ભારતીય પેટ્રોલિયમ સેક્ટરની 15 મોટી તેલ-ગેસ કંપનીઓ મારફતે ચાલુ નાણાકિય વર્ષ પહેલાનાં 9 મહિનામાં એટલે કે એપ્રિલ-ડિસેમ્બર વચ્ચે સરકારી તિજોરીમાં 5.45 લાખ કરોડ રૂપિયા આવ્યા છે. તેમાથી 3.08 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારના તિજોરીમાં અને 2.37 લાખ કરોડ રૂપિયા રાજ્ય સરકારના ખજાનામાં આવ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ સોમવારે રાજ્યસભામાં આ માહિતી આપી હતી.
તેલીએ એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, પેટ્રોલિયમ સેક્ટરનાં આ યોગદાનમાં બેઝિક એક્સાઈઝ ડ્યૂટી, સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી, રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, એગ્રીકલ્ચર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સેસ અને પેટ્રોલિયમ ઉત્પાદકો પર અન્ય સેસ તથા સરચાર્જ સામેલ છે.
2021-22માં 7.74 લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યા
આ વર્ષનાં આંકડા સિવાય મંત્રીએ રાજ્યસભામાં છેલ્લા પાંચ વર્ષના આંકડા પણ આપ્યા છે. તેના મુજબ, ગત નાણાકિય વર્ષે તેલ-ગેસ સેક્ટર દ્વારા સરકારની તિજોરીમાં 7.74 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી. નાણાકિય વર્ષ 2020-21માં આ આંકડા 6.72 લાખ કરોડ અને 2019-20માં 5.55 લાખ કરોડ રૂપિયા હતા.
ટેક્સ પછી બમણાં થઈ જાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
પેટ્રોલ-ડીઝલની બેસ પ્રાઈઝ પર જે અત્યારે 57.16 રૂપિયા છે, તેના પર કેન્દ્ર સરકાર 19.90 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે. તેના પછી રાજ્ય સરકાર તેના પર પોતાના હિસાબે વેટ અને સેસ વસૂલ કરે છે, તેના પછી તેનો ભાવ બેસ પ્રાઇઝથી લગભગ બમણો થઈ જાય છે.
મે 2022માં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં આવી
કેન્દ્ર સરકારે ઈંધણના ઊંયા ભાવમાંથી રાહત આપવા માટે મે 2022માં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા લીટર દીઠ ઘટાડ્યા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણય પછી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાન સહિતના તમામ રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટ (વેલ્યૂ એડેડ ટેક્સ)માં ઘટાડો કર્યો હતો.
પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ
દેશમાં તેલના ભાવ છેલ્લા 9 મહિનાથી લગભગ સ્થિર છે. જોકે, જુલાઈમાં મહારાષ્ટ્રમાં પેટ્રોલ પાંચ અને ડીઝલ ત્રણ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું હતું, પરંતુ બાકી રાજ્યોમાં ભાવ સ્થિર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.