મોંઘવારીમાં ધીમા ધોરણે ઘટાડો થઈ રહ્યો છે. ગત મહિને સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના ભાવમાં 9%નો ઘટાડો થયો છે અને આ મહિને તેના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાયમાં વધારો છે. ગયા મહિને આંતરરાષ્ટ્રીય બજારમાં સન ફ્લાવર ઓઈલ, સરસિયુ, પામ ઓઈલ અને કોકોનટ ઓઈલના ભાવમાં 2થી 13.5%નો ઘટાડો થયો હતો.
સોયાબીન તેલના ભાવ લગભગ સ્થિર રહ્યા હતા અને પામ તેલમાં નજીવો વધારો થયો હતો. તેના કારણે સ્થાનિક બજારમાં સન ફ્લાવર સિવાયના તમામ ખાદ્ય તેલના છૂટક ભાવમાં 2-9%નો ઘટાડો થયો હતો. નિષ્ણાતોના મતે જૂનમાં પણ આ ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલુ રહેશે. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)ના પ્રેસિડન્ટ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ખાદ્ય તેલનો ટ્રેન્ડ પલટાયો છે.
તેનું મુખ્ય કારણ ઈન્ડોનેશિયામાંથી પુરવઠો વધતાં, વ્યાજદરમાં વધારો અને વપરાશમાં ઘટાડો છે. રશિયામાંથી સનફ્લાવર ઓઈલનો સપ્લાય શરૂ થઈ ચૂક્યો છે. યુક્રેનમાંથી તેની નિકાસ ટૂંક સમયમાં રિકવર થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ખાદ્યતેલના ભાવ દબાણમાં આવ્યા છે. સ્ટોકનો માલ વેચવા આવતા બજારમાં તેલીબિયાંના ભાવ ઘટ્યા છે.
વધુ ગરમીને કારણે ખાદ્યતેલની માંગ ઘટી
કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે દેશમાં રેકોર્ડ બ્રેકિંગ ગરમી જોવા મળી રહી છે. જ્યારે ગરમી વધુ હોય છે, ત્યારે તેલની માંગ સામાન્ય રીતે ઘટે છે. આ ઉપરાંત લગ્નની સિઝન પણ પૂરી થવા જઈ રહી છે.
સ્ટોક વધ્યો, ખેડૂતોએ તેલીબિયાંનું વેચાણ વધાર્યું
SOPAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડીએન પાઠકના જણાવ્યા અનુસાર ઓઈલ માર્કેટ ઠંડુ રહેવાની શક્યતા છે. ખેડૂતોએ ભાવમાં વધારાની અપેક્ષાએ તેલીબિયાંનો સ્ટોક કર્યો હતો, પરંતુ હવે ઘટતા વલણને જોતા સ્ટોક કરેલો માલ વેચવા કાઢ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.