વૈશ્વિક સ્તરે તાજેતરમાં યુએસમાં બે બેન્કો નાદાર થવાની ઘટનાઓની સાથે સાથે કેટલાક અન્ય પરિબળોને કારણે ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકોએ નાણાકીય, કોર્પોરેટ તેમજ બચત ખાતાને લગતી યોજના બનાવવામાં વધુ સતર્કતા રાખવી પડશે તેવું મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંથા નાગેશ્વરને જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો વૈશ્વિક વૃદ્ધિદર અંગેનો અંદાજ હવે ધ્યાનમાં રાખવાને બદલે યુએસમાં બનનારી ઘટનાઓથી વ્યાજદરો, સપ્લાય ચેઇનને થનારી અસરો પર દરેક દેશોએ ધ્યાન આપવું પડશે.
અમેરિકામાં ગત સપ્તાહે સિગ્નેચર બેન્ક અને ન્યૂયોર્ક બેન્કે નાદારી નોંધાવી હતી. તે ઉપરાંત, ગત સપ્તાહે સિલિકોન વેલી બેન્કને તાળા લાગતાં અનેક સ્ટાર્ટઅપ્સ, ટેક કંપનીઓ, ઉદ્યોગસાહસિકો અને VC ફંડ્સ ચિંતામાં મૂકાયા હતા. ક્રિસિલ ઇન્ડિયા આઉટલૂક સેમિનારને સંબોધિત કરતા નાગેશ્વરને જણાવ્યું હતું કે અનિશ્વિતતાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને છેલ્લા કેટલાક સપ્તાહથી તેની તીવ્રતા વધી છે. આગામી કેટલાક વર્ષો દરમિયાન અનેક દેશોએ આ અનિશ્વિતતા સાથે રહેવાની આદત પાળવી પડશે.
ભારત પર અસર વિશે અત્યારે કહી ન શકાય
અમેરિકામાં 2 બેન્કે નોંધાવેલી નાદારી બાદ તેની ભારત પર શું અસર થશે તે અંગે અત્યારે કંઇ જ કહી શકાય નહીં. તેની ખાસ કરીને વૈશ્વિક માંગ, ઇંધણની માંગ, યુએસમાં વ્યાજદરોને લઇને સકારાત્મક અસર જોવા મળી શકે છે. તે પ્રકારની પ્રતિક્રિયા આપણા માટે સકારાત્મક રહેશે, પછી ભલે તે નિકાસ વૃદ્ધિ પર થનારી અસર હોય. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશનો આર્થિક વૃદ્ધિદર 7 ટકાની આસપાસ રહેવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.