ભારતની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસે રશિયામાંથી પોતાનો બિઝનેસ સમેટવાનો નિર્ણય લીધો છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ જોવા મળી રહેલા વૈશ્વિક દબાણને કારણે અનેક કંપનીઓ હવે રશિયામાંથી પોતાનો બિઝનેસ સમેટી રહી છે અને હવે આ યાદીમાં ભારતની કંપની પણ સામેલ થઇ છે. જોકે ઇન્ફોસિસનું બિઝનેસ સમેટવાનું કારણ બીજું છે.
વાસ્તવમાં, કંપનીના સંસ્થાપક એન.આર. નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ અને જમાઇ ઋષિ સુનકને લઇને બ્રિટનમાં સવાલ ઊઠી રહ્યા હતા. સુનક બ્રિટનના નાણામંત્રી છે. રશિયાના હુમલા બાદ સુનકે કંપનીઓને રશિયાનો બહિષ્કાર કરવાનું આહવાન કર્યું હતું. આ પછી રશિયામાં ચાલી રહેલા ઇન્ફોસિસના કારોબારને લઇને બ્રિટનમાં અનેક સવાલો ઊઠી રહ્યા હતા.
અક્ષતાની પાસે ઇન્ફોસિસની અંદાજે 0.93% હિસ્સેદારી છે, જેનું મૂલ્ય અત્યારે અંદાજે 7,600 કરોડ રૂપિયા છે. સુનક પર અક્ષતાની ઇન્ફોસિસમાં હિસ્સેદારી મારફતે રશિયાથી આર્થિક લાભ કમાવાનો આરોપ છે. બ્રિટનના વિરોધપક્ષો તેમના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. આ વિવાદને સમાપ્ત કરવા માટે ઇન્ફોસિસે આ પગલું ભર્યું છે. આ પહેલાં ઓરેકલ કૉર્પ અને સેપ એસઇ જેવી વૈશ્વિક આઇટી કંપનીઓએ પણ રશિયામાંથી પોતાનો ધંધો સંકેલી લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.