અર્થવ્યવસ્થામાં સુધાર:લોકડાઉન પહેલાના સ્તરની નજીક પહોચ્યું ઈ-વે બિલ જનરેશન, જુનમાં 4.27 કરોડ બિલ બન્યા

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પહેલા મહિને 5.2 કરોડ બિલ જનરેટ થતા હતા
  • જુનમાં રૂ. 12.40 કરોડના સામાનની અવર જવર થઇ છે

લોકડાઉન ખુલવાની સાથે જ દેશમાં વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારો થતો જોવા મળ્યો છે. ગૂડ્સ એન્ડ સર્વિસીસ નેટવર્ક (GSTN)ના કહેવા મુજબ જુનમાં કુલ 4.2 કરોડ ઈ-વે બિલ બન્યા છે જયારે કોરોના પહેલા માસિક 5.2 કરોડ બિલ બનતા હતા. GSTNએ જાહેર કરેલા આંકડા મુજબ જુનમાં જે ઈ-વે બિલ બન્યા છે તે અનુસાર રૂ. 12.40 કરોડના સામાનની અવર જવર થઇ છે. 

કોરોના પહેલા કરતાં જુનમાં 77% બિલ બન્યા
જુનમાં રોજના 14.26 લાખ બિલ બન્યા છે. આ આંકડા દર્શાવે છે કે, લોકડાઉન પહેલા ઈ-વે બિલના માધ્યમથી જેટલો વેપાર થતો હતો, જુનમાં તેનો 77% હિસ્સો હાસિલ થઇ ગયો છે. સૌથી વધુ 30 જુને એક જ દિવસમાં 18.32 લાખ બિલ જનરેટ થયા જેની વેલ્યુ રૂ. 54,500 કરોડ જેટલી થાય છે. આ વર્ષે માર્ચમાં 4 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા અને તેના માધ્યમથી રૂ. 11.43 લાખ કરોડના સામાનની આવન જાવન થઇ હતી. 

લોકડાઉન લાગતાં જ બિલ જનરેશનમાં મોટો ઘટાડો
GSTN મુજબ લોકડાઉનના પહેલા ચરણમાં એટલે કે 25 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન ઈ-વે બિલની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટીને 1.72 લાખ થઇ હતી. તેવી જ રીતે બીજા ચરણ (15 એપ્રિલ-3 મે) દરમિયાન તેમાં થોડો સુધારો થયો અને સંખ્યા વધીને 3.51 લાખ પર પહોચી હતી. લોકડાઉનના ત્રીજા ચરણ (04-14 મે)માં ઈ-વે બિલનો આંકડો થોડો વધુ સુધારીને 6.75 લાખ અને ચોથા ચરણ (15-31 મે) દરમિયાન 9.84 લાખ સુધી પહોચી ગયો હતો. 

GST કલેકશનમાં વધારો
લોકડાઉન દરમિયાન GST કલેકશનમાં ભારે ઘટાડો થયો હતો. જોકે, અનલોક-1.0ની શરૂઆતની સાથે જ વ્યાપારિક કામગીરી વધતા કલેકશનમાં વધારો થયો છે. જુન મહિનાના આંકડા જોઈએ તો આ મહિનામાં રૂ. 90,917 કરોડનું GST કલેક્શન થયું છે. એપ્રિલમાં તે રૂ. 32,294 કરોડ અને મેમાં રૂ. 62,009 કરોડ GST કલેક્શન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...