ગુજરાત મેરિટાઇમ બોર્ડે (GMB) શિપિંગ અને મેરિટાઇમને લગતી કામગીરી એક જ સ્થળ પર કરી શકાય અને સેક્ટર માટે વન સ્ટોપ સોલ્યુશન ઈકોસીસ્ટમ બનાવવા માટે ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે ભારતનું પહેલું ઇન્ટરનેશનલ મેરીટાઇમ સર્વિસિસ ક્લસ્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે.
મેરિટાઇમ સેક્ટરમાં વેલ્યુંચેઇન મજબૂત બનશે
GMBના વાઇસ-ચેરમેન અને સીઇઓ અવંતિકા સિંઘે કહ્યું કે, ભારતમાં આ પ્રથમ પ્રકારનું કમર્શિયલ મેરીટાઇમ સર્વિસિસ ક્લસ્ટર બનશે, જેની કલ્પના મેરીટાઇમ સેક્ટરમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવા અને આત્મનિર્ભર બનાવવા તથા સમગ્ર મેરીટાઇમ ઉદ્યોગને વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરવા માટે કરાઇ છે. મજબૂત મેરીટાઇમ સમુદાયની રચના કરવા અને તેની વેલ્યુ ચેઇનને મજબૂત કરવા માટે ગિફ્ટ સિટી અનુકૂળ માહોલ પૂરો પાડે છે. ગિફ્ટ સિટી અદ્યતન માળખાકીય અને વિશ્વ-સ્તરીય બેંકિંગ સુવિધાઓ અને સંસ્થાઓ ધરાવે છે, જે ક્લસ્ટર માટે ઇનોવેશનને બળ આપવામાં, આર્થિક સદ્ધરતા, સહયોગ અને વ્યવસાયિક તકો માટે લાભદાયી બની રહેશે.
ભારતની શાખ અને આર્થિક સદ્ધરતાને બળ આપશે
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રેએ કહ્યું કે, મેરીટાઇમ ક્લસ્ટરની સ્થાપના આ ક્ષેત્રમાં ભારતની શાખ અને આર્થિક સદ્ધરતાને બળ આપવાની દિશામાં ખૂબજ આવશ્યક પગલું છે. અમને ખુશી છે કે ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ મેરીટાઇમ ક્લસ્ટર આકાર લેશે, જેનાથી ભારતની મેરીટાઇમ સંભાવનાઓને સાકાર કરવામાં મદદ મળશે. ભારતના પ્રથમ આઇએફએસસી હોવા તરીકે ગિફ્ટ સિટી વિશિષ્ટ ઓળખ ધરાવે છે તેમજ આ સંસ્થાઓને સામેલ કરવાથી અમારા મૂલ્ય દરખાસ્તમાં વધારો થશે. ગિફ્ટ સિટી સંકલન અને નવીનતા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડને અનુકૂળ ઇકોસિસ્ટમ પ્રદાન કરશે.
સેક્ટરના તમામ ભાગીદારો એક સ્થળ પર આવી જશે
આ ક્લસ્ટર મેરીટાઇમ ઉદ્યોગના વિવિધ હિસ્સેદારો જેમકે પ્રમુખ નિયામકો/સરકારી એજન્સીઓને સાંકળીને ક્લસ્ટરના સદસ્યો, મેરીટાઇમ/શિપિંગ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન્સ અને બિઝનેસિસ, ઇન્ટરમિડિએટ સર્વિસિસ પ્રોવાઇડર્સ જેમકે શિપિંગ ફાઇનાન્સ, મેરીટાઇમ ઇન્સ્યોરન્સ, મેરીટાઇમ આર્બિટ્રેટર્સ, મેરીટાઇમ લો ફર્મ વગેરે માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તથા મેરીટાઇમ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ વગેરે જેવા સર્વિસ પ્રોવાઇડર્સને સહયોગ કરવા માગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.