વર્ષનો પહેલો મહિનો એટલે જાન્યુઆરીમાં સોનાની ચમક સતત વધી રહી છે, અને તેનું પરિણામ એ છે કે, એ સતત નવી હાઈ બનાવી રહ્યું છે. આજે મંગળવારે સોનાએ ફરીએકવાર નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA)ની વેબસાઈટ મુજબ, 24 જાન્યુઆરીએ બુલિયન બજારમાં સોનું 312 રૂપિયા મોંઘુ થઈને 57 હજાર 362 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ અગાઉ 20 જાન્યુઆરીએ સોનાએ છેલ્લી હાઈ બનાવી હતી, જે 57 હજાર 50 રૂપિયા હતી.
જાન્યુઆરીમાં અત્યાર સુધી 2400 રૂપિયા વધુ મોંઘુ થયું સોનુ
જાન્યુઆરી મહિનામાં અત્યારસુધી સોનું 2,427 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે. આ મહિનાની શરૂઆતમાં એ 54 હજાર 935 રૂપિયા પર હતું, જે હવે 57 હજાર 362 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આગામી દિવસોમાં 64 હજાર સુધી જઈ શકે છે.
આજે ચાંદીમાં ઘટાડી
ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. બુલિયન બજારમાં એ 267 રૂપિયા ઘટીને 68 હજાર 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે. 23 જાન્યુઆરીએ 68 હજાર 273 હજાર પર હતું.
2023માં 64,000 રૂપિયા સુધી જઈ શકે છે સોનાનો ભાવ
આર્થિક અનિશ્ચિતતા વચ્ચે RBI જેવા દુનિયાભરના કેન્દ્રીય બેંકોએ સોનાનો ભંડાર વધારી દીધો છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા મુજબ, કેન્દ્રીય બેંકોની જેમ સોનાની ખરીદી વધવી સકારાત્મક સંકેત છે. તેનાથી સોનાની કિંમતોને સપોર્ટ મળશે. અજય કેડિયાએ કહ્યું કે 2023માં સોનું 64,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
ઝવેરાત ખરીદવામાં દુનિયામાં બીજા નંબરે ભારતીય
ચીન(673 ટન) પછી દુનિયામાં સૌથી વધુ સોનાના ઝવેરાત ભારત(611 ટન)માં જ ખરીદાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા હતા. તેના પ્રમાણે, ભારતમાં ઝવેરાતોના વેચાણમાં સૌથી વધુ 60% ભાગીદારી બંગડીઓ અને ચેનની છે.
આ લિસ્ટમાં નેકલેસ ભલે 15-20% પાછળ હોય, પરંતુ વજનમાં તે સૌથી આગળ છે. બંગડીઓ અને ચેનનું વજન મોટભાગે 10થી 15 ગ્રામ રહે છે, ત્યારે મોટાભાગે નેકલેસ 30થી 60 ગ્રામનું હોય છે. સરેરાશ 3થી 7 ગ્રામ સુધી બનવાવાળી ઈયરિંગ્સ અને રિંગ્સની બજાર ભાગીદારી 10-20% છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.