વૈશ્વિક સ્તરે મોંઘવારી ધીમી ગતિએ કાબુમાં આવી રહી છે. ગયા મહિને સમગ્ર વિશ્વમાં ખાદ્ય પદાર્થોના ભાવ સતત નવમા મહિને ઘટ્યા હતા. તેમ છતાં 2022માં કિંમતો 2021ની તુલનામાં 14.3% વધુ હતી. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની ખાદ્ય સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા રિપોર્ટમાંથી આ માહિતી સામે આવી છે.
ફાઓનો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ વિશ્વમાં સૌથી વધુ વેપાર થતી ખાદ્ય ચીજોના ભાવને ટ્રેક કરે છે. ડિસેમ્બરમાં તે 1.93% ઘટીને 132.4 થઈ ગયો. નવેમ્બરમાં તે 135 પર હતો. 2022માં સમગ્ર વર્ષ માટે આ બેન્ચમાર્ક ઇન્ડેક્સની સરેરાશ 143.7 હતી. જે 2021ની સરખામણીમાં 14.3% વધુ છે. ફાઓના ખાદ્ય ભાવ સૂચકાંકમાં માંસાહારી, ડેરી, અનાજ, ખાદ્યતેલ અને ખાંડના સરેરાશ ભાવનો સમાવેશ થાય છે.
ખાદ્યતેલના ભાવમાં ઝડપી ઘટાડો
ફાઓના અહેવાલ મુજબ ખાદ્યતેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઝડપી ઘટાડો થયો હતો. અનાજ અને માંસાહારીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો થયો હતો. આ ઉપરાંત બીજી તરફ ડેરીના ભાવમાં નજીવો વધારો થયો હોવાનું અહેવાલમાં દર્શાવાયું છે.
યુક્રેન યુદ્ધની અસર ઓછી થઈ
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે બ્લેક સીમાં સસ્તા આંતરરાષ્ટ્રીય વેપારમાં વિક્ષેપ પડ્યા બાદ ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો હતો. જોકે,તાજેતરના મહિનાઓમાં યુક્રેનથી યુએન-સમર્થિત અનાજની નિકાસ ચેનલને કારણે ભાવમાં ઘટાડો થયો છે. તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.