દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોન લેવાનું ચલણ સામાન્ય પરિવારોમાં ઝડપભેર વધવા લાગ્યું છે. બેન્કોની ઝડપી અને તુંરત ધિરાણની પ્રક્રિયા ઉપરાંત ક્રેડિટ કાર્ડનો વપરાશ વધી રહ્યો છે જેના પરિણામે પારિવારીક તથા સરકારના દેવામાં ઝડપી વધારો થઇ રહ્યો છે. પરંતુ કંપનીઓના દેવાના બોજમાં ઘટાડો થયો છે. તેઓ નવી લોન લેવાનું ટાળી રહ્યા છે.
વર્ષ 2017 અને જૂન 2022 ની વચ્ચે દેશમાં ઘરેલુ દેવું વધીને 35.5% થઈ ગયું. જો કે ભારતીયો વધુ લોન લઈ રહ્યા છે, તેમ છતાં તેઓ હજુ પણ વિકસિત અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ સારી સ્થિતિમાં છે. વિકસિત દેશોમાં ઘરેલું દેવું જીડીપીના 73.7% સુધી છે જ્યારે ભારતમાં તે અડધાથી પણ ઓછું છે. જી 20 દેશો અને અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાનિક દેવું ભારત કરતાં પણ વધુ છે. આ આંકડો જી-20 દેશોમાં જીડીપીના 57.6% અને ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં 45.8% સુધી છે.
પારિવારિક દેવું
પાંચ વર્ષમાં ભારતીયોનું ઘરગથ્થુ દેવું જીડીપીના 34.5 ટકાથી એક ટકા વધીને 35.5% થયું છે. જેમાં 18.02 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. 2017માં પરિવારો પર 72.90 લાખ કરોડ રૂપિયાના દેવાનો બોજ હતો જે જૂન 2022 સુધીમાં વધીને 90.92 લાખ કરોડ થઈ ગયું છે.
સરકારનું દેવું
પાંચ વર્ષમાં સરકારનું દેવું જીડીપીના 69.5 ટકાથી 12.9 ટકા વધીને 82.4 ટકા થયું છે. 2017માં દેવું 146.12 લાખ કરોડ રૂપિયા હતું. જૂન 2022 સુધીમાં તે વધીને 211.07 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વભરની સરકારોએ પણ દેવું વધાર્યું છે. રજૂ કરનારા દેશોમાં સરકારનું દેવું 4,866.74 લાખ કરોડ રૂપિયા હતું.
કંપનીઓનું દેવું
વર્ષ 2017માં ભારતીય કંપનીઓનું દેવું જીડીપીના 58.3% જેટલું હતું. જૂન 2022 સુધીમાં તે 6% ઘટીને 52.3% થઈ ગયું. આ આંકડા દર્શાવે છે કે કંપનીઓ નવી લોન લેવાનું ટાળી રહી છે. તેઓ મૂડી ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે જે અર્થતંત્રને વેગ આપવામાં મોટી ભૂમિકા ભજવે છે.
દેવું વધવાના કારણે નુકસાન
વિદેશી સંસ્થાકીય રોકાણકારો રોકાણનો નિર્ણય લેતા પહેલા દેશમાં લોકો અને સરકારના દેવાની સ્થિતિને જુએ છે. ભારત મુખ્યત્વે ચોખ્ખી આયાત કરતો દેશ છે. મોંઘવારી સાથે વધતું દેવું ચલણ અને સરકારી નીતિઓને અસર કરે છે. પારિવારિક અને સરકારી દેવું વધવાથી જોખમ વધી ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.