ભારતીયોની સેવિંગ્સ પેટર્ન બદલાઇ...:પહેલીવાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની સંખ્યા FD કરતાં વધારે

નવી દિલ્હી/મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 35 વર્ષથી વધુ ઉંમરના લોકોને એફડી પર વિશ્વાસ, 34 વર્ષથી નાની વયનામાં મ્યુચ્યુઅલ ફંડ લોકપ્રિય
  • સરવે રિપોર્ટમાં ખુલાસો... મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા 65% લોકો ઉત્તરનાં રાજ્યોમાં, દક્ષિણનાં ફક્ત 46%

દેશમાં પહેલીવાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાની સંખ્યા એફડી કરાવનારાથી વધુ થઇ ગઇ છે. બેન્ક બાજારના તાજા સરવેમાં સામેલ 57% લોકોએ સ્વીકાર્યું છે કે તેમણે આ વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે, જ્યારે 54% લોકોએ એફડીમાં બચત કરી છે અને 20%થી વધુ લોકોએ બંને વિકલ્પ પસંદ કર્યા છે. એફડી કરાવનારામાં મોટા ભાગના લોકોની ઉંમર 35 વર્ષથી વધુ છે, જ્યારે મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા મોટા ભાગના 22થી 34 વર્ષના છે.

આ સરવેમાં સામેલ 35 વર્ષથી વધુ ઉંમરના 67% લોકોએ એફડી કરાવવાનું પસંદ કર્યું છે, તો 22થી 27 વર્ષના 59% નોકરિયાત યુવાનોએ મ્યુચ્યુઅલ ફંડને પ્રાથમિકતા આપી છે. સરવેમાં એ પણ જાણવા મળ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ પર વિશ્વાસ કરનારા 67% લોકો પૂર્વોત્તર રાજ્યના છે. 65% લોકો પંજાબ, હરિયાણા, દિલ્હી જેવાં ઉત્તરી રાજ્યોના છે, તો સૌથી ઓછા 46% દક્ષિણના રાજ્યોના છે.

આ પણ પહેલીવાર... મહિલાઓ SIP થકી રોકાણમાં પુરુષોથી આગળ
આ સરવે પ્રમાણે, મહિલાઓની સેવિંગ્સ પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે. આ ફેરફાર કોરોના કાળમાં શરૂ થયો છે. આ વર્ષે રોકાણ કરનારી 60% મહિલાઓએ કહ્યું છે કે તેઓ એસઆઈપી થકી રોકાણ કરે છે, જ્યારે એસઆઈપી થકી રોકાણ કરનારા પુરુષોની સરેરાશ 55% છે. ત્રણ વર્ષ પહેલાં સુધી એસઆઈપીથી રોકાણ કરનારી મહિલાઓની સરેરાશ 40%થી ઓછી હતી.

બીજી તરફ, એ ટ્રેન્ડ પણ યથાવત્ છે કે, શેરબજારમાં રોકાણ કરનારા પુરુષો હજુ પણ મહિલાઓથી વધુ છે. 48% પુરુષોએ માન્યું છે કે, તેમણે શેરબજારમાં રોકાણ કર્યું છે, જ્યારે આવું કરનારી મહિલાઓની સરેરાશ 41% છે. આ રીતે રોકાણ કરનારી 34% મહિલાઓએ કહ્યું છે કે તેમણે આ વખતે ક્રિપ્ટોમાં પણ રોકાણ કર્યું છે.

  • નિવૃત્તિ ફંડને લઇને પણ સૌથી સાવધ નોકરિયાત મહિલાઓ જ છે. નોકરી કરનારી 68% મહિલાઓ નિવૃત્તિ ફંડ માટે બચત કરે છે, જ્યારે આવું કરનારા નોકરિયાત પુરુષો 54% છે.
અન્ય સમાચારો પણ છે...