કોરોના મહામારી બાદ બેરોજગારીમાં ઝડપી વધારો થયો હતો પરંતુ ધીમે-ધીમે રોજગારીનુ સર્જન થઇ રહ્યું છે ત્યારે હવે ટેક્નોલોજીના યુગમાં રોજગારીમાં ઝડપી વૃદ્ધિ માટે સ્કિલ ડેવલપમેન્ટ મહત્વનું પાસુ બન્યું છે. સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર રોજગારની રચના કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે ત્યારે કૌશલ્યમાં વધતો જઈ રહેલો અંતરાલ એ ભારતમાં રોજગારની સંખ્યાને સુધારવાની આડે રહેલો એક મોટો અવરોધ છે. ક્વેસ્ટ એલાયેન્સ દ્વારા રજૂ કરવામાં આવેલા રીપોર્ટ ‘પાથવેઝ ટુ વર્ક મેપિંગ એજ્યુકેશન, સ્કિલ્સ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટુ લેબર માર્કેટ ડીમાન્ડ’નું આ તારણ છે.
આ રીપોર્ટમાં ભારતની વર્તમાન કૌશલ્ય તાલીમ ઇકોસિસ્ટમનું વિહંગાવલોકન પૂરું પાડવામાં આવ્યું, પડકારોનું વર્ણન કરવામાં આવ્યું છે તથા ધરમૂળથી સુધારાઓની તાત્કાલિક જરૂરિયાત હોવાનું વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમાં શ્રમ બજારની માંગનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેથી કરીને કૌશલ્યની તાલીમને વ્યવસાયોની જરૂરિયાતોને અનુરૂપ બનાવી શકાય. ક્વેસ્ટ એલાયેન્સના સીઇઓ આકાશ શેઠીએ જણાવ્યું કે રોજગારનું સર્જન એ વર્તમાન સમયની જરૂરિયાત છે પરંતુ એટલું જ મહત્ત્વનું એ પણ છે કે, રોજગારના સતત બદલાઈ રહેલા પરિદ્રશ્યમાં આપણે કેવી રીતે યુવાનોને સક્ષમ રહેવા માટે તૈયાર કરીએ છીએ. આપણે તેમને ઉદ્યોગજગતની વર્તમાન તેમજ ઉભરી રહેલી જરૂરિયાતોને પૂરી કરી શકે તેવા શિક્ષણ અને કૌશલ્યો પૂરાં પાડવા જોઇએ. અભ્યાસ મુજબ, વૈશ્વિક રોગચાળા પૂર્વે યુવાનોની બેરોજગારી 17.3% હતી, જે પુખ્ત વયના લોકોના દરથી ત્રણ ગણી વધારે હતી.
આ યુવાનોમાં પણ 15થી 29 વર્ષના યુવાનોમાં બેરોજગારી સૌથી વધારે (25.5%) હતી, જેના પછી 20થી 24 વર્ષના યુવાનો (23.7%)નો ક્રમ આવે છે અને આખરે 25-29 વર્ષની વયજૂથના યુવાનો (10.7%) છે. જોકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં આઇટીઆઈમાં ભરતીની ટકાવારી પ્રમાણમાં સ્થિર રહી છે, વર્ષ 2020માં ભરતીમાં 4 પોઇન્ટનો વધારો (21.87%) થયો હતો. જોકે, વર્ષ 2021માં ભરતીની ટકાવારી થોડી ઘટીને 19.48% નોંધાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.