તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Doubts About Adani Group's M.Cap From Rs 2 Lakh Crore To Rs 8.9 Lakh Crore In 1 Year!

ભાસ્કર એક્સપ્લેનર:અદાણી ગ્રુપની M.Cap 1 વર્ષમાં 2 લાખ કરોડથી 8.9 લાખ કરોડ... અંગે શંકા! જાણો સમગ્ર મામલો શું છે?

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૌતમ અદાણીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગૌતમ અદાણીની ફાઇલ તસવીર.
  • 43,500 કરોડનું રોકાણ કરનાર મોરેશિયસના 3 ફંડ સામે NSDLની કાર્યવાહી
  • અદાણી ગ્રૂપમાં ત્રણ બોગસ વિદેશી ફંડનું રોકાણ, એકાઉન્ટ ફ્રીઝ થયાં
  • 25% તૂટ્યા અદાણી ગ્રૂપના શેર, MCapમાં 1.03 લાખ કરોડ સુધીનું ધોવાણ
  • અદાણી ગ્રૂપનો દાવો- ડીમેટ નહીં, GDR એકાઉન્ટ સીઝ થયાં
  • એક વર્ષમાં અદાણી ગ્રૂપ્સના શેર્સમાં 1900%ની તેજી પણ સેબીની રડાર પર

અદાણી જૂથની કંપનીઓમાં બોગસ વિદેશી રોકાણના અહેવાલોને પગલે સોમવારે શેરબજારમાં તોફાન મચ્યું હતું. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા અદાણી જૂથની 6 કંપનીમાં 3 વિદેશી ફંડ દ્વારા તેમની કુલ મૂડીમાંથી 95%થી વધારે રકમ એટલે કે 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું અને આ ત્રણેય વિદેશી ફંડને ફ્રીઝ કરાયાં હતાં. આ અંગેના અહેવાલોને પગલે અદાણી જૂથના શૅર્સમાં એક તબક્કે 1.03 લાખ કરોડ સુધીનું ધોવાણ થયું હતું.

ગ્રુપના વિવિધ શૅર 25% તૂટ્યા હતા. ત્રણે વિદેશી ફંડ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ) મોરિશિયસસ્થિત છે. જોકે અદાણી જૂથે ત્રણે ફંડ ફ્રીઝ કરાયાના અહેવાલોને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા. NSDL દ્વારા અદાણી જૂથમાં રોકાણ કરનાર વિદેશી ફંડ હાઉસ અલ્બુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડનાં અકાઉન્ટ 31 મે પહેલાંથી ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં. બ્લોક અકાઉન્ટનો અર્થ એ છે કે આ FPI કોઈ નવી સિક્યોરિટીઝને ખરીદી કે વેચી નહીં શકે. મોરિશિયસનાં આ ત્રણેય ફંડ FPIની રીતે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBIની પાસે રજિસ્ટર્ડ છે. અદાણી ગ્રુપમાં બોગસ કંપનીઓના રોકાણના મુદ્દે બજારમાં ભારે તર્કવિતર્ક અને ગભરાટનો માહોલ છવાયો છે.

સમગ્ર મામલો શું છે?
NSDL દ્વારા ત્રણ વિદેશી ફંડ- અલ્બુલા, ક્રેસ્ટા અને APMSનાં ખાતાં ફ્રીઝ કરાયાં હતાં. આ ત્રણ ફંડે 43,500 કરોડનું અદાણી ગ્રુપમાં રોકાણ કર્યું હતું. નવા નિયમ મુજબ માહિતીના અભાવે ખાતાં ફ્રીઝ કરાયાં છે. અદાણી ગ્રુપમાં બોગસ રોકાણના અહેવાલોને પગલે શૅર્સ તૂટ્યા હતા.

