• Gujarati News
  • Business
  • Glenmark Farm's Antiviral Drug Approved For Corona Patients With Normal And Moderate Symptoms

કોવિડ-19:ગ્લેનમાર્ક ફાર્માની એન્ટી વાયરલ દવા હળવા અને મધ્યમ લક્ષણો વાળા કોરોનાના દર્દીઓના ઇલાજમાં ઉપયોગમાં લઇ શકાશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કોરોના પેશન્ટને દવા આપતા પહેલા તેની સહમતી લેવી પડશે
  • ડ્રગ રેગ્યુલેટર તરફથી દવાના ઉત્પાદન અને માર્કેટિંગની મંજુરી મળી

કોરોના વાયરસ સામેની લડતની વચ્ચે હવે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની દવાનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સને સરકારના ડ્રગ રેગ્યુલેટર તરફથી તેની મંજૂરી પણ મળી ગઈ છે. કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓને હવે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સથી દવા આપી શકાય છે. ગ્લેનમાર્ક ફાર્માએ જણાવ્યું કે, કંપનીએ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર માટે એન્ટિવાયરલ ડ્રગ ફાવિપિરાવીરને ફેબીફ્લૂ બ્રાંડ નામથી રજૂ કરાઈ છે. ગ્લેનમાર્કને 19 જૂને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાવિપિરાવીર અથવા ફેબીફ્લુના ઉત્પાદન અને માર્કેટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.

એક ટેબ્લેટની કિમત 103 રૂપિયા
કંપનીએ જણાવ્યું હતું કે, હળવાથી મધ્યમ લક્ષણો દર્શાવતા દર્દીઓ ફેબીફ્લૂના ઉપયોગથી લાભ મેળવી શકે છે. આ દવાની કિમત 200 મિલિગ્રામ માટે રૂ. 103 પ્રતિ ટેબ્લેટ રાખવામાં આવી છે. જયારે 34 ટેબલેટ્સની એક સ્ટ્રીપનો ભાવ રૂ. 3500 નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દવા હોસ્પિટલ અને મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શનના આધારે ઉપલબ્ધ રહેશે. ભલામણ કરવામાં આવતી માત્રા 1 દિવસમાં દરરોજ બે વાર 1800 મિલિગ્રામ છે, ત્યારબાદ રોજની 800 મિલિગ્રામ બે વાર 14 દિવસ માટે લેવાની ભલામણ કરવામાં આવી છે.

ક્લિનિકલ ટ્રાયલમાં સારા પરિણામો મળ્યા
ગ્લેનમાર્ક ફાર્માના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ગ્લેન સેલ્ડન્હાએ જણાવ્યું હતું કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ફેબીફ્લૂએ હળવાથી મધ્યમ COVID-19 દર્દીઓમાં પ્રોત્સાહક પ્રતિસાદ દર્શાવ્યો છે. તદુપરાંત, તે મૌખિક રીતે આપવામાં આવે છે, તેથી તે નસોમાં અપાતી અન્ય દવાઓ કરતાં વધુ અનુકૂળ સારવાર વિકલ્પ છે. ગ્લેનમાર્ક સરકાર અને તબીબી સમુદાય સાથે મળીને કામ કરશે, જેથી ફેબીફ્લૂ દેશભરના દર્દીઓ માટે ઝડપથી સુલભ બને.

કોરોનાથી હેલ્થકેર સિસ્ટમ પર દબાણ વધ્યું
ગ્લેન સેલ્ડન્હાએ જણાવ્યું હતું કે, આ મંજુરી એવા સમયે મળી છે જયારે ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને આના કારણે આપણી હેલ્થકેર સિસ્ટમ પર દબાણ ખુબા જ વધી ગયું છે. અમને આશા છે કે ફેબીફ્લૂ જેવી અસરકારક ટ્રીટમેન્ટથી આ દબાણ ઘટાડવા મદદ મળશે અને દર્દીઓને સમયસર ઈલાજ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...