ચિપના લીધે માઠી બેઠી:ઓટો સેક્ટર માટે દિવાળી તહેવારો દાયકાની સૌથી ખરાબ સિઝન: ફાડા

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

તહેવારોની સિઝન ઓટો ડીલર્સ માટે દાયકાઓની સૌથી ખરાબ સિઝન રહી છે. ઓટોમોબાઈલ ડીલર્સની સંસ્થા ફાડાએ જણાવ્યું હતુ કે, ચિપની અછતના લીધે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ખરીદીને માઠી અસર થઈ છે.

ફાડાના પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે, "છેલ્લા એક દાયકામાં ભારતીય ઓટો રિટેલમાં જોવા મળેલી આ સૌથી ખરાબ તહેવારોની સિઝન રહી છે. ચિપની અછતથી SUV, કોમ્પેક્ટ-એસયુવી, અને લઝરી સેગમેન્ટમાં પેસેન્જર વાહનોના સપ્લાય પર પ્રતિકૂળ અસરો રહી છે. આરોગ્ય સંભાળની જરૂરિયાતો માટે ગ્રાહકોની બચતોના પગલે એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં હજુ માંગ નબળી રહી છે.

ગ્રામ્ય ફુગાવો અને ઈંધણના વધતાં ભાવને કારણે એન્ટ્રી લેવલના ટુ વ્હિલર્સ સેગમેન્ટના વેચાણોમાં કોઈ વૃદ્ધિ જોવા મળી નથી. આંતર-રાજ્ય ગુડ્સની માગમાં વધારાને પગલે કોમર્શિયલ વાહનોમાં માગ સારી રહી છે. ફાડા 15,000થી વધુ ઓટો ડીલરોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ દેશભરમાં 26,500થી વધુ આઉટલેટ ધરાવે છે.

ધનતેરસ પર ગ્રાહકોને મજબૂત ડિલિવરી નોંધાય છે. હજી મોટી કંપનીઓએ સત્તાવાર નંબરો જારી કર્યાં નથી. એમજી મોટરે ધનતેરસ પર મીડ સાઈઝની એસયુવી એસ્ટોરના 500 યુનિટની ડિલિવરી કરી છે. ચીપ્સની અછતને ધ્યાનમાં રાખી એમજી મોટર્સે ડિસેમ્બર અંતે 4થી 5 હજાર વાહનોની ડિલિવરીને પહોંચી વળવાનો લક્ષ્યાંક મૂક્યો છે.

સેમી કન્ડક્ટરની અછત ઇન્ડસ્ટ્રીઝને નડી
ઓટો ઉત્પાદકો માટે મહામારી બાદ ઝડપી રિકવરી ગ્રોથ જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા બે માસથી સેમી કન્ડક્ટરની ક્રાઇસીસના કારણે સેક્ટરને મોટા પાયે અસર થઇ છે. ઉત્પાદન કાપના કારણે વેઇટીંગ પિરીયડ લંબાઇ જવાથી ગ્રાહકો તહેવાર પર ખરીદી અટકાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...