સંપત્તિ સર્જનમાં અગ્રેસર:ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડ્યા, બન્યા એશિયાના સૌથી શ્રીમંત બિઝનેસમેન

5 દિવસ પહેલા
(ફાઈલ ફોટો)
  • માર્કેટ કેપિટલાઈઝેશનની બાબતમાં રિલાયન્સ ગ્રુપ આગળ છે
  • BSE ખાતે રિલાયન્સના શેરની કિંમત 1.48 ટકા ગગડી રૂપિયા 2,350.90 થઈ હતી

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. તેમણે નેટવર્થની બાબતમાં મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. આ સિદ્ધિ ગૌતમ અદાણીએ પ્રથમ વખત હાંસલ કરી છે.

બુધવારે અદાણી ગ્રુપની કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 10 લાખ કરોડ થઈ ગયું છે. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કટ કેપ રૂપિયા 14.91 લાખ કરોડ પર આવી ગયું છે. માર્કેટ કેપની બાબતમાં રિલાયન્સ આગળ છે. જોકે ગૌતમ અદાણી તેમની કંપનીઓમાં હિસ્સેદારી રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં અદાણીની હિસ્સેદારીની તુલનામાં ઘણી વધારે છે. આ સંજોગોમાં તેઓ અંબાણી કરતા વધારે શ્રીમંત બની ગયા છે.

માર્કેટ કેપિટલાઈઝેશનની ગણતરી શેરની વર્તમાન કિંમત અને શેરની કુલ સંખ્યાના ગુણાંકના આધારે છે. જ્યારે વ્યક્તિ અથવા કોર્પોરેશનની સંપત્તિ પૈકી દેવાની સ્થિતિને ઘટાડ્યા બાદ આવેલ વેલ્યૂને નેટવર્થ કહેવામાં આવે છે.

સાઉદી અરામકો સાથે ડીલ તૂટતા રિલાયન્સના શેરોમાં ઘટાડો થયો
સાઉદી અરામકો સાથે 15 અબજ ડોલરની ડીલ તૂટ્યા બાદ રિલાયન્સના શેરોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો બુધવારે પણ આગળ વધ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે રિલાયન્સના શેરની કિંમત 1.48 ટકા ગગડી રૂપિયા 2,350.90 થઈ હતી. તેને લીધે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 22,000 કરોડનું ધોવાણ થયું હતું.

રિલાયન્સ હજુ પણ સૌથી મૂલ્યવાન કંપની
રિલાયન્સના શેરની કિંમતોમાં ભારે ઘટાડા વચ્ચે તેનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 14.91 લાખ કરોડ આવી ગયું હતું. જોકે હજુ પણ ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. મુકેશ અંબાણીની માલિકી ધરાવતી અન્ય એક કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરની કિંમત 1.57 ટકા ઘટી રૂપિયા 613.85 આવી ગઈ છે. આ ઘટાડા બાદ તેનું માર્કેટ કેપ રૂપિયા 926.91 કરોડ થઈ ગયું છે.

અદાણીનું નેટ માર્કેટ કેપ રૂપિયા 4,250 કરોડ વધ્યું
અદાણી ગ્રુપની કંપનીમાં બુધવારે કુલ માર્કેટ કેપમાં રૂપિયા 12,000 કરોડ અને ચોખ્ખા માર્કેટ કેપમાં રૂપિયા 4,250 કરોડનો ઉમેરો થયો છે. આ સાથે જ ગૌતમ અદાણી એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. બુધવારે બજારમાં અદાણી એન્ટરપ્રાઈસિસના શેર 2.76 ટકા વધી રૂપિયા 1754.65 થયા છે. તેને લીધે કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 1,92,978.18 કરોડ થયું છે.

  • અદાણી પોર્ટના શેર 4.59 ટકા વધી રૂપિયા 762.75 રહ્યા હતા. આ સાથે કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 1,55,734.63 કરોડ થઈ ગયું છે.
  • અદાણી પાવરનો શેર રૂપિયા 105.95 પર બંધ થતા તેનું માર્કેટ કેપ રૂપિયા 40,864.27 કરોડ થયું છે.
  • અદાણી ટ્રાન્સમિશનના શેરનો ભાવ 0.85 ટકા ગગડી રૂપિયા 192.45, અદાણી ગ્રીન એનર્જી 1.37 ટકા ઘટી રૂપિયા 1387.7 અને અદાણી ટોટલ ગેસના શેરનો ભાવ 1.58 ટકા ઘટી 1,648.35 રહ્યો હતો.