હસ્તકલા સેતુ યોજના માટે અમલીકરણ સંસ્થા તરીકે એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ગુજરાતના ગ્રામીણ અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ઉદ્યોગસાહસિકતાનું એક સંપૂર્ણ વ્યવસ્થાતંત્ર વિકસાવવા પ્રયત્નશીલ છે. ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના હસ્તકળા કલાકારોના ઉત્પાદનો, કુશળતા અને અન્ય વિગતો આપતું વન-સ્ટોપ પ્લેટફોર્મ બનાવશે. હસ્તકલા સેતુ યોજના અંતર્ગત કલાકારો માટે એક દિવસના કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના 40,000 કલાકારોને પ્લેટફોર્મ મળશે
ઇડીઆઇઆઈના ડિરેક્ટર જનરલ સુનિલ શુક્લાએ જણાવ્યું કે, આ પ્લેટફોર્મ અંતર્ગત ગુજરાતના 40,000 કલાકારોની ડિરેક્ટરી બનાવવામાં આવશે. જેમાં કલાકારો અને તેમની સ્કિલ અંગેની સંપૂર્ણ જાણકારી હશે. ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયાએ સંપૂર્ણપણે વ્યવસાયની કામગીરી બદલી છે એટલે ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને આ ટેકનોલોજીકલ અપનાવવી અને તેમની સાથે આવતી મોટી તકો ઝડપવી જરૂરી છે. વળી ગ્રામીણ કલાકારો આ પરિવર્તનો સાથે તાલ મેળવે અને પર્યાવરણે અનુકૂળ કામગીરી જાળવવા સજ્જ થાય એ સુનિશ્ચિત કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
બજાર સાથે કનેક્ટ ન હોવાથી કલાકારો તક ગુમાવે છે
સુનિલ શુક્લાએ કહ્યું કે, આશરે 88%થી વધારે કલાકારો વિશિષ્ટ કુશળતા હોવા છતાં તેમને બજારમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે. બજાર સાથે જોડાણ અને જરૂરી જાણકારીનો અભાવ, આ બંને મુખ્ય પરિબળો કલાકારોને નબળી સ્થિતિ તરફ દોરી જાય છે. આ પ્રોજેક્ટનો અમલ તબક્કાવાર ગુજરાતના 13 જિલ્લાઓમાં થઈ રહ્યો છે, જેમાં તાલીમ કાર્યક્રમો, જરૂરિયાત-આધારિત તાલીમ, પ્રોત્સાહન અને બજાર સાથે તેમના જોડાણ સ્થાપિત કરીને કલાકારોને ટેકો આપવામાં આવ્યો છે અને તેમને બજારમાં શું માગ છે એની જાણકારી આપવામાં આવે છે.
કલાકારોને સારી તાલીમ આપવાનો સરકારનો ઉદ્દેશ્ય
ગુજરાતના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું કે સરકાર EDII જેવી સંસ્થાઓની મદદ સાથે કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના વણકરો, કલાકારો અને ઉદ્યોગસાહસિકોની કુશળતા વધારવા જોડાણ કરીને કામ કરે છે તથા આ પ્રકારની તાલીમ જૂની ડિઝાઇનો, વ્યવસાયના નવા પ્લેટફોર્મની મર્યાદિત સુલભતા, જાણકારી અને વિતરણ નેટવર્કનો અભાવ તથા ઉત્પાદન નવીનતાની મર્યાદા દૂર કરવામાં મદદરૂપ થાય છે. કલાકારોને સારી તાલીમ મળે છે, જેથી તેઓ બજારની પસંદગીને અનુરૂપ ઉત્પાદનો બનાવીને પોતાના વ્યવહારિક એકમો ઊભા કરી શકે છે.
જૂની કળાઓ ટકી રહે એ સુનિશ્ચિત થશે
ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના સચિવ અને કમિશનર પ્રવીણ સોલંકીએ જણાવ્યું હતું કે, કલાકારોએ રાજ્યને તેની ઓળખ આપી છે અને તમામ માધ્યમો દ્વારા સહાય મેળવવાને પાત્ર છો, જેથી આપણી સદીઓ જૂની કળાઓ ટકી રહે એ સુનિશ્ચિત થાય. તમારી કુશળતાનું સ્તર વધારો, જેથી તમારી કલ્પનાશક્તિ અને નવીનતા વધે તથા તમે વ્યવસાયના તમારા મર્યાદિત ક્ષેત્રથી પર થઈને વિચારો, જેથી તમારા ગ્રાહકોમાં વધારો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.