ઝુનઝુનવાલાની એરલાઈન્સ આકાસાને મળી NOCની પાંખ:આકાસા એરને સરકારે આપી મંજૂરી, 2022માં શરૂ કરી શકે છે સર્વિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શેર બજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરને વિમાની સેવા શરૂ કરવા માટે સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આકાસા એર બ્રાંડના નામથી ભારતીય વિમાન સેક્ટરમાં ઉતરી રહેલી SNV એવિએશન પ્રાઈવેટ લિમિટેડે પોતાના નિવેદનમાં કહ્યું કે, કંપનીને ભારતના એવિએશન મિનિસ્ટ્રી તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC મળી ગયું છે. આકાસા એરની યોજના 2022ના ઉનાળામાં પોતાની વિમાની સેવા શરૂ કરવાની યોજના છે. કંપની હવે આવતા વર્ષે ઉનાળામાં પોતાની સર્વિસ શરૂ કરવા માટે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પાસેથી લાયસન્સ માગી શકે છે. આકાસા એરમાં જેટ એરવેઝમાં CEO પદે રહી ચુકેલા વિનય દુબે પણ જોડાયા છે, તેઓ જ આ કંપનીની કમાન સંભાળશે.

મીડિયા રિપોટ્સ મુજબ ઝુનઝુનવાલા નવી એરલાઈન વેન્ચરમાં 3.5 કરોડ ડોલર એટલે કે લગભગ 247 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. એરલાઈન કંપનીમાં આગામી 4 વર્ષમાં 70 એરક્રાફ્ટ્સને સામેલ કરવાની વાત પણ સામે આવી રહી છે. ફોર્બ્સ મુજબ ઝુનઝુનવાલાની નેટવર્થ 4.6 અબજ ડોલર એટલે કે 34.21 હજાર કરોડ રૂપિયા છે.

ઈન્ડિગોના પૂર્વ પ્રેસિડન્ટ કંપની બોર્ડમાં
આકાશ એરના બોર્ડમાં સામેલ ઈન્ડિગોના પૂર્વ પ્રેસિડન્ટ આદિત્ય ઘોષે કંપનીને સરકાર પાસેથી મળેલા NOCને લઈને વિનય દુબે અને તેમની ટીમને શુભેચ્છા પાઠવી છે.

આકાસા એરના CEOએ સરકારનો આભાર માન્યો
આકાસા એરના CEO વિનય દુબેએ કહ્યું કે, "અમે ઘણાં જ ખુશ છીએ અને એવિએશન મંત્રાલયના સપોર્ટ અને તેમના દ્વારા NOC આપવાને લઈને આભારી છીએ. આકાસા એરને સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે જરૂરી તમામ જરૂરી અનુપાલનોનું અમે રેગ્યુલેટરી ઓથોરિટીઝની સામે કામ કરવાનું યથાવત રાખીશું. આકાસા એર ભારતીયો માટે રાષ્ટ્રની સૌથી વધુ ડિપેન્ડેબલ,અફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરવા માગે છે."

વધુને વધુ લોકો હવાઈ યાત્રા કરે તે લક્ષ્ય
મળતી માહિતી મુજબ નવી એરલાઈનની પાછળ ભારતના વધુને વધુ લોકો હવાઈ યાત્રા કરે તેવી કંપનીનું લક્ષ્ય છે. ઝુનઝુનવાલાને કંપનીમાં 3.5 કરોડ ડોલરના રોકાણ પર 40% ભાગીદારી મળશે. બે મહિના પહેલાં બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું હતું કે અમને આગામી 15 દિવસમાં એવિએશન મિનિસ્ટ્રી પાસેથી નો-ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ મળશે તેવી આશા છે. જો કે સોમવારે તેઓને સરકાર પાસેથી મંજૂરી મળી ગઈ છે.

વાંચોઃ વડાપ્રધાન મોદીને મળ્યા બાદ ચર્ચામાં આવેલા રાકેશ ઝુનઝુનવાલા હવે પોતાનું 'આકાશ' બનાવશે, એરલાઇન્સ શરૂ કરવાની તૈયારીમાં

રાષ્ટ્રની પ્રગતિ માટે મજૂબત એર ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જરૂરી
કંપનીના CEO દુબેએ વધુમાં કહ્યું કે, "આકાસા એરમાં અમારું માનવું છે કે રાષ્ટ્રની પ્રગતિ માટે એક મજબૂત એર ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ મહત્વપૂર્ણ છે. આ વાતે જ અમને એક આધુનિક, એફિશિએન્ટ, ક્વોલિટી કોન્શિયસ એરલાઈનને ક્રિએટ કરવા માટે પ્રેરિત કર્યા છે. આકાસા એર કોઈ પણ ભારતીયના સામાજિક-આર્થિક કે સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ પર ધ્યાન આપ્યા વગર તમામ ભારતીયોની સેવા કરશે."

