સોનામાં સોનેરી તેજી:સોનાના ભાવ ~600 વધી અઢી વર્ષમાં સૌથી ટોચે, ચાંદીમાં ~1500નો વધારો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક મંદીના અહેવાલ, સેન્ટ્રલ બેન્કોની ખરીદી, ચીન-ભારતની માગમાં વૃદ્ધિની અસર
  • સોનું 58200ના રેકોર્ડ સ્તર તરફ કૂચ, દિવાળી સુધીમાં 60-62000 સુધી પહોંચી શકે

સેફહેવન ગણાતા સોનામાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થયો છે. નવું વર્ષ પણ વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ જળવાઇ રહેશે, ડોલર સામે રૂપિયામાં ઘસારો, ચીન-ભારતની માગમાં વૃદ્ધિ તેમજ સેન્ટ્રલ બેન્કોની ખરીદીના કારણે સોના-ચાંદીમાં નવી ઊંચી સપાટી ટૂંક સમયમાં જોવા મળશે તેવું બુલિયન એનાલિસ્ટોનું કહેવું છે.

અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ 600 વધી રૂ.57,000ની સપાટી કુદાવી 57,200 બોલાઇ ગયું છે જે તેની અઢી વર્ષની ઊંચી સપાટી છે. જ્યારે ચાંદીમાં ઝડપી 1500નો ઉછાળો થઇ 69,000ની સપાટી કુદાવી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1840 ડોલર અને ચાંદી 24.50 ડોલર ક્વોટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ફુગાવાથી હેજફંડ્સ-સેન્ટ્રલ બેન્કો સોના તરફ આકર્ષાતા સતત સુધારા તરફી ચાલ જોવા મળી છે. આ ઉપરાંત ચીન,રશિયા, યુરોપ અને જર્મનીમાં ફરી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થવાના કારણે વૈશ્વિક સ્તરે ઉભરતાં અર્થતંત્રોમાં રૂકાવટ આવશે તેવા અહેવાલે બજારને સપોર્ટ મળી રહ્યો છે.

બુલિયન એનાલિસ્ટોના મતે રૂપિયો ઘસાઇ 83ની સપાટીએ પહોંચ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં આંતરરાષ્ટ્રીય બજારોની તુલનાએ કિંમતો ઝડપી વધી છે. સોના-ચાંદી સાથે પ્લેટિનમ 1075 ડોલર અને પેલેડિયમ 1790 ડોલર ક્વોટ થઇ રહ્યા છે.

તેજીનાં પાંચ મુખ્ય કારણ

  • 2023ના પહેલા છ માસ વૈશ્વિક સ્તરે રિસેશનનો માહોલ જળવાશે તેની અસર.
  • ડોલર સામે રૂપિયામાં સતત ઘસારો, રૂપિયો ઘટી 86 થશે તો તેજીને વેગ મળશે.
  • ચીન-ભારતની સતત વધતી માગ, દેશમાં જ્વેલરીની માગમાં ઝડપી વૃદ્ધિ.
  • સેન્ટ્રલ બેન્કોની ખરીદી વધશે, ગોલ્ડ ઇટીએફ-SPDR ટ્રેડેડ ફંડની વધી રહેલી માગ.
  • 5જી ટેક્નોલોજી, ઇન્ડસ્ટ્રિયલ માગ તેમજ ચાંદીનો સ્ટોક તળિયે પહોંચતા ચાંદીમાં તેજી.

ચાંદીમાં 63,000ના ભાવે નવું રોકાણ ફળદાયી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના કરતાં ચાંદીમાં ઝડપી તેજીના ફંડામેન્ટલ બની રહ્યા છે. 5-જી ટેક્નોલોજી તેમજ અન્ય ટેક્નોલોજી તથા ઇન્ડસ્ટ્રિયલ સેગમેન્ટમાં ચાંદીની માગ ઝડપભેર વધી રહી છે. લંડન મેટલ એક્સચેન્જ ખાતે ચાંદીનો સ્ટોક તળિયે પહોંચ્યો છે, સિલ્વર ઇટીએફમાં રોકાણકારોની એન્ટ્રીથી સપોર્ટ મળશે. ચાંદી નીચામાં 63,000ના ભાવે રોકાણ કરવું વળતરદાયી સાબિત થઇ શકે. સરેરાશ 30 ટકા વાર્ષિક રિટર્ન આપી શકે છે.

દિવાળી સુધી 62 હજાર થઈ શકે
સોનું સ્થાનિક બજારમાં દિવાળી સુધીમાં પ્રતિ 10 ગ્રામ રૂ.60-62,000ની નવી ટોચ અને ચાંદીમાં વર્ષાન્ત સુધીમાં 90,000નું સ્તર જોવા મળે તેવા ફંડામેન્ટલ વૈશ્વિક સ્તર પર બની રહ્યા છે. - અજય કેડિયા, કેડિયા કોમોડિટીઝ લિ.

સોનામાં 53,000નો ભાવ નવી ખરીદી માટે ઉત્તમ | સોનાની ખરીદી માટે હવે ઝડપી ઘટાડાના સંકેતો નહિંવત્ છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યું હોવાથી એકાદ પ્રોફિટબુકિંગ આવી શકે છે અને સોનું ઘટી રૂ.53,000-52,500 સુધી પહોંચી શકે. આ સમય નવા રોકાણકારો તેમજ ખરીદનાર ગ્રાહકો માટે ઉત્તમ સમય સાબિત થશે તેવું એનાલિસ્ટોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...