મોંઘવારી વાળશે દાટ:ક્રૂડ, મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટની કિંમતો વધતા જથ્થાબંધ ફુગાવો 5 માસની ટોચે 12.54%

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત વધતો ફુગાવો અર્થતંત્રની ગતિમાં અવરોધરૂપ સાબીત થઇ શકે

દેશ ઉપરાંત વિશ્વના મોટા ભાગના દેશોમાં સતત વધતો ફુગાવો અર્થતંત્રની ગતીમાં અવરોધરૂપ સાબીત થઇ શકે છે. ભારતમાં રિટેલ ફુગાવો વધીને આવ્યા બાદ જથ્થાબંધ ફુગાવો પણ પાંચ માસની ઉંચી સપાટી પર 12.54 ટકા પહોંચ્યો છે.

ખાદ્યપદાર્થોની કિંમતો ઉપરાંત ક્રૂડ અને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટની કિંમતોમાં થયેલા વધારાના કારણે ફુગાવો સતત વધી રહ્યો છે. એપ્રિલ માસથી ફુગાવાનો દર સતત સાત માસથી ડબલ ડિજિટમાં રહ્યો છે. સપ્ટેમ્બર માસમાં ફુગાવાનો દર 10.66 ટકા હતો જ્યારે ઓક્ટોબર 2020માં માત્ર 1.31 ટકા જ નોંધાયો હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યું છે.

«ઓક્ટોબર 2021 માં ફુગાવાનો ઊંચો દર મુખ્યત્વે ખનિજ તેલ,મૂળભૂત ધાતુઓ, ખાદ્ય ઉત્પાદનો, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, કેમિકલ્સ અને કેમિકલ ઉત્પાદનો વગેરેના ભાવમાં અગાઉના વર્ષના સમાન મહિનાની તુલનામાં જંગી વધારો થયો છે. ઓક્ટોબરમાં મેન્યુફેક્ચરિંગ વસ્તુઓનો ફુગાવો વધીને 12.04 ટકા હતો, જે અગાઉના મહિનામાં 11.41 ટકા હતો.

ઈંધણ અને પાવર બાસ્કેટમાં ઓક્ટોબરમાં મોંઘવારીનો દર 37.18 ટકા હતો, જે સપ્ટેમ્બરમાં 24.81 ટકા હતો. સમીક્ષા હેઠળના મહિનામાં ક્રૂડ પેટ્રોલિયમ ફુગાવો 80.57 ટકા હતો, જે સપ્ટેમ્બરમાં 71.86 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો પણ સપ્ટેમ્બરમાં (-) 4.69 ટકાની સામે ઓક્ટોબરમાં (-) 1.69 ટકાના દર મહિને મહિનાના આધારે નજીવો વધારો જોવા મળ્યો હતો.

ઊંચા ઇનપુટ ખર્ચ, ઇંધણ અને કોમોડિટીના ભાવ સાથે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો હતો.ICRAના ચીફ ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે કોમોડિટી કિંમતના વ્યાપક દબાણને પ્રતિબિંબિત કરતા કાચા માલોમાં જંગી વધારા સાથે કોર ઇન્ડેક્સે મહિના-દર-મહિને 1 ટકાનો ઉછાળો નોંધ્યો છે.

ફુગાવાને કાબૂમાં રાખવા વ્યાજ વધારો સંભવ
સતત વધી રહેલા ફુગાવાને કાબુમાં રાખવા માટે વ્યાજદરમાં અંદાજ કરતા વહેલો વધારો કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યાં છે. આગામી મોનેટરી પોલિસી બેઠકમાં રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. વિશ્વના અન્ય દેશો પણ વ્યાજદરમાં વધારો કરવા માટે વિચારણા કરી રહ્યાં છે. અમેરિકામાં 1990ના દાયકા બાદ ફુગાવો તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...