના 4.5 ટકા) રાખવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નવું સ્થપાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સચિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણમાં વધારાનું આકલન કરશે. લોજિસ્ટિક્સ પરફોર્મન્સ સુધારવા માટે પોર્ટ્સ, કોલ, સ્ટીલ, ફર્ટિલાઇઝરના જોડાણ માટે 100 જેટલા ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.