એગ્રિ કોમોડિટી:ખાદ્યતેલોની આયાત ઓગસ્ટ માસમાં 22 ટકા ઘટી 10.16 લાખ ટન નોંધાઇ, કિંમતો ઘટી શકે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાદ્યતેલોની ઉંચી કિંમતો તેમજ જૂન-જૂલાઇમાં જંગી આયાતની અસર

ખાદ્યતેલોની ઉંચી કિંમતોના કારણે માગમાં ઘટાડો થવાથી તેમજ જૂન-જૂલાઇ માસમાં આયાતમાં વૃદ્ધિ અને સ્ટોકની માત્રા વધુ હોવાના કારણે ઓગસ્ટ માસમાં દેશમાં ખાદ્યતેલોની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં ખાદ્યતેલોની આયાત 22 ટકા ઘટીને 1016370 ટન નોંધાઇ હોવાનું અહેવાલમાં દર્શાવાયું છે. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (SEA) એ જણાવ્યું હતું કે અખાદ્યતેલની આયાત પણ ઓગસ્ટમાં ઘટીને 37,440 ટન થઈ હતી જે ગયા વર્ષના સમાન મહિનામાં 62,052 ટન હતી.

ઓગસ્ટ 2021 દરમિયાન ખાદ્યતેલ (ખાદ્ય અને અખાદ્ય તેલ)ની આયાત 10,53,810 ટન રહી છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં 13,70,457 ટનની સરખામણીએ 23 ટકા ઘટી હતી. જ્યારે SEA ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બીવી મહેતાએ જણાવ્યું કે જૂન અને જુલાઈમાં વધારે આયાતને કારણે ઓગસ્ટમાં આયાત ઘટી છે. વધુમાં, ખાદ્યતેલોના ઉંચા ભાવને કારણે માંગમાં ઘટાડો થયો છે.”

ઓક્ટોબરમાં પૂરા થતા 2020-21 ઓઇલ માર્કેટિંગ વર્ષના પ્રથમ 10 મહિના દરમિયાન ખાદ્યતેલની આયાત ઘટીને 103,86,517 ટન થઈ છે જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 109,06,259 ટન હતી. અખાદ્યતેલની આયાત 2,89,631 ટનથી વધીને 3,21,929 ટન થઈ છે.

નવેમ્બર 2020 થી ઓગસ્ટ 2021 દરમિયાન વનસ્પતિ તેલોની એકંદર આયાત 107,08,446 ટન હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 111,95,890 ટનની તુલનાએ 4 ટકા ઘટી હતી. ઓઇલ વર્ષ નવેમ્બરથી ઓક્ટોબર સુધીનું ગણાય છે. નવેમ્બર 2020 થી ઓગસ્ટ 2021 દરમિયાન પામતેલની આયાત વધીને 63,65,163 ટન થઈ છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 57,96,953 ટન હતી.

સોયા અને સનફ્લાવર તેલના ઉંચા ભાવને કારણે 51,09,306 ટનની સરખામણીમાં નરમ તેલની આયાત ઘટીને 40,21,354 ટન થઈ છે. ઓગસ્ટમાં 12,000 ટન રાયડાતેલની આયાત કરી હતી અને સરસવના તેલની અછત ભરવા માટે આગામી 3 થી 4 મહિના દરમિયાન વધુ શિપમેન્ટની અપેક્ષા છે.

ડ્યૂટી ઘટતા આગામી સમયમાં આયાતને વેગ મ‌ળશે
SEA એ જણાવ્યું હતુ કે સરકારે CPO (ક્રૂડ પામ ઓઇલ), RBD પામોલીન અને RBD પામ ઓઇલ તેમજ ક્રૂડ અને રિફાઇન્ડ સોયાબીન અને સૂર્યમુખી તેલ પર 11 સપ્ટેમ્બરથી 5.5 ટકા આયાત ડ્યૂટી ઘટાડી છે. ડ્યૂટીમાં ઘટાડો થવાના કારણે આગામી સમયમાં આયાતમાં ફરી વધારો થાય તેવા સંકેતો છે. વર્ષાન્ત સુધીમાં આયાત 135-140 લાખ ટન આંબી જાય તો નવાઇ નહિં. ક્રૂડ પામ ઓઇલ, સોયાતેલ, સનફ્લાવરતેલ પર અસરકારક આયાત ડ્યૂટી 30.25 ટકાથી ઘટાડીને 24.75 ટકા કરવામાં આવી છે. શુદ્ધ પામોલિન, શુદ્ધ પામતેલ અને સૂર્યમુખી પર અસરકારક ડ્યુટી 41.25 ટકાથી ઘટાડીને 35.75 ટકા કરવામાં આવી છે.

ઇન્ડોનેશિયા-મલેશિયાથી ખાદ્યતેલોની ધૂમ આયાત
ઈન્ડોનેશિયા અને મલેશિયા ભારતને ક્રૂડપામ તેલના મુખ્ય સપ્લાયર છે. નવેમ્બર 2020 થી ઓગસ્ટ 2021 ના ​​સમયગાળા દરમિયાન, મલેશિયા CPO (30,15,246 ટન) નું મુખ્ય સપ્લાયર હતું અને ત્યારબાદ ઇન્ડોનેશિયા (27,23,267 ટન) હતું. ક્રૂડ સોયાબીન ડીગમડ ઓઇલના કિસ્સામાં, ભારત મુખ્યત્વે આર્જેન્ટિના (20,35,603 ટન) થી આયાત કરે છે, ત્યારબાદ બ્રાઝિલ (3,13,089 ટન) રહી છે.

અન્ય સમાચારો પણ છે...