વૈશ્વિક માંગમાં મંદીને કારણે છેલ્લા બે વર્ષમાં પહેલી વાર ભારતની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. દેશની નિકાસ ઑક્ટોબરમાં 16.65 ટકા ઘટીને 29.78 અબજ ડોલર નોંધાઇ છે. વેપાર ખાધ પણ વધીને 26.91 અબજ ડોલર નોંધાઇ છે. ઑક્ટોબરમાં જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, ફાર્મા, મરિન પ્રોડક્ટ્સ અને લેધરમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો.
દેશમાં ઑક્ટોબરમાં નિકાસથી વિપરીત આયાત 6 ટકા વધીને 56.69 અબજ ડોલર રહી હતી. ક્રૂડ ઓઇલ, કોટન, ફર્ટિલાઇઝર તેમજ મશિનરીની આયાતમાં વધારાને કારણે કુલ આયાતમાં વૃદ્વિ જોવા મળી હતી. એપ્રિલ-ઓક્ટોબર 2022માં નિકાસ 12.55 ટકા ઘટીને 263.35 અબજ ડોલર જ્યારે આયાત 33 ટકા વધીને 436.81 અબજ ડોલર રહી હતી.
એપ્રિલ-ઓક્ટોબર 2022માં વેપાર ખાધ 173.46 અબજ ડોલરનો અંદાજ હતો જે અગાઉ 94.16 અબજ ડોલર રાખવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2021માં વેપાર ખાધ 17.91 અબજ ડોલર હતી. જ્યારે નવેમ્બર 2020 દરમિયાન પણ નિકાસમાં 8.74 ટકાનો ઘટાડો થયો હતો. વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારોને કારણે માગને અસર થઇ છે અને તેને કારણે દેશની નિકાસને પણ અસર થઇ છે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને (WTO) વૈશ્વિક વેપાર વૃદ્વિ વર્ષ 2022માં 3.5 ટકા વધશે પરંતુ વર્ષ 2023માં માત્ર 1 ટકા વધશે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો. વૈશ્વિક વ્યાપરમાં ભારતનું માર્કેટ શેર 1.8 ટકા છે જ્યારે વૈશ્વિક સેવામાં માર્કેટ શેર 4 ટકા છે અને તેમાં ભવિષ્યમાં વધારો થઇ શકે છે. WTOના અનુમાનથી આપણે ચિંતા કરવાની જરૂર નથી.
યુએસ અને યુરોપમાં સખત નીતિગત પગલાંથી વૈશ્વિક સ્તરે માગ પ્રભાવિત થઇ છે. નિષ્ણાતોના મતે સ્થાનિક વપરાશમાં વધારાની સાથે અર્થતંત્રમાં વૃદ્વિથી આયાત વધી છે જેમાં ખાસ કરીને કાચા માલ, કેપિટલ ગૂડ્સ અને અન્ય પ્રોડક્ટ્સની આયાતમાં વૃદ્વિ થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.