દેશમાં સતત યુટિલિટી (SUV) કારની માંગ અને વેચાણ વધી રહ્યું છે. જ્યારે બીજી તરફ એન્ટ્રી લેવલ કારની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે 1 એપ્રિલથી ઉત્સર્જનને લઇને નવા નિયમો લાગૂ થશે ત્યારે તેની પહેલા આ વાહનોની ઇન્વેન્ટરી ક્લિયર થાય તે ખૂબ જ આવશ્યક છે. જેને કારણે એવો ઘાટ સર્જાયો છે કે મોટા ભાગની કાર ઉત્પાદક કંપનીઓ અને ડીલર્સ કારના વેચાણને વેગ આપવા માટે તેના પર ભારે ભરખમ ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છે.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી પાસે સૌથી વધુ એન્ટ્રી લેવલ કાર છે. ડિસેમ્બરમાં મારૂતિની અલ્ટો તેમજ એસ-પ્રેસો જેવી મિની કારનું વેચાણ ગત વર્ષની તુલનાએ 40% સુધી ઘટ્યું હતું. કોમ્પેક્ટ કારોના વેચાણમાં 17%નો ઘટાડો થયો છે. તેનાથી વિપરિત SUVના વેચાણમાં 22%ની વૃદ્ધિ જોવા મળી છે. તાતા મોટર્સ પેસેન્જર વ્હીકલના MD શૈલેષ ચંદ્ર અનુસાર કંપનીના કુલ વેચાણમાં SUVનો હિસ્સો 65%થી વધુ રહ્યો હતો. એટલે કે એન્ટ્રી લેવલ અને નાની કારોનું વેચાણ 30% કરતાં પણ નીચલા સ્તરે નોંધાયું હતું.
ડિસેમ્બરમાં કાર ઉત્પાદકો અને ડીલર્સે કારની કિંમત પર 4 વર્ષમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું એન્ટ્રી લેવલ કારોની માંગ ઘટતા તેમજ ઇન્વેન્ટરી વધવાને કારણે ઉત્પાદકો અને ડીલર્સે ગત મહિને કેટલીક કાર પર 4 વર્ષમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું. મોટા ભાગની કાર ઉત્પાદક કંપનીઓએ 5 થી 7% સુધી ડિસ્કાઉન્ટ છે.
વેચાણમાં ઘટાડાનું કારણ
ખર્ચ વધતા તેમજ ઉત્સર્જન અને સુરક્ષાને લગતા નવા નિયમો લાગૂ થવાથી એન્ટ્રી લેવલ કારની કિંમત પણ 60 થી 80% સુધી વધી ચૂકી છે. જે કારનું વેચાણ પહેલા રૂ.3-4 લાખની રેન્જમાં થતું હતું હવે તે કાર રૂ.5-6 લાખની કિંમત વચ્ચે વેચાય છે. જેને કારણે એન્ટ્રી લેવલ કારના ખરીદદારો કારની ખરીદી ટાળી રહ્યાં છે. તદુપરાંત અનેક કંપનીઓની SUVની કિંમત એન્ટ્રી લેવલ કારથી વધુ નથી જેને કારણે પણ કાર ખરીદવા જતા લોકો એન્ટ્રી લેવલને બદલે SUV ખરીદવાનું વધુ પસંદ કરે છે.
બીએસ6ના નવા નિયમો બાદ માર્કેટમાંથી પકડ ગુમાવી શકે
ઉત્સર્જન અને સુરક્ષાને લગતા નવા નિયમો લાગૂ થયા બાદ માર્કેટમાંથી પકડ ગુમાવે તેવી શક્યતા છે. સરકાર GST દર 28%થી ઘટાડશે નહીં તો એન્ટ્રી લેવલ કારોનું માર્કેટ ખતમ થઇ શકે છે. > મનીષ રાજ સિંઘાનિયા, અધ્યક્ષ, ફાડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.