પ્લેન માટે એરબસ કે બોઈંગ સાથે વાત કરી તેવી અટકળો
એરબસના ચીફ કોમર્શિયલ ઓફિસર ક્રિસ્ટિયન શેરરે હાલમાં જ કહ્યું હતું કે તેમની કંપની પ્લાનની ડીલ માટે આકાસાના સંપર્કમાં છે. બે મહિના પહેલાં મીડિયામાં આવેલા સમાચાર મુજબ આકાસા B737 મેક્સ પ્લેન માટે અમેરિકાની કંપની બોઈંગ સાથે વાત કરી રહી છે.

બોઈંગ(B737) અને એરબસ (A320)માં નાના ફ્યૂલ ટેન્ક
બોઈંગ (B737) અને એરબસ (A320)ના જે પ્લેનને લઈને આકાસની વાતચીત થઈ રહી હોવાના સમાચાર મળી રહ્યાં છે તેમાં નાના ફ્યૂલ ટેન્ક છે. આ હિસાબે તે ઓછા અંતરની સર્વિસ આપી શકે છે.

પોતાના અને પત્નીના નામ પરથી કંપની બનાવી
રાકેશ ઝુનઝુનવાલાએ રારે એંટરપ્રાઇઝ (RaRe Enterprises) નામે એક કંપની બનાવી છે જે ટ્રેડિંગનું કામ સંભાળે છે. આ કંપનીનું નામમાં રા એટલે રાકેશ ઝુનઝુનવાલા અને રે એટલે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાના નામ પરથી બનેલી છે. આ ઉપરાંત તેમણે હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઇનમેન્ટ નામની કંપની પણ શરુ કરેલી છે જે મનોરંજન ક્ષેત્રે કાર્યરત છે.

થોડાં દિવસ પહેલાં જ PM સાથે કરી હતી મુલાકાત
વડાપ્રધાન મોદી અને રાકેશ ઝુનઝુનવાલાની 5 ઓક્ટોબરે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી વડાપ્રધાને ટ્વીટ કરીને રાકેશને વન એન્ડ ઓનલી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે મળીને ખૂબ જ ખુશી થઈ. સાથે જ ભારતીય શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનુઝુનવાલાનાં વડાપ્રધાન મોદીએ ખૂબ વખાણ પણ કર્યાં હતા. જોકે આ મુલાકાત સમયનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. આ મુલાકાત દરમિયાન રાકેશનું શર્ટ ખૂબ જ કરચલીવાળું જોવા મળ્યું છે અને એ ઉપરાંત તેઓ ખૂબ વિશ્વાસથી મોદી સાથે ઊભેલા દેખાયા. વડાપ્રધાન મોદીએ રાકેશ ઝુનઝુનવાલા સાથે મુલાકાત કરીને એ વિશે ટ્વીટ કરી જાતે જ લોકોને માહિતી આપી હતી.

આ તસવીર વાઇરલ થયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે રાકેશ ઝુનઝુનવાલાએ સાબિત કરી દીધું છે કે વ્યક્તિની ઓળખ કપડાંથી નથી થતી અને દુનિયાના કોઈપણ તાકાતવર વ્યક્તિને મળવા માટે આત્મવિશ્વાસ માટે કપડાંનું મહત્ત્વ નથી હોતું. જોકે સાચી વાત તો એ છે કે જો તમારી પાસે હજારો કરોડોની નેટવર્થ હોય તો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે. રાકેશ અને તેમનાં પત્ની રેખા ઝુનઝુનવાલાની મંગળવારે (5 ઓક્ટોબર) સાંજે થયેલી મુલાકાત પછી લોકો સોશિયલ મીડિયા પર તેમની ખૂબ મજા લઈ રહ્યા છે. કોઈએ કહ્યું, ભાઈ કોઈ આમના શર્ટને ઈસ્ત્રી કરાવી દો, તો કોઈએ એવું પણ ટ્વીટ કર્યું છે કે પીએમ મોદી જાણે રાકેશ ઝુનઝુનવાલા સામે ફેન બનીને ઊભા હોય એવું લાગે છે. જોકે સાચી વાત એ છે કે જ્યારે તમે લીનનનું શર્ટ પહેરો અને ટ્રાવેલ કરો છો ત્યારે એમાં થોડી કરચલી આવી જ જાય છે.