તેજી:અમદાવાદમાં સોનુ રૂ.900 વધી રેકોર્ડ રૂ.51000ની નજીક, વૈશ્વિક સ્તરે સોનુ 8 વર્ષની ટોચે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોરેક્સ માર્કેટમાં રૂપિયો નબળો પડશે તો સોનામાં તેજી જળવાશે

કોરોના મહામારીમાં સલામત રોકાણલક્ષી સાધનોમાં સોનાએ સર્વોત્તમ રિટર્ન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની ટોચે 1800 ડોલર ઉપર 1815 ડોલર પહોંચતા સ્થાનિકમાં અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ 900 વધી રૂ.51000ની સપાટી નજીક રૂ.50900ની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યું છે. જ્યારે ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ રૂ.1000 ઉછળી રૂ.50500 પહોંચી છે. કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત થતા હેજફંડ્સ, ગોલ્ડ ઇટીએફમાં વૈશ્વિક રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે જેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની નવી ઉચાઇ પર 1800 ડોલર ક્રોસ થયું છે. બૂલિયન એનાલિસ્ટોના મતે 1800 ડોલર ઉપર બંધ આવતા વધી 1830 ડોલર અને ત્યાર બાદ લોંગટર્મ 1900 ડોલર સુધી જઇ શકે છે.

સોનામાં સ્થાનિક બજારમાં છેલ્લા એક વર્ષમાં 50 ટકાની તેજી જોવા મળી છે. ગતવર્ષે જૂલાઇ માસમાં સોનું 34000-35000ની રેન્જમાં હતું જે વધીને આ વર્ષે અત્યારે રૂ.51000 પહોંચ્યું છે. સતત વધી રહેલી કિંમતના કારણે જ્વેલરીમાં ડિમાન્ડ ઘટી છે તેમજ ગોલ્ડની હાજર માંગની તુલનાએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણકારોનું બાઇંગ સતત વધી રહ્યું છે. 

સોનું 2020 અંત સુધીમાં 55,000 રૂપિયા થઇ શકે
બી ડી જ્વેલર્સના અશોક ચોક્સીએ જણાવ્યું કે, સોનામાં સતત તેજી છતાં રોકાણકારોની ડિમાન્ડ જળવાઇ રહી છે જેના કારણે વર્ષાન્ત 2020 સુધીમાં નવી ટોચ 55000 સુધી આંબી શકે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં 2000 ડોલરની આગાહી છે. તેજીનું કારણ સેફ બાઇંગ, દેશમાં કાયદેસર તેમજ ગેરકાયદે આયાત ઠપ, રોકાણકારોની માગ સામે ટ્રેડરોની મજબૂત પક્કડ કારણભૂત છે. તેજીમાં રિસાયકલમાં મોટા પાયે સોનું આવશે તેવી ધારણા પણ ખોટી પડતા તેજીને સપોર્ટ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...