છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવનો ટ્રેન્ડ આશ્ચર્યજનક છે. દુનિયાભરમાં મોંઘવારી ઝડપથી વધવા છતાં સોનાની કિંમતોમાં ઉછાળો નથી આવતો. હાલ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 51 હજારની આસપાસ છે. પરંપરાગત રીતે મોંઘવારી વધતા સોનાનું મૂલ્ય પણ વધે છે. તેનાથી મોંઘવારીના કારણે નુકસાન ભરપાઈ થઈ જાય છે. એટલે દુનિયાભરમાં સોનું મોંઘવારીથી બચવાનું સાધન એટલે કે હેજિંગ ટૂલ પણ ગણાય છે. પરંતુ આ વખતે સોનામાં ભાવવધારાનો ટ્રેન્ડ નથી.
વર્ષ 2020માં વૈશ્વિક મોંઘવારી દર 3.18% હતો, જે 2022માં બમણાથી પણ વધુ 7%ને પાર થઈ ગયો. અમેરિકા, યુરોપ અને બ્રિટનમાં મોંઘવારી દર 40 વર્ષના સૌથી ઊંચા સ્તરે છે આમ છતાં, સોનાની કિંમત ના ફક્ત સ્થિર છે, પરંતુ 2020ના ઉચ્ચતમ સ્તરથી 10% નીચે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે, આ વર્ષે સોનું પ્રતિ ઔંસ 1,850 ડૉલર (પ્રતિ 28.35 ગ્રામે રૂ. 1.44 લાખ)થી ઉપર નહીં જાય. એટલે કે સોનામાં 3.17% ની તેજીની શક્યતા છે. એપ્રિલમાં ભારતમાં મોંઘવારી દર આઠ વર્ષના ઊંચા સ્તર 7.79% પર પહોંચ્યો, જે એપ્રિલ 2021માં 4.23% હતો, પરંતુ સોનાની કિંમત ફક્ત 5% વધી. 2020થી 2021 સુધી સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામે રૂ. 48,600થી 48,700 વચ્ચે રહી. એમ.કે. વેલ્થ મેનેજમેન્ટના રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામે રૂ. 51,500થી વધુ થવાની શક્યતા છે, જે હાલ રૂ. 51,170ની આસપાસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.