મોરિશિયસનાં ત્રણેય ફંડનું સરનામું એક
સેબીએ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોરિશિયસના જે ત્રણ રોકાણકારોને પકડ્યા, જેમને બોગસ માનવામાં આવે છે એ છે- અલ્બુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને એપીએમએસ એક જ સરનામે નોંધાયેલાં છે. તેમની પાસે વેબસાઈટ નથી.

ત્રણેય ફંડનું અદાણી ગ્રુપમાં રોકાણ
ગ્રુપની 4 કંપનીમાં 43500 કરોડનું કુલ રોકાણ

કંપનીરોકાણટકા
અદાણી એન્ટર12,008 કરોડ6.82%
અદાણી ટ્રાન્સ.14,112 કરોડ8.03%
અદાણી ટોટલ10,578 કરોડ5.92%
અદાણી ગ્રીન6,861 કરોડ3.58%

વિદેશી સંસ્થાઓ અને કંપનીની કાર્ટેલથી અદાણી ગ્રુપ્સના શેર્સમાં એક વર્ષમાં 1900%ની તેજી પાછળ શું કારણ?

અદાણી જૂથની 100 ટકા ઈક્વિટીમાંથી 75 ટકા ઈક્વિટી પ્રમોટર્સ પાસે છે. બાકીની 25 ટકામાંથી વિદેશી ફંડ (એફપીઆઇ અથવા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ)નો હિસ્સો 20થી 22 % જેટલો થાય છે. માત્ર બેથી પાંચ ટકા શેર જ રિટેલ ઈન્વેસ્ટર્સ પાસે છે. 7 વિદેશી ફંડોએ પોતાની કુલ મૂડીનો 95થી 99 ટકા હિસ્સો અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં રોક્યા છે. શેરના ભાવ વધતાં અદાણી જૂથના શૅરની માગમાં ઉછાળો શરૂ થયો, આથી એક વર્ષમાં જૂથના શેરમાં 2000 ટકા સુધીનો ઊછાળો નોંધાયો. જૂથનું માર્કેટકેપ 1 વર્ષમાં 2 લાખ કરોડથી ઊછળી 8.9 લાખ કરોડ પહોંચી ગયું છે. એફપીઆઈ અને ઓપરેટર્સની કાર્ટેલને કારણે શેરના ભાવ વધ્યા હોવા અંગે સેબીએ પણ તપાસ શરૂ કરી છે.

અદાણી ગ્રુપની 6 કંપનીમાં કુલ વિદેશી રોકાણ કેટલું

કંપનીવિદેશી રોકાણ
અદાણી એન્ટરપ્રાઇઝીસ20.51%
અદાણી ટોટલ ગેસ21.47%
અદાણી ટ્રાન્સમિશન20.30%
અદાણી ગ્રીન એનર્જી21.47%
અદાણી પોર્ટ17.90%
અદાણી પાવર1.49%

7 ફંડોએ કુલ મૂડીના કેટલા ટકા કર્યું રોકાણ

ફંડહોલ્ડિંગ
અલ્બુલા ફંડ95.40%
ક્રેસ્ટા ફંડ97.70%
એલરા ઈન્ડિયા97.90%
વેલપરા ફંડ99.40%
એશિયા ઈન્વેસ્ટમેન્ટ99.20%
LTS ઈન્વેસ્ટમેન્ટ97.30%
APMS ઈન્વેસ્ટમેન્ટ96.90%

GDR અકાઉન્ટ ફ્રીઝ થયાંઃ અદાણી

અદાણી જૂથે એવો દાવો કર્યો હતો કે NSDL દ્વારા 3 વિદેશી ફંડોના ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો નહીં, પણ જીડીઆર (ગ્લોબલ ડિપોઝિટરી રિસીપ્ટ) અકાઉન્ટ ફ્રીઝ કરાયાં છે. કંપનીના પ્રવક્તા રોય પોલે કહ્યું હતું કે ગેરસમજને કારણે ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે આ 3 ફંડનાં GDR ખાતાં ફ્રીઝ થતાં તે નવા ફંડ જનરેટ કે ઑપરેટ નહીં કરી શકે. GDR વિદેશમાં રોકાણ માટે ડિપોઝિટરી બેન્ક દ્વારા ઇસ્યુ કરાતા સર્ટિફિકેટ છે.

ટ્વીટથી તડાફડી - સિનિયર પત્રકારના વાઇરલ ટ્વીટ પછી અદાણી ગ્રુપના શૅરમાં કડાકો
અદાણી ગ્રુપની વિવિધ કંપનીઓના શૅરમાં સોમવારે થયેલા કડાકાના ઘટનાક્રમમાં સિનિયર પત્રકાર સૂચેતા દલાલના એક ટ્વીટની પણ મહત્ત્વની ભૂમિકા મનાઈ રહી છે. આમ તો નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા અદાણી ગ્રુપમાં રોકાણ કરનાર ત્રણ વિદેશી ફંડ સામેની કાર્યવાહીના અહેવાલ બાદ અદાણીના શૅરમાં ધોવાણ થયું હતું. શનિવારે સવારે 10.26 વાગ્યે સૂચેતા દલાલે અદાણી ગ્રુપનું નામ લીધા વિના પોસ્ટ કરેલા ટ્વીટમાં એક સમૂહ દ્વારા શૅરના ભાવમાં ઉછાળો આવે એ માટે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો સંકેત આપ્યો હતો. ટ્વીટમાં દલાલે સેબીની ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ માનવામાં આવે નહીં એવું ‘સ્કેન્ડલ’ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. દલાલે ટ્વીટમાં ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીને પણ ટૅગ કર્યા હતા. સૂચેતા દલાલ એ જ પત્રકાર છે જેમણે 1992માં હર્ષદ મહેતાના શેર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. બાદમાં તેમના પુસ્તકના આધારે ‘સ્કેમ-92’ સિરીઝ બની હતી.

અકાઉન્ટને ફ્રીઝ કરવાનું કારણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓનો ભંગ હોવાનું જણાવાયું હતું. સામાન્ય રીતે અકાઉન્ટ ફ્રીઝ કરાતાં પહેલાં કસ્ટોડિયની તરફથી ક્લાયન્ટ્સને ચેતવણી આપવામાં આવી છે. જો ફંડ્સ તરફથી નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો અકાઉન્ટને બ્લોક કરવામાં આવે છે. SEBIએ FPI માટેનો યુઝર્સનો કસ્ટમર (KYC) ડોક્યુમેન્ટ્સને અપડેટ કર્યા હતા અને નવા નિયમોનું પાલન કરવા માટે ગત વર્ષ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. કંપનીઓએ જણાવ્યું હતું કે 14 જૂન, 2021એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ડિમેટ અકાઉન્ટ્સ જેમાં ઉપરોક્ત ભંડોળ કંપનીના શેર ધરાવે છે એ સ્થિર નથી.

FIIનાં અકાઉન્ટ ફ્રીઝ થયાની વાત તથ્યવિહીન- અદાણી
એફપીઆઇના અકાઉન્ટ ફ્રીઝ થયાની વાત તથ્યવિહીન હોવા અંગે અદાણી જૂથે ખુલાસો કર્યો છે કે તેમણે 3 વિદેશી ફંડ્સના અકાઉન્ટ અંગે એનએસડીએલ પાસે માહિતી મગાવી હતી, એમાં એનએસડીએલ દ્વારા ખુલાસો કરાયો છે , અલ્બુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફન્ડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડનાં અકાઉન્ટ્સ એક્ટિવ છે. તેમનાં ડિમેન્ટ અકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યાં નથી, તેથી આવા અહેવાલો રોકાણકારોને જાણીજોઇને ગેરમાર્ગે દોરનારા છે. એટલું જ નહિ, ગ્રુપની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચાડનારા છે.