કોરોના વાયરસના કારણે આવેલી આર્થિક મંદીના કારણે વૈશ્વિક સ્તરે સોનામાં રોકાણ વધ્યું છે. ભારત સહિત દુનિયાભરના દેશોએ વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. તેના પગલે સોનામાં રોકાણ વધુ થઇ રહ્યું છે અને તેની અસર રૂપે સ્થાનિક બજારમાં ઘરેણા માટે બહુ ખાસ માગ ન હોવા છતાં ભાવ એકધારા વધી રહ્યા છે. વીતેલા એક સપ્તાહમાં અમદાવાદમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 2500 વધીને રૂ. 58,000ના ઐતિહાસિક સ્તરે પહોચી ગયા છે. સોનાના જાણકારોના મતે જો આ રીતે તેજી જળવાઈ રહેશે તો ટૂંક સમયમાં સોનું રૂ. 60,000 થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2060 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોચ્યું છે.
સલામતી માટે સોનામાં રોકાણ વધ્યું
કેડિયા કોમોડિટીઝના જણાવ્યા પ્રમાણે અત્યારે ભારત અને વૈશ્વિક સ્તરે અર્થતંત્રની હાલત ખરાબ છે. શેર બજારમાં રિટર્ન સામે સોનામાં વીતેલા 6-8 મહિનામાં 35%થી વધુ રિટર્ન મળ્યું છે. આર્થિક પરિસ્થિતિ ક્યારે સુધારશે તે નિશ્ચિત નથી તેના કારણે કિમતી ધાતુઓમાં રોકાણ વધ્યું છે. જોકે હાલના સ્તરે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. પરંતુ સોનામાં આગામી દિવસોમાં તેજી તરફી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે.
એક સપ્તાહમાં સોનું 4.50% વધ્યું
અમદાવાદ હાજર બજારમાં સોનાનો ભાવ સતત વધતો જોવા મળ્યો છે. જવેરી બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે 31 જુલાઈએ સોનું રૂ. 55,500 હતું જે આજે 7 ઓગસ્ટે રૂ. 58,000 પ્રતિ દસ ગ્રામ થયું છે. આ રીતે એક સપ્તાહમાં જ સોનાના ભાવમાં 4.50%નો વધારો થયો છે.
MCX પર સોનું નવી ઉંચાઈએ ટ્રેડ થયું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે શુક્રવારે સોનાનો વાયદો ખુલતાની સાથે જ રૂ. 685 વધ્યો હતો અને થોડી જ વારમાં રૂ. 56191 પ્રતિ 10 ગ્રામની નવી સપાટી બનાવી હતી. એન્જલ બ્રોકિંગના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ કહ્યું કે, આગામી દિવસોમાં સોનાના ભાવ રૂ. 60,000 સુધી જી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.