નિકાસ ઘટી:દેશમાં જેમ્સ & જ્વેલરીની નિકાસ 11.25% ઘટી19432 કરોડ નોંધાઇ

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ-ડિસેમ્બર, 2022માં કુલ નિકાસ 6.28%ની વૃદ્ધિ

દેશમાં ગત ડિસેમ્બર દરમિયાન સતત વધતી કિંમતોને કારણે રોજીંદા ખર્ચમાં થયેલા વધારા તેમજ USમાં મંદીના તોળાતા ખતરાની આશંકા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 11.25% ઘટી રૂ.19,432 કરોડ નોંધાઇ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અનુસાર ડિસેમ્બર, 2021 દરમિયાન એકંદરે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ રૂ.21,896 કરોડ હતી.

જ્યારે એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન કુલ નિકાસ 6.28%ની વૃદ્ધિ સાથે રૂ.2,27,534.50 કરોડ નોંધાઇ હતી જે ગત વર્ષના સમાન સમયગાળા દરમયિાન રૂ. 2,14,087.94 કરોડ રહી હતી. જો કે, US ડોલરની દૃષ્ટિએ નિકાસમાં આંશિક 0.73%નો ઘટાડો જોવા મળ્યો હતો.

GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે એપ્રિલ-ડિસેમ્બર, 2022 દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં પોઝિટિવ ટ્રેન્ડ નોંધાયો હતો પરંતુ ડિસેમ્બરમાં ફુગાવાની દૃષ્ટિએ ઇન્ડસ્ટ્રીએ કેટલાક વૈશ્વિક પડકારો તેમજ USમાં મંદીના તોળાતા ખતરાને કારણે નિકાસમાં ઘટાડો નોંધાવ્યો હતો. જો કે ભારતીય નિકાસકારો આ પડકારો વચ્ચે પણ સારું પરફોર્મ કરવામાં સક્ષમ રહ્યા હતા. ભારત-UAE CEPAની શરૂઆતને કારણે પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. જેને કારણે US અને હોંગકોંગમાં નિકાસને વેગ મળ્યો છે.

પોલિશ્ડ ડાયમંડની નિકાસ 21.50 ટકા ઘટી
ડિસેમ્બર, 2022 દરમિયાન દેશમાંથી કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 21.50% ઘટી રૂ. 10,472.92 કરોડ નોંધાઇ હતી જે ડિસેમ્બર, 2021 દરમિયાન રૂ.13,341 કરોડ નોંધાઇ હતી. યુક્રેન-રશિયા યુદ્વને કારણે CPD નિકાસને અસર થઇ છે, જેમાં 40 ટકાનો ઘટાડો થયો છે. માર્ચ 2022થી છ મહિના દરમિયાન રશિયાથી રફ હીરાની આયાત ઘટવાને કારણે નિકાસને અસર થઇ છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા 6 મહિનામાં આયાત ઘટવાને કારણે એકંદરે CPDની નિકાસ માં